કોઝેન્સ – જૉન રૉબર્ટ

January, 2008

કોઝેન્સ, જૉન રૉબર્ટ (જ. 1752, લંડન, બ્રિટન; અ. 14 ડિસેમ્બર 1797, લંડન, બ્રિટન) : યુરોપના નિસર્ગને આલેખવા માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. ચિત્રકાર પિતા ઍલેક્ઝાન્ડર કોઝેન્સ પાસે તેઓ ચિત્રકલા શીખ્યા.

જૉન રૉબર્ટ કોઝેન્સે દોરેલું એક ચિત્ર

1767માં લંડનની રૉયલ એકૅડેમી ખાતે તેમજ ઇન્કૉર્પોરેટેડ સોસાયટી ઑવ્ આટર્સ ખાતે તેમણે તેમનાં નિસર્ગચિત્રોનાં બે વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. 1776થી 1779 સુધી અને 1782થી 1783 સુધી તેમણે ગોથિક રિવાઇવલિઝના હિમાયતી લેખક વિલિયમ બેકફૉર્ડ સાથે સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીના પ્રવાસો કર્યા અને એ દરમિયાન ત્યાંનાં નિસર્ગદૃશ્યોનાં ચિત્રો ચીતર્યાં. 1793 પછી તેઓ ગાંડા થઈ ગયા અને તેમને બેથ્લેહેમ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને ચાર વરસ પછી ત્યાં જ તેઓ મૃત્યુ પામ્યા.

કોઝેન્સ બ્રિટનના નિસર્ગ-ચિત્રકારોમાં રંગદર્શી વલણ દાખવનાર પહેલા હતા. તેમનાં ચિત્રોમાંથી ટર્નર અને કૉન્સ્ટેબલ જેવા બ્રિટિશ નિસર્ગ-ચિત્રકારોએ પ્રેરણા લીધી હતી. કોઝેન્સનાં નિસર્ગચિત્રોમાંથી સૌથી વધુ જાણીતા આ છે : ‘પાદુઆ અન્ડર ધ લાઇટ્નિન્ગ એટ નાઇટ’; ‘હેનિબાલ ક્રૉસિન્ગ ધ આલ્પ્સ’ અને ‘ગ્રાફ ઑવ્ સાલેર્નો’.

અમિતાભ મડિયા