વૉમ્બેયન ગુફાઓ (Wombeyan Caves) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના દક્ષિણના ઊંચાણવાળા પ્રદેશમાં આવેલા ચૂનાખડકોમાં ધોવાણની ક્રિયાથી તૈયાર થયેલી ગુફાઓ. આ ગુફાઓ સિડનીથી નૈર્ઋત્યમાં આશરે 193 કિમી. અંતરે તથા ગોલબર્નની ઉત્તરે આશરે 97 કિમી. અંતરે આવેલી છે. આ ગુફાઓ ચૂનાખડકોમાં કુદરતી રીતે કંડારાયેલાં સુંદર દૃશ્યો માટે જાણીતી છે. જંકશન, કૂરિંગા અને વોલોન્ડિલી ગુફાઓ જાહેર જનતા માટે ખુલ્લી રાખેલી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે આ ગુફાઓ કંકણાકાર પ્રવાલદ્વીપોના એક ભાગરૂપ હતી. દાબ અને ઉષ્ણતાથી આ પ્રવાલ સ્વરૂપો પીળી શિરાઓવાળા આરસપહાણમાં ફેરવાયેલાં છે.
ગિરીશભાઈ પંડ્યા