કોટાય : કચ્છનું સોલંકી યુગનું શિવમંદિર. કચ્છ જિલ્લાના મુખ્ય નગર ભૂજથી ઈશાન ખૂણે થોડા કિમી. ઉપર આવેલી પહાડીના ઉત્તર ભાગે ઢોળાવ ઉપર આવેલા કોટાય ગામની નજીકની ટેકરી ઉપર એક ભગ્નાવશિષ્ટ શિવમંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે. ભૂજથી લખપતના રાજ્ય ધોરી માર્ગ ઉપર થોડા અંતરે ડાબે હાથે આવેલા પુંઅરાના શિવમંદિરનું અને આ શિવમંદિરનું સ્થાપત્ય લગભગ એકસરખું છે અને એ કપિલકોટ – ‘કેરા’ના લાખા ફુલાણીએ બંધાવેલું; એટલે મૂળરાજ સોલંકીના સમકાલીન હોવા છતાં લાખાનાં આ બંને મંદિરના સ્થાપત્ય ઉપર સોલંકીકાળના વિકસેલા સ્થાપત્યની અસર જોવા મળતી નથી. આ મંદિરનો પશ્ચિમનો ભાગ તૂટી ગયો છે, પરંતુ મધ્ય ભાગનું ઢાંકણ બચી રહ્યું છે, જે અષ્ટાપદ ઘુંમટના ઘાટનું છતાં લંબાઈ સાચવી રહેલું જોવા મળે છે. ભૂજમાં હમીરસર પાસે આવેલા શરદબાગમાં કોટાયના મંદિરનો ખૂબ જ નાનો નમૂનો તૈયાર કરાવીને રાખેલો છે તેમાં વચ્ચેના અંતરાલની લંબાઈ પ્રમાણમાં વધુ પડતી કરવામાં આવી છે; અસલ મંદિરમાં આવી લંબાઈ નથી. કોટાયનું શિવમંદિર ચતુરંગી પ્રકારનું છે, એમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ

કોટાય મંદિર, કોટાય

અને શૃંગારચોકી આવેલાં છે. ભદ્ર અને પ્રતિરથવાળું ‘ત્રિનાસિક’ અર્થાત્ ‘ત્રિરથ’ના સ્વરૂપનું એનું તલમાન છે, જેમાં મૂલસૂત્ર અને ભદ્ર-પ્રતિરથ નિર્ગમનું પ્રમાણ વત્તુંઓછું છે. એના શિખરનો ભાગ નાશ પામ્યો છે. પીઠભાગમાં કલશાદિના સાદા થર છે, પરંતુ ભદ્ર કોણ અને સલિલાંતરની ઉભડક રચનાની મધ્યમાં એક એક મૂર્તિશિલ્પ છે. ભદ્ર અને કોણ ઉપર દેવદેવીઓનાં અને સલિલાંતરમાં સુરસુંદરીઓનાં તથા વ્યાલનાં શિલ્પ છે. મંડોવરના મહાકેવાલ પરના થર ઉપરનો તમામ ભાગ નાશ પામ્યો છે. ગર્ભગૃહના દ્વારના અંતરંગમાં નવ ગ્રહોનો પટ છે. તલદર્શન જોતાં આ મંદિર પંચાંડી હશે. નોંધવા જેવું છે કે બર્જેસે આ સ્થળની મુલાકાત લીધેલી ત્યારે આ પશ્ચિમાભિમુખ મંદિરની પશ્ચિમે ત્રણ નાનાં મંદિરોના અવશેષ જોયેલા, જેમાંનાં બે પૂર્વાભિમુખ અને એક ઉત્તરાભિમુખ હતું. આ ત્રીજું વિષ્ણુ મંદિર હતું. આ બધાં મંદિર નાશ પામ્યાં છે, મૂર્તિઓ પણ હાથ લાગી નથી. બર્જેસે સૂર્યમંદિરનો ફોટો છપાવેલો પણ આજે એ સર્વથા નષ્ટ થઈ ગયું છે. જે બચ્યું છે તે સૂર્યમંદિર નહિ, પણ શિવમંદિર છે. કચ્છના કેરાકોટ અને આ કોટાયના શિવમંદિરને જોતાં રાજસ્થાનમાંના જગતના અંબિકા માતાના મંદિરનાં શિલ્પ અને સ્થાપત્ય સાથે ઘણો નજીકનો સંબંધ છે, જેનાથી કહી શકાય કે બંને પ્રદેશોની શિલ્પ-સ્થાપત્યકલા એકાત્મક હતી.

કે. કા. શાસ્ત્રી