સાળવી, દિલિપ એમ. (જ. 19 જુલાઈ 1952, રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : ભારતીય અંગ્રેજીના વિજ્ઞાનકથા-લેખક. તેઓ એમ.એસસી.ની પદવી મેળવ્યા બાદ વિજ્ઞાનના પત્રકારત્વ અને લેખનકાર્યમાં જોડાયા. તેઓ ‘સાયન્સ રિપોર્ટર’ના સંપાદક અને ‘લિમ્કા બુક ઑવ્ રેકર્ડ્ઝ’માં સલાહકાર રહ્યા.
તેમણે અંગ્રેજીમાં 28 ઉલ્લેખનીય ગ્રંથો આપ્યા છે. ‘અ પેસેજ ટુ ઍન્ટાર્ટિકા’ (1986); ‘રૉબોટ્સ આર કમિંગ’ (1989); ‘ફાયર ઑન ધ મૂન’ (1994) તેમની જાણીતી વિજ્ઞાનકથાઓ છે. ‘સ્ટોરી ઑવ્ ઝિરો’ (1988); ‘1000 સાયન્સ ક્વિઝ’ (1988); ‘1000 મૅથ્સ ક્વિઝ’ (1990); ‘સાયન્સ ઇન ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચ્યૂરી’ (1993) અને ‘મીટ ધ પ્લૅનેટ્સ’ (1994) તેમના લોકપ્રિય વિજ્ઞાનગ્રંથો છે.
તેમના ઉપર્યુક્ત પ્રદાન બદલ સી.બી.ટી. ઍવૉર્ડ; નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગનો નૅશનલ ઍવૉર્ડ; સંસ્કૃતિ ઍવૉર્ડ; ડૉ. બી. સી. દેવ મેમૉરિયલ ઍવૉર્ડ જેવા ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા