લીંબુનું પતંગિયું

January, 2004

લીંબુનું પતંગિયું : ભારતની લીંબુની તમામ જાતો પર તેમજ રુટેસી કુળનાં બધાં વૃક્ષો પર રહીને નુકસાન કરતાં પતંગિયાંની એક જાત. તેનો સમાવેશ રોમપક્ષ (lepidoptera) શ્રેણીના Papillionidae કુળમાં થયેલું છે. શાસ્ત્રીય નામ : Papillio demoleus. પતંગિયું દેખાવે સુંદર હોય છે. પુખ્ત પતંગિયું 28 મિમી. લાંબું હોય છે, જ્યારે તેની પથરાયેલી પાંખો 94 મિમી. પહોળી હોય છે. પાંખો રંગે કાળી હોય છે. તેની ઉપર પીળાં ટપકાં આવેલાં હોય છે. સ્પર્શકો કાળા અને છેડે મગદળ આકારના હોય છે.

માદા પતંગિયાં છોડનાં કુમળાં પાંદડાં પર નાનાં ફિક્કા રંગનાં ગોળાકાર ઈંડાં છૂટાંછવાયાં મૂકે છે. ઈંડાનું સેવન 3થી 7 દિવસનું હોય છે. રૂપાંતરણથી વિકાસ પામેલ ઇયળ (caterpillar) કાળાશ પડતા ભૂખરા રંગની હોય છે, અને તેના પર સફેદ રંગના આડાઅવળા લીટા જોવા મળે છે, જેથી તે દેખાવમાં પક્ષીની હગારને મળતી આવે છે. તેથી તે સામાન્યપણે ‘હગારિયા ઇયળ’ તરીકે ઓળખાય છે. ઇયળો પુખ્ત થતાં ઘાટા લીલા રંગની બને છે અને લગભગ 37થી 40 મિમી. જેટલી લંબાઈ ધરાવે છે. તેના આગળના ભાગમાં ખૂંધ જેવો ઢેકો હોય છે. ઇયળો કુમળાં પાનની મુખ્ય નસ સુધી ખાઈ જઈ છોડને ઝાંખરા જેવા બનાવી મૂકે છે. નાના લીંબુના રોપામાં તેણે કરેલું નુકસાન વધારે જોવા મળે છે. ઇયળ અવસ્થામાં આ જીવાત લગભગ 15 દિવસ રહી કોશેટામાં રૂપાંતર પામે છે, જે રેશમી તંતુઓ વડે છોડને વળગીને રહેલા જણાય છે. સામાન્ય રીતે આ અવસ્થામાં કીટક લગભગ 10 દિવસ પસાર કરે છે. શિયાળામાં આ અવસ્થા વધારે લાંબી, લગભગ 2થી 3 મહિના સુધી લંબાય છે. સાનુકૂળ વાતાવરણમાં તો આ જીવાતનો જીવનક્રમ માત્ર એક માસમાં પૂરો થતો હોય છે.

હગારિયા ઇયળની પરજીવી જીવાત એપેન્ટેલસ (Apanteles papilionis viereck, અને Melalophacharops sp.) તેમજ કોશેટાની પરજીવી જીવાત (Pteromalus puparium L.) તેમજ હોલ્કોજોપ્પા કોયલોપાયગા(Holcojappa coelopyga)થી આ જીવાતનું કુદરતી નિયંત્રણ થતું હોય છે. આ પતંગિયાની ઇયળ અને કોશેટા વીણીને તેમજ કીટક પકડવાની જાળીની મદદથી પુખ્ત પતંગિયાને પકડી તેનો નાશ કરવાથી તેની વધતી વસ્તીને અટકાવી શકાય છે. બજારમાં મળતાં Bacillus thuringiensis 10 ગ્રામ લઈ તેમાં 10 લિટર પાણી ઉમેરી તેનો છંટકાવ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે. વધારે ઉપદ્રવ વખતે મૉનોક્રોટોફૉસ 0.04 % અથવા ક્વિનાલફોસ 0.05 % અથવા ફોઝેલોન 0.05 % જરૂરિયાત મુજબ 10 દિવસના અંતરે છંટકાવ કરવાથી પણ સારું નિયંત્રણ મેળવી શકાય છે.

પરબતભાઈ ખી. બોરડ