સિતારાદેવી (જ. 22 ઑક્ટોબર 1922, કોલકાતા) : ભારતીય ચલચિત્રનાં અભિનેત્રી અને વિખ્યાત ભારતીય શાસ્ત્રીય નર્તકી. તેમનો જન્મ ધનતેરસને દિવસે થયો હોવાથી બધાં તેમને લાડમાં ‘ધન્નો’ કહેતાં. બાળપણથી તે શેતાન અને નટખટ હતાં. નેપાળી રાજ્યના દરબારી સંગીતકાર તથા પારંપરિક કથાકાર-કથકનર્તક સુખદેવ મહારાજ તેમના પિતા. તેમણે કોલકાતામાં રાધાકૃષ્ણ નૃત્ય-મંદિરની સ્થાપના કરી હતી. તેમાં સિતારાની બે મોટી બહેનો તાલીમ લેતી હતી. સિતારાએ નાનપણથી તેમના નૃત્યની નકલ કરતાં કરતાં અવ્યક્ત તાલીમ મેળવી.
સિતારાદેવી
તે ઉપરાંત તેમણે 12 વર્ષની વયે પ્રસિદ્ધ કથક નૃત્યકાર શંભુ મહારાજ, લચ્છુ મહારાજ અને અચ્છન મહારાજ પાસેથી નૃત્યની તાલીમ મેળવી. સતત પરિશ્રમ દ્વારા તેમણે ભરતનાટ્યમ્, કથક, મણિપુરી નૃત્યોમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. તે ઉપરાંત પાશ્ર્ચાત્ય નૃત્યકલામાં પણ સારી રુચિ દાખવી. કોલકાતામાં થનારાં સંગીત-સંમેલનોમાં ભાગ લેવાથી કિશોરાવસ્થામાં તેમને ખ્યાતિ મળી.
કેટલાંક વર્ષો બાદ તેઓ કોલકાતાથી મુંબઈ આવી સ્થિર થયાં. તેમની ઇચ્છા ફિલ્મ અભિનેત્રી બનવાની હતી. પહેલી વાર તેમણે મૂક ફિલ્મ ‘દિગ્વિજય’માં અભિનય કર્યો, પછી મહેબૂબખાનની ‘અલ્હેલાલ’, ‘નગીના’, ‘વતન’ (1943) અને ‘રોટી’ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. ‘વતન’ ફિલ્મમાં કરેલા ઉત્કૃષ્ટ અભિનય બદલ તેમને ગોહર ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો. એ જ વર્ષે ‘નજમા’ ફિલ્મ માટે પુરસ્કાર મળ્યો અને સુપર સ્ટાર બન્યાં. ‘ઇન્ડિયા ટુડે’માં પૃથ્વીરાજ કપૂર સાથે તેમણે કામ કર્યું.
20 વર્ષની ઉંમરે તેમણે નાસિરખાન સાથે નિર્માત્રી અને કલાકાર થવાનું નક્કી કરી ‘હિંદી પિક્ચર્સ’ નામની ફિલ્મ કંપની શરૂ કરી. તેમાં નુકસાન વેઠવું પડ્યું. નાસિરખાનના ભત્રીજા કે. આસિફ સાથે ‘આજ કા હિન્દુસ્તાન’, ‘પાગલ’, ‘ધીરજ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ફિલ્મ-નિર્માણમાં પૈસા ડૂબ્યા અને કે. આસિફ કરોડોના ખર્ચે ‘મોગલે આઝમ’ના નિર્માણમાં વ્યસ્ત થતાં તેઓ નાસીપાસ થઈ 14 વર્ષનાં લગ્નજીવનમાંથી છૂટાં થયાં. પછી 1948ના અરસામાં નૃત્યકલા તરફ તેમની અભિરુચિ વધી. અતૂટ પરિશ્રમ કરીને નૃત્યની સાધનાનો આરંભ કર્યો. પછી તેમણે આફ્રિકા અને યુરોપીય દેશોનો પ્રવાસ ખેડ્યો.
1958માં દારેસલામ આફ્રિકાના નૃત્યપ્રવાસે જતાં ગાયિકા કમલ બારોટના ભાઈ પ્રતાપ બારોટના પરિચયમાં આવ્યાં અને તે પરિચય લગ્નમાં પરિણમ્યો. તેમણે વિદેશમાં તેમનાં નૃત્યો દ્વારા લાખો દર્શકોને મુગ્ધ કર્યા અને ભારતીય નૃત્યકલાનો ઊંડો પ્રભાવ પાડ્યો. 1967માં રૉયલ આલ્બર્ટ અને વિક્ટોરિયા હૉલ, લંડનમાં નૃત્યનો કાર્યક્રમ કર્યો. વિદેશમાં એક ખુલ્લા થિયેટરમાં તેમણે 75,000 દર્શકો સામે નૃત્ય પ્રસ્તુત કરી લોકપ્રિયતા મેળવી.
દેશમાં આપેલા કાર્યક્રમોમાં 1969માં કિશન મહારાજના તબલાની સંગત સાથે ભાગલપુરમાં સતત 12 કલાક ‘અવિરત નૃત્ય’ રજૂ કરેલું અને નવો રેકર્ડ સ્થાપિત કરેલો. બીજા જ વર્ષે મુંબઈમાં બિરલા માતુશ્રી સભાગૃહમાં 13 કલાક નૃત્ય કરી વિક્રમ સ્થાપ્યો હતો. તેમના નૃત્યમાં અચ્છન મહારાજ, લચ્છુ મહારાજ અને શંભુ મહારાજ – એ ત્રણેયની લાક્ષણિકતાઓનો સુભગ સમન્વય જોવા મળે છે. નૃત્યક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને 1969માં રાજ્ય સંગીત નાટક અકાદમી પુરસ્કાર; 1971માં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પુરસ્કાર; 1972માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નો ઇલકાબ; 1974માં કેન્દ્રીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર; 1977માં ખૈરાગડ સંગીત યુનિવર્સિટી તરફથી ‘ડૉક્ટરેટ’ની પદવી; 1979માં મહારાષ્ટ્ર સરકાર તરફથી ‘નૃત્યવિલાસ’; 1979માં સુરસિંગાર સંસદ તરફથી ‘રસેશ્વર’ પુરસ્કાર; 1991માં ‘ભાવલ્કા’ પુરસ્કાર; 1995માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા કાલિદાસ સન્માન તથા ચેન્નાઈમાં ‘નૃત્યકલા-નિપુણ’ જેવા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 2002ના વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમને ‘પદ્મભૂષણ’નો ઇલકાબ એનાયત કરવાની દરખાસ્ત રજૂ કરી હતી જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો.
પ્રકૃતિ કાશ્યપ