કોટિ (conceit) : કાવ્યાલંકારનો પ્રકાર. મૂળ ઇટાલિયન શબ્દ concetto પરથી રચાયેલા લૅટિન શબ્દ conceptus પરથી અંગ્રેજી શબ્દ વ્યુત્પન્ન થયો છે. તે વિચાર, ખ્યાલ, કલ્પના એમ અનેક અર્થો માટે વપરાતો થયો હતો. કાવ્ય પૂરતું કહીએ તો દેખીતી રીતે દૂરાકૃષ્ટ સામ્ય ધરાવતા પદાર્થો, પ્રસંગો કે વિચારો વચ્ચે સામ્ય જોવા પાછળ રહેલી કાવ્યચમત્કૃતિ દર્શાવતી પ્રયુક્તિને ‘કન્સીટ’ કહી શકાય. એમાં કવિપક્ષે બુદ્ધિવિલાસ, યુક્તિ, શબ્દચાતુર્ય, તરંગી માનસ વગેરે વ્યક્ત થાય છે. ભાવકપક્ષે એમાં આશ્ચર્ય, કૌતુક તથા ક્યારેક આઘાત અને ક્ષોભની અનુભૂતિ થાય છે.

રૂપક, ઉપમા, અતિશયોક્તિ, ઉત્પ્રેક્ષા તથા વિરોધાભાસ જેવા અલંકારો વડે નિરૂપાતી કોટિના આસ્વાદ તથા આનંદ ઇન્દ્રિયગ્રાહ્ય કરતાં વિશેષ બુદ્ધિગ્રાહ્ય હોય છે.

ઇટાલિયન કવિ પેટ્રાર્કે (1304-1374) પ્રણય-સૉનેટોમાં તેનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. ઇંગ્લૅન્ડમાં સોળમી સદીના કવિઓએ કલ્પનાવૈભવની અભિવ્યક્તિ તરીકે તેની પ્રશસ્તિ કરી અને આવકાર આપ્યો. પરંતુ કાવ્યક્ષેત્રે ‘કન્સીટ’નો વ્યવસ્થિત વિકાસ થયો ‘મેટાફિઝિકલ પોએટ્સ’ તરીકે ઓળખાતા કવિજૂથની રચનાઓમાં. એમાં જ્હૉન ડન (1572-1631) કવિત્વ પરત્વે સૌમાં અગ્રેસર રહ્યા. ડનનાં કાવ્યોમાં કોટિ ઘણુંખરું અખંડરૂપે પ્રવર્તે છે. સાર્દશ્યની અભિવ્યક્તિ માર્મિક અને કલામય હોવાથી આનંદપ્રદ બની રહે છે.

‘એ વૅલિડિક્શન; ફરબિડિંગ મોર્નિંગ’ નામક કાવ્યમાં ડન બે પ્રેમીઓના આત્મા તથા કંપાસ વચ્ચે સામ્ય નિરૂપે છે.

આ ઉપરાંત ટ્યુડર, જૅકોબિયન તથા કૅરોલિન કવિઓનાં પ્રણયકાવ્યોમાં તેમજ કોર્નિલ, મોલિયેર અને રેસિનની કૃતિઓમાં કોટિનું આલેખન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ભૌતિક અને અભૌતિક ઉપકરણોના સંદર્ભમાં એના પેટ્રાર્કન તથા મેટાફિઝિકલ એમ બે પ્રકાર જોવાયા છે. વાણીવ્યવહારમાં પરિચિતતા, સરળતા, સાહજિકતા, અનલંકૃતતા તથા પ્રકૃતિપરાયણતાનો આગ્રહ વધવાથી અને રંગદર્શી કવિતાના આગમન પછી અન્ય યુક્તિઓની સાથે કોટિના પ્રયોગને કવિઓએ તિલાંજલિ આપી. પછી છેક ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેન્ચ પ્રતીકવાદીઓએ કોટિનું અવલંબન સ્વીકાર્યું અને એમિલી ડિકિન્સન, ટી. એસ. એલિયટ અને એઝરા પાઉન્ડ જેવા સર્જકોમાં પણ તેનો સફળ વિનિયોગ જોવા મળે છે.

આધુનિક લેખકો પણ ‘કન્સીટ’ જેવી ચમત્કૃતિનો જાણ્યે-અજાણ્યે અને ક્યારેક લક્ષ્યવેધક સફળતાપૂર્વક ઉપયોગ કરતા રહ્યા છે.

કોટિનો પ્રયોગ દુનિયાની બધી ભાષાઓની કવિતામાં કોઈ ને કોઈ રીતે થયેલો જોવા મળે. ગુજરાતીમાં મળતાં તેનાં ર્દષ્ટાંતો નીચે પ્રમાણે છે :

(1)     કોણ બોલી ? કોકિલા કે ?

        જાણે સ્વિચ ઑફ કરી દઉં

        તરુઘટામાં ગાજતો આ બુલબુલાટ

        કુદરતના શું રેડિયોનો

        સાંસ્કૃતિક કો કાર્યક્રમ !

        ચાંપ બંધ કરી દઉં ? શું કરું એને હું ?

                                        ઉમાશંકર જોશી

(2)     પતંગિયું ને ચંબેલી

        એક થયાં ને બની પરી.

                                        શ્રીધરાણી

(3)     મિલનાં ઊંચાં ભૂંગળાંને કોઈ ચંદનની

                અગરબત્તીમાં પલટાવી દો,

        સિમેન્ટ કૉંક્રીટનાં મકાનોને કોઈ સરુવનમાં

                ફેરવી દો,

        આંખની કીકીઓને કોઈ ચન્દ્ર પર ચિટકાડી દો

        માણસોનાં ટોળાંને કોઈ સાગરની લહેરોમાં

                લહેરાવી દો,

        આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ

                હસી લેવું છે.

                                        હરીન્દ્ર દવે

(4)     કાલ લગી

        વૃદ્ધના ગળેલ પગ જેવો,

        આજ કવિતાના લયબદ્ધ છંદ જેવો

        તડકો કડાક કોરો પહેરીને હું નીકળ્યો છું.

                                        નલિન રાવળ

મોહંમદ ઇસ્હાક શેખ