કોઝીકોડ : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11o 7′ 22”થી 11o 48′ 32” ઉ.અ. અને 75o 30′ 58”થી 76o 08′ 20” પૂ.રે. વચ્ચેનો 2,345 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ કન્નુર જિલ્લો, પૂર્વ તરફ વાયનાડ જિલ્લો, દક્ષિણ તરફ મલ્લાપુરમ જિલ્લો તથા પશ્ચિમ તરફ લક્ષદ્વીપ સમુદ્ર આવેલા છે. જિલ્લામથક કોઝીકોડ સમુદ્રકાંઠે આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ પૂર્વથી પશ્ચિમ તરફના ઢોળાવવાળું છે. પશ્ચિમ ઘાટના પર્વતો પૂર્વ તરફ કુદરતી આડ રચે છે. પશ્ચિમ કાંઠે લક્ષદ્વીપ સમુદ્ર આવેલો છે. જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ મેદાની હોવા છતાં ક્યાંક ક્યાંક ટેકરીઓ જોવા મળે છે. પૂર્વ સીમા પર વાયનાડ ઉચ્ચપ્રદેશ આવેલો છે. જિલ્લાના દરિયાકાંઠાની લંબાઈ 80 કિમી. જેટલી છે; નદીઓએ કિનારાને ખંડિત બનાવેલો છે. પૂર્વ હદ પર જંગલની પટ્ટી આવેલી છે, ત્યાં સાગ અને નીલગિરિનાં વૃક્ષોનું વાવેતર થાય છે.
જળપરિવાહ : જિલ્લાની મહત્વની નદીઓમાં કુટ્ટિયાડી, કોળાપુઝા, ક્લ્લાઈ, ચેલિયાર, બેયપોર, કડાલન્દી, પુરપરમ્બા અને માહેનો સમાવેશ થાય છે. નદીઓમાં પૂરતા પ્રમાણમાં જળજથ્થો રહે છે તેથી તે સસ્તા જળમાર્ગોની સુવિધા મળી રહે છે. અહીં વિકસેલું પશ્ચિમ કાંડાનું નહેરમાળખું તિરુવનંતપુરમ્ અને હોસદુર્ગને જોડે છે.
ખેતી–સિંચાઈ–પશુપાલન : ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે, તેથી તેમનો જીવનનિર્વાહ ખેતી પર આધારિત છે. અહીંની કસવાળી જમીનો, સમયસરનો વરસાદ અને પૂરતો જળજથ્થો ખેતી માટે ખૂબ જ અનુકૂળ પડે છે. ઊંચાઈવાળા ભૂપૃષ્ઠ પર કૉફી, ચા અને રબર, નીચાણવાળા ભૂપૃષ્ઠ પર નાળિયેરી અને ડાંગર, જ્યારે મધ્યના ભાગો પર મરી, નાળિયેરી, સોપારી, ટેપિયોકા, રબર અને શેરડીના પાક લેવાય છે. ડાંગરનો પાક વર્ષમાં ત્રણ વાર લેવાય છે. નાળિયેરી અહીંના લોકો માટે આવકનો મુખ્ય સ્રોત છે. આ ઉપરાંત આદુ, હળદર અને કેળાંના પાક પણ લેવાય છે. કુથાલી ખાતે આવેલું કૃષિ-સંશોધન મથક તથા થિકોડી ખાતે આવેલી નાળિયેરીની ધરુવાડી અહીંની અગત્યની સંસ્થાઓ છે. કુટ્ટિયાડી નદી પર કુટ્ટિયાડી સિંચાઈ પ્રકલ્પ ઊભો કરાયો છે; જેમાંથી જિલ્લાના ત્રણેય તાલુકાઓને નહેર દ્વારા પાણી અપાય છે. મુખ્ય બંધની ઊંચાઈ આશરે 35 મીટરની, લંબાઈ 173 મીટરની અને છલતીની લંબાઈ 49 મીટરની છે. જિલ્લાની આશરે 14,500 હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડવામાં આવે છે.
જિલ્લાની જમીનો ફળદ્રૂપ હોવાથી દુધાળાં ઢોરનું સંવર્ધન થાય છે; દૂધ-વિકાસ મંડળીઓ ઊભી કરવામાં આવેલી છે. પશુઓ માટે પશુદવાખાનાં અને કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો આવેલાં છે. દૂધ-શીતાગાર-મથકો નાડુવેટ્ટમ્ અને કુણમપેટ્ટા ખાતે વિકસાવાયાં છે. કાલિકટ ખાતે મરઘાં-બતકાં સંવર્ધનક્ષેત્ર તથા તેમનું વિસ્તરણ કેન્દ્ર આવેલું છે. જિલ્લાને 80 કિમી. લાંબો દરિયાકિનારો મળેલો હોવાથી અહીં માછીમારીનો વ્યવસાય મોટા પાયા પર ચાલે છે જુદી જુદી જાતની માછલીઓ નાની-મોટી હોડીઓ તથા જાળની મદદથી પકડવામાં આવે છે. કોઝીકોડ ખાતે મત્સ્ય-તકનીકી મથક વિકસાવાયું છે.
ઉદ્યોગ–વેપાર : કોઝીકોડ જિલ્લો ઔદ્યોગિક રીતે સારો વિકસેલો છે. અહીં મોટા પાયા પરના, મધ્યમ તથા નાના પાયા પરના તેમજ પરંપરાગત ઉદ્યોગો વિકસેલા છે. નાના પાયા પરના તેમજ ગ્રામીણ ઉદ્યોગોને વધુ મહત્વ અપાય છે. જિલ્લાના મોટા અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ, રેયૉન અને ખાદ્ય તેલની મિલો; સાબુ અને સૌંદર્યપ્રસાધનો બનાવવાના એકમો; કાષ્ઠ-આધારિત એકમો અને લાટીઓ તથા નળિયાં બનાવવાના એકમોનો સમાવેશ થાય છે. લાકડાંનો ઉદ્યોગ આ જિલ્લાનો મોટો ઉદ્યોગ ગણાય છે. પરંપરાગત ચાલ્યા આવતા ઉદ્યોગોમાં હાથસાળનો કાજુનો કાથી, ઈંટો, નળિયાં અને હસ્તકૌશલ્યની ચીજોનો સમાવેશ થાય છે. હાથસાળનો ઉદ્યોગ કુટીર-ઉદ્યોગો પૈકીનો મુખ્ય ઉદ્યોગ ગણાય છે. કાથીમાંથી સાદડીઓ, ચટાઈઓ અને દોરડાં તૈયાર થાય છે. આ ઉપરાંત બીડી-ઉદ્યોગ, સિરેમિક ઉદ્યોગ ઉપરાંત છાપકામ, માટીનાં વાસણો અને પાત્રો બનાવવાનું કામ વગેરે પણ ચાલે છે.
આ જિલ્લામાંથી નાળિયેરી, મરી, નળિયાં, કાથીની નિકાસ થાય છે તથા ચોખા અને સિમેન્ટની આયાત કરવામાં આવે છે. જિલ્લામાં કોપરાં, કોપરેલ અને નળિયાંનું મોટા પાયા પર ઉત્પાદન લેવાય છે.
પરિવહન : આ જિલ્લામાં દક્ષિણ રેલવિભાગનો રેલમાર્ગ દરિયાકિનારાને સમાંતર ચાલ્યો જાય છે. તેના પર જિલ્લા પૂરતાં બંને છેડાનાં રેલમથકો કડાલન્દી અને નડાપુરમ્ છે. આ જિલ્લામાંથી કોચીન-મુંબઈને જોડતો દરિયાકાંઠાને સમાંતર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 17 પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગોમાં કાલિકટ-પાલઘાટ, કાલિકટ-નીલાંબર-ગુડાલુર માર્ગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પાકા અને કાચા રસ્તાઓ પણ ઉપયોગમાં લેવાય છે.
પ્રવાસન :
- બદાગરા : કુટ્ટિયાડી નદીકાંઠે આવેલું સ્થળ. જૂનું નામ વદાકેરા (ઉત્તર કાંઠો) હતું. બદાગરા તાલુકાનું મુખ્ય મથક તેમજ અગત્યનું બંદર છે. અહીં ઐતિહાસિક મહત્વ ધરાવતો એક કિલ્લો હતો. આજે તે ખંડિયેર સ્થિતિમાં જોવા મળે છે. આ નગરમાં 24 જેટલાં મંદિરો, 2 ચર્ચ અને 22 મસ્જિદો આવેલી છે. તે પૈકી ભગવતીનું મંદિર, કૅથલિક ચર્ચ અને જામા-અત મસ્જિદ જોવાલાયક છે.
- બેયપોર : કાલિકટથી નૈર્ઋત્યમાં આશરે 10 કિમી. અંતરે બેયપોર નદીકાંઠે આવેલું સ્થળ છે. જૂના વખતમાં તે વાયપુર અને વદાપરાપનાડ નામથી ઓળખાતું હતું. ટીપુ સુલતાને આ સ્થળને મલબારના વેપાર તથા રાજધાનીના સ્થળ તરીકે પસંદ કરેલું અને તેને સુલતાનપટ્ટનમ્ નામ આપેલું. આજે તે મત્સ્યબંદર અને વેપારી મથક તરીકે જાણીતું છે. અહીં નૌકાઓ બનાવવાનો વાડો પણ આવેલો છે.
- ફેરોક : કાલિકટથી આશરે 10 કિમી.ના અંતરે ચેન્નાઈટ્રન્ક માર્ગ પર આવેલું સ્થળ છે. ટીપુ સુલતાનના સમયથી તેનું મહત્વ અંકાતું થયું છે. 1788માં અહીં તેણે એક નાનો કિલ્લો બંધાવેલો. ફેરોક આજે અગત્યનું ઔદ્યોગિક કેન્દ્ર બની રહેલું છે. તે ઉપરાંત અહીં નળિયાં બનાવવાના એકમો તથા સિરેમિક ઉદ્યોગ વિકસ્યા છે.
- પાયોલી (Payyoli) : ક્વિલંદીથી ઉત્તર તરફ 15 કિમી.ને અંતરે આવેલું આ સ્થળ ઐતિહાસિક ર્દષ્ટિએ અગત્યનું છે. અહીં કન્હાલી મારાકરના કિલ્લોના અવશેષો જોવા મળે છે. અહીં કોટક્કલ પલ્લી નામની એક મસ્જિદ છે, તેમાં કન્હાલી મારાકર જેનો ઉપયોગ કરતો હતો તે મોટા કદની તલવાર રાખેલી છે. અહીં પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર, કુટુંબનિયોજન-કેન્દ્ર, આયુર્વેદિક દવાખાનું, પશુદવાખાનું તેમજ અન્ય સુવિધાઓ તથા મંદિરો, ચર્ચ અને મસ્જિદો આવેલાં છે.
- ક્વિલંદી : ક્વિલંદી પન્તાલયની ગામ સાથે જોડાયેલું છે. પ્લિની આ સ્થળને ‘પતાલી’ કહેલું જ્યારે પોર્ટુગીઝ તવારીખ પ્રમાણે તે ‘પન્દારની’ કહેવાતું હતું. મલિક ઇબ્ન દિનારે સ્થાપેલી મસ્જિદ મક્કાની મસ્જિદને મળતી આવે છે. 1498માં વાસ્કો દિ ગામા અહીં આવેલો. 15મી સદી દરમિયાન પન્તાલયની વેપારનું મોટું મથક હતું, 16મી સદી સુધી તે એક સમૃદ્ધ બંદર હતું. આ સ્થળે મંદિરો, ચર્ચ અને મસ્જિદો છે.
જુદા જુદા વારતહેવારે અહીં મેળા ભરાય છે અને ઉત્સવોનું આયોજન પણ થાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 30,89,543 છે. સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુ ક્રમે આશરે 60% અને 40% જેટલું છે. જિલ્લામાં મલયાળમ અને તમિળ ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, બૌદ્ધ અને જૈનો ઓછા છે. જિલ્લાની 75% વસ્તી સાક્ષર છે. કોઝીકોડ ખાતે બે કૉલેજો આવેલી છે. જિલ્લાને વહીવટી અનુકૂળતા માટે 3 તાલુકા અને 12 વિકાસઘટકોમાં વહેંચલો છે. આ જિલ્લામાં 18 નગરો અને 87 ગામડાં આવેલાં છે. શહેરની વસ્તી 6.9 લાખ (2011) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા