સાહુ, સહદેવ (જ. 9 એપ્રિલ 1941, રેકાબી બજાર, જજપુર, ઓરિસા) : ઊડિયા અને ભારતીય અંગ્રેજી લેખક. તેમણે 1963માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી. 1964માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. 1963-64માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રાધ્યાપક; માઇમા(MIMA)ના વ્યાવસાયિક સભ્ય; 1964માં વિશ્વભારતીમાં રાજ્યવહીવટના પ્રાધ્યાપક; અંગ્રેજી અઠવાડિક ‘સ્ટૅમ્પ્સ ઍન્ડ સ્ટૅમ્પ્સ’ના સંપાદક તથા રૂરકેલા ખાતે બાળકો માટેના ડૉલ મ્યુઝિયમના સ્થાપક રહ્યા.
તેમણે ઊડિયા તેમજ અંગ્રેજીમાં 24 ગ્રંથો આપ્યા છે. ‘યે ડિગા સે ડિગા’ (1983); ‘આકાશ કયાં’ (1985) બંને વાર્તાસંગ્રહો છે. ‘ભિન્ન દિશા ભિન્ન દૃષ્ટિ’ (1990) પ્રવાસવર્ણન છે. ‘તારક યુદ્ધ ઓ અનન્ય પ્રબંધ’ (1986) નિબંધસંગ્રહ છે. ‘સારંગ ચંદા’ (1985); ‘બુદ્ધિપરીક્ષા’ (1985); ‘દૈવી પક્ષી’ (1989); ‘ગચ્છ, ગચ્છ, ખાલી ગચ્છ’ – એ તમામ બાળસાહિત્યની કૃતિઓ છે. ‘અદભુત પ્રાણીજગત’ (1991) બાલવિજ્ઞાન કૃતિ છે; જ્યારે ‘બરગચ્છ ઓ બસ્તી’ (1997) કાવ્યસંગ્રહ છે.
સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1986માં ફાલગુ ઍવૉર્ડ, બરહામપુર; 1990માં પથાની સામંત પ્રતિભા પુરસ્કાર; 1995માં પારિજાત ઍવૉર્ડ; નીલ શૈલા, સારસ્વત સાહિત્ય સાંસ્કૃતિક પરિષદ, ઓરિસા, ડૉક્ટર્સ ઇન્ટરનૅશનલ વગેરેથી સન્માનિત કરાયા.
બળદેવભાઈ કનીજિયા