લુધિયાનવી, સાહિર (જ. 1921, લુધિયાણા, પંજાબ; અ. 25 ઑક્ટોબર 1980, મુંબઈ) : હિન્દી તથા ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ કવિ તથા ચલચિત્રોના ગીતકાર. મૂળ નામ અબ્દુલ હાયી. શિક્ષણ લુધિયાણામાં લીધું. નાની વયથી કવિતામાં રુચિ જાગતાં પોતે પણ કવિતા કરતા થયા. યુવાન વયે, 1945માં તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘તલ્ખિયાં’ પ્રગટ થયો. ‘ગાતા જાયે, બનજારા’ બીજો કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયો. યુવાનીમાં જ ક્રાંતિકારી વિચારો ધરાવતા થયા. પ્રગતિશીલ લેખક મંડળના સભ્ય બન્યા. પત્રકાર રૂપે લાંબો સમય કામ કર્યું.
‘અદબે લતીફ’ નામના સામયિકનું સંપાદન કર્યું. આ સમયે તેમણે દિલ્હીને કાર્યક્ષેત્ર બનાવ્યું. થોડા સમય માટે ‘પ્રીતલેરી’ અને ‘શહરબ’ નામનાં સામયિકોનું સંપાદન પણ કર્યું. 1949માં તેમને સાચી દિશા લાધી. તેમણે ચલચિત્રોના ગીતકાર થવાનું વિચાર્યું. દિગ્દર્શક મહેશ કૌલના ‘નૌજવાન’ માટે 1915માં ગીતો લખ્યાં. પ્રથમ પ્રયત્ન બહુ ઉત્સાહપ્રેરક ન નીવડ્યો; પણ તેમણે પ્રયત્ન ચાલુ રાખ્યો. એ જ વર્ષે ગુરુદત્તના ‘બાઝી’ માટે ગીતો લખ્યાં. આ ચિત્રને ભારે સફળતા વરી. ચિત્રની વાર્તા તો રોચક હતી; તેનાં ગીતો પણ તત્કાળ લોકપ્રિય થયાં. ટૂંક સમયમાં સાહિરનું નામ સિદ્ધહસ્ત કવિઓની હરોળમાં લેવાતું થયું. આનંદ બંધુઓની નિર્માણસંસ્થા નવકેતન પ્રૉડક્શને સાહિરના કૌશલ્યને પારખ્યું. સચિન દેવ બર્મનની જેમ સાહિર પણ નવકેતન પરિવારમાં જોડાઈ ગયા. સુયોગે ચિત્રજગતમાં વાર્તાલેખકોમાં પણ પ્રગતિશીલોની બોલબાલા હતી. સાહિરે કવિ ફૈઝ મહમ્મદ ફૈઝની જેમ પ્રગતિશીલ કવિતાનો માર્ગ અપનાવ્યો. 1954માં નવકેતનનું ‘ટૅક્સી ડ્રાઇવર’ આવ્યું. તેનાં ગીતો સાહિરે લખ્યાં અને તે દેશના ખૂણે ખૂણે ગુંજતાં થયાં. આવાં ગીતોની માંગ વધતી ચાલી. ચિત્ર ‘નયા દૌર’(1957)નું ‘સાથી હાથ બઢાના’ રશિયાના દૉસ્તૉયેવ્સ્કીની નવલકથા ‘ક્રાઇમ ઍન્ડ પનિશ્મેન્ટ’ના હિંદી રૂપાંતર ‘ફિર સુબહ હોગી’(1958)ના ‘વો સુબહા કભી તો આયેગી’ જેવાં ગીતો લાંબા સમય સુધી લોકપ્રિય રહ્યાં. ગુરુદત્તના ‘પ્યાસા’(1957)નાં બધાં ગીતો, સાદું સંગીત છતાં, ભાવવાહિતા તથા ચોટદાર શબ્દપ્રયોગોથી અમર બન્યાં. ઉદા. ‘…. જિન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ ?’ તથા ‘જલા દો, જલા …..દો, જલા દો યે દુનિયા, મેરે સામને સે હઠા લો યે દુનિયા, તુમ્હારી હૈ, તુમ હી સમ્હાલો યે દુનિયા…. યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ ?’ વળી, આ ગીતો શાસ્ત્રીય સંગીત પર આધારિત હતાં.
સાહિર ઉપર માયકૉવ્સ્કી તથા પાબલો નેરુદાના પ્રભાવની છાંટ જોઈ શકાય છે. ઉદ્દામવાદી ગીતસંગીતનાં બધાં સ્વરૂપોને તેમનાં ગીતોએ જાણે માર્ગ ચીંધ્યો. તેમણે સામાન્ય દર્શકોને જોઈતું મનોરંજન તો પૂરું પાડ્યું; સાથે વિશિષ્ટ ચિંતકવર્ગને પણ ઉત્સાહિત કર્યો. બીજા ચિત્રગીતકારોની તુલનામાં તેમણે પ્રમાણમાં ટૂંકા આયુષ્યમાં ઘેરી છાપ છોડી. તેમનું અવસાન હૃદયરોગથી થયું.
બંસીધર શુક્લ