સાવંત, વસંત લાડોબા (જ. 11 એપ્રિલ 1935, સંગુલવાડી, જિ. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. તેમણે એમ.એ., પીએચ.ડી. અને સાહિત્યવિશારદની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ એસ. પી. કે. મહાવિદ્યાલય, સાવંતવાડીમાં મરાઠી વિભાગના રીડર તથા વડા રહ્યા. તેઓ મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ, પુણેના કારોબારી મંડળના સભ્ય; 1983-85 સુધી આકાશવાણી, રત્નાગિરિની સલાહકાર સમિતિના સભ્ય તથા 1979-82 અને 1988-91 દરમિયાન મહારાષ્ટ્ર સાહિત્ય પત્રિકાના સંપાદક-બૉર્ડના સભ્ય રહ્યા.
તેમણે મરાઠીમાં 5 ગ્રંથો આપ્યા છે : ‘સ્વસ્તિક’ (1973); ‘ઉગવાઈ’ (1981); ‘દેવહાય’ (1990); ‘માઝ્યા દરતલે સોન્ચાફયાચે ઝાડ’ (1993) તેમના કાવ્યસંગ્રહો છે. ‘પ્રવાસવર્ણન : એક વાઙ્મય પ્રકાર’ (1987) સંશોધન છે. તેમણે ઘણાં કવિસંમેલનોમાં ભાગ લીધો છે.
તેમને 1974માં મહારાષ્ટ્ર સરકારનો કવિ કેશવસૂત ઍવૉર્ડ; 1985માં મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદનો ગોખલે ઍવૉર્ડ; 1994માં એ. એ. દેસાઈ ટ્રસ્ટ તરફથી ગુરુવર્ય પુરસ્કાર; 1995માં યશવંતરાય ચવાણ સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા