ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (Gujarat Engineering Research Institute)
February, 2011
ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (Gujarat Engineering Research Institute) : ‘ગેરી’ના ટૂંકા નામે ઓળખાતી સિવિલ ઇજનેરી એટલે કે બાંધકામશાસ્ત્ર ક્ષેત્રે સંશોધન અને વિકાસનું કામ કરતી રાજ્ય સરકારની એકમાત્ર સંસ્થા. આ સંસ્થાની મુખ્ય કચેરી વડોદરામાં આવેલી છે. 1960ની સાલમાં ઇજનેરી સંશોધન સંસ્થા તરીકેનો દરજ્જો હાંસલ કર્યો ત્યારથી આજ સુધી આ સંસ્થાએ રાજ્યના વિકાસમાં મહત્વનો ફાળો આપેલો છે. રાજ્ય સરકારના નર્મદા અને જળસંપત્તિ, માર્ગ અને મકાન, જાહેર આરોગ્ય ને બંદર જેવા વિભાગો તેમજ રાજ્યના વિવિધ નિગમો, બોર્ડો, કૉર્પોરેશનો વગેરેમાં ઉદભવતા સિવિલ ઇજનેરીના વિષયના પ્રશ્નોના નિરાકરણ માટે સંશોધન, અન્વેષણ, પરીક્ષણ વગેરેની કામગીરી તે કરે છે.
આ ઉપરાંત આ સંસ્થામાં કેન્દ્રીય સિંચાઈ અને ઊર્જા મંત્રાલય, ઇન્ડિયન કાઉન્સિલ ફૉર ઍગ્રિકલ્ચરલ રિસર્ચ તેમજ ભારત સરકારના વાહનવ્યવહાર ખાતા જેવી કેન્દ્રીય સંસ્થાઓ તરફથી ફાળવવામાં આવતી સંશોધનની યોજનાઓ વિશે પણ કામગીરી કરવામાં આવે છે. તેણે છેલ્લાં ઘણાં વર્ષોથી રાષ્ટ્રીય કક્ષાએ નામના પ્રાપ્ત કરી છે અને રાષ્ટ્રની ટોચ કક્ષાની સંસ્થાઓમાં તેની ગણના થાય છે.
ભારતના કેન્દ્રીય સિંચાઈ અને સિવિલ ઇજનેરી ક્ષેત્રે 1989ના વર્ષની શ્રેષ્ઠ ઇજનેરી સંશોધન સંસ્થા તરીકે ‘ગેરી’ની પસંદગી થઈ હતી. કેન્દ્રીય સિંચાઈ અને ઊર્જા મંત્રાલય તરફથી શ્રીનગર ખાતે યોજાયેલ સંશોધન અને વિકાસના વાર્ષિક અધિવેશનમાં ‘ગેરી’ને ‘સી. બી. આઇ. પી. ડાયમન્ડ જ્યુબિલી ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવેલ છે. વર્ષ 1988માં સંસ્થાના ભૂતપૂર્વ નિયામક ડૉ. સી. ડી. થત્તેને તેમજ વર્ષ 1991માં તે વખતના સંયુક્ત નિયામક ડૉ. યુ. ડી. દાતારને જળસંપત્તિને લગતા ક્ષેત્રની વિશિષ્ટ કામગીરી માટે વ્યક્તિગત રીતે પંડિત જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી સંશોધન ઍવૉર્ડ એનાયત થયો હતો. સંસ્થાનું બીજું સંકુલ વડોદરામાં જ ગોત્રી ખાતે આવેલું છે. સંસ્થાની ત્રણ પ્રાદેશિક પ્રયોગશાળાઓ સૂરત, ગાંધીનગર અને રાજકોટ ખાતે આવેલી છે. તેમના વહીવટ હેઠળ લગભગ દરેક જિલ્લામાં એક એક પ્રયોગશાળા છે. આ પ્રયોગશાળાઓ દ્વારા જિલ્લાની બાંધકામ પ્રવૃત્તિઓ માટે તે જ જિલ્લામાં ચકાસણીની સુવિધા ઉપલબ્ધ થયેલ છે. વૈજ્ઞાનિકો, ઇજનેરો અને વહીવટી કર્મચારીઓ સહિત આશરે અગિયારસો જેટલા અધિકારીઓ/કર્મચારીઓ ‘ગેરી’માં સેવા બજાવે છે.
સંસ્થાના વડા નિયામક મુખ્ય ઇજનેરની કક્ષાના અધિકારી છે. અધીક્ષક ઇજનેરી કક્ષાના ત્રણ સંયુક્ત નિયામક તાંત્રિક (technical) બાબતોમાં નિયામકને મદદ કરે છે.
‘ગેરી’ ખાતે અનેક વિષયો પર અભ્યાસ કરવા માટે અદ્યતન સાધનોથી સુસજ્જ પ્રયોગશાળાઓ છે, જેમાં મુખ્યત્વે માટી-પરીક્ષણ, ઇજનેરી ભૂસ્તરશાસ્ત્ર, રસ્તા સંશોધન, બંધોમાં કાંપ જમાવટની મોજણી, બંધ-સુરક્ષા, રૉક મિકૅનિક્સ, ગ્રાઉટિંગ, બાંધકામ સામગ્રી પરીક્ષણ, કૉંક્રીટ ટૅક્નૉલૉજી, રીઇનફૉર્સ્ડ અર્થ, રિમોટ સેન્સિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, પાતાળકૂવા, વાહનવ્યવહાર ઇજનેરી, દરિયાકિનારાનું ધોવાણ અને ધરતીકંપોની મોજણી વગેરે વિષયોનાં સંશોધનને લગતી કામગીરી કરવામાં આવે છે. આ સંશોધનોનો લાભ રાજ્યની ગ્રામ જનતા સુધી પહોંચે તે આશયથી ગુજરાતી ભાષામાં પુસ્તિકા તૈયાર કરી તેની નકલો ગામેગામ પહોંચાડવામાં આવે છે. આવી કેટલીક પુસ્તિકાઓમાં ‘સિમેન્ટને ઓળખો’, ‘સારા ગ્રામીણ રસ્તા કેવી રીતે બાંધવા’, ‘કાળી માટીમાં બાંધકામ’, ‘ભૂમિ મોજણીમાં પિયત ખેતીનું મહત્વ’ અને ‘ગ્રામીણ તલાવડી’ જેવા વિષયો સાંકળી લેવામાં આવેલા છે.
નર્મદા અને જળસંપત્તિ વિભાગ અને રસ્તા અને મકાન વિભાગના સંયુક્ત છમાસિક સામયિક ‘નવનિર્માણ’ના પ્રકાશનનું કાર્ય આ સંસ્થા સંભાળે છે. આ સંસ્થાના ગ્રંથાલયમાં સિવિલ ઇજનેરીને લગતાં 30,000થી પણ વધુ પુસ્તકો છે. ઉપરાંત દેશ-પરદેશથી પ્રસિદ્ધ થતાં 85 જેટલાં સામયિકો આવે છે. ‘ગેરી’એ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ અપાતા દસ પુરસ્કારો પ્રાપ્ત કરેલ છે અને રાષ્ટ્રીય કક્ષાની 30 જેટલી સમિતિઓમાં તે સભ્ય છે.
રાજ્યમાં નર્મદા યોજના અને એક્સ્પ્રેસ હાઈવે જેવી મહત્વાકાંક્ષી યોજનાઓના અમલીકરણમાં બાંધકામને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ‘ગેરી’ સતત પ્રયત્નશીલ છે.
સંસ્થાના સૌજન્યથી