વોયઝી ચાર્લ્સ ફ્રાન્સિસ એન્નેસ્લી (જ. 1857; અ. 1941) : બ્રિટિશ સ્થપતિ. સૌપ્રથમ તેણે સેડોનના હાથ નીચે અને તે પછી 1880થી ડેવેયના હાથ નીચે કામ કર્યું. તેનાથી તેની શરૂઆતની ઇમારતો પર પ્રાદેશિક (vernacular) પદ્ધતિની અસર જોવા મળે છે. 1882થી તેણે સ્વતંત્ર રીતે સ્થપતિ તરીકેની પ્રૅક્ટિસ શરૂ કરી. તેને સ્થાપત્યની જેમ ડિઝાઇનમાં પણ ઘણી જ રુચિ હતી. વિશેષત: મૉરિસ અને મૅકમર્ડોની સામાન્ય અસર તેની પર હોવાથી તે આર્ટ્સ અને ક્રાફટ્સની ચળવળનો આગળ પડતો સભ્ય બન્યો. વૉલપેપર અને ટેક્સટાઇલની 1883ની શરૂઆતની તેની ડિઝાઇનો સાચે જ મૅકમર્ડોની યાદ કરાવનારી છે, અર્થાત્ આ બંનેની ડિઝાઇનોમાં ઘણું સામ્ય જણાય છે. મકાનનિર્માણનું તેનું કાર્ય સૌપ્રથમ 1888-89થી શરૂ થયું, જે પ્રથમ વિશ્વયુદ્ધ સુધી ચાલુ રહ્યું હતું. તેણે મોટેભાગે ગ્રામીણ મકાનો (country houses) બાંધ્યાં છે. એ સિવાય ભાગ્યે જ એણે બીજું કશું બાંધ્યું જણાય છે. તેણે બાંધેલાં મકાનો અતિ વિશાળ નથી, ભવ્ય નથી કે પ્રતિનિધિરૂપ પણ નથી. વળી તેઓ કુદરતની વધુ નજીક સંબંધ ધરાવતાં હોય તે પ્રકારનાં છે કદાચ પ્રાંગણની મધ્યે સુરક્ષિત એક પુરાણ વૃક્ષના જેવાં દીર્ઘકાલીન નકલોના તે નમૂના નથી. વાસ્તવમાં તેઓ ભૂતકાળની પરંપરાથી વધુ સ્વતંત્રતા ધરાવે છે. 1900ના વર્ષ અગાઉ ભાગ્યે જ કોઈ સ્થપતિ બાંધકામના ક્ષેત્રે આ પ્રકારનું સાહસ કરે, તે સાહસ વોયઝીનાં મકાનોમાં જણાય છે. વોયઝી ફર્નિચર આદિની ડિઝાઇનો પણ વિગતે જાતે જ તૈયાર કરતો. ફર્નિચરની ડિઝાઇનમાં પણ મૅકમર્ડોની અસર જણાય છે. તેનાં મકાનોની રચનાશૈલીએ ઇંગ્લૅન્ડ અને અન્ય દેશોમાં ઊંડી અસર નિપજાવી છે, તેની યાદી આ પ્રમાણે છે : કૉટેજ, બિશપ્સ ઇચિંગટન, વૉરવિકશાયર, 1888; પેરિક્રૉફ્ટ, કોલવૉલ, હિઅર ફોર્ડશાયર, 1893; એન્નેસ્લી લૉજ, હેમ્પસ્ટીજ, લંડન, 1896; માર્લ્શેન્ગર (ગ્રે ફ્રાઅર્સ), હૉગ્સ બૅક, ગીલ્ડ ફોર્ડ, સરેય, 1896; નૉર્ને શેકલફોર્ડ, સરેય, 1897; બ્રૉડલેસ (વર્તમાન વિન્ડરમિયર મોટરબોટ ક્લબ) અને મુર ક્રેગ કુમ્બ્રિયા, 1898; ધી ઓર્ચાર્ડ, કોર્લેવુડ, હર્ટફોર્ડશાયર 1900-1901; ધ હોમસ્ટીડ, ફ્રિન્ટન-ઑન-સી, ઇસ્સેક્સ, 1905. યુદ્ધના અંત પછી વૉયઝીને સ્થાપત્યના કામ માટે ભાગ્યે જ બોલાવવામાં આવતો.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર