લીંબુના રોગો : લીંબુના પાકને નુકસાન પહોંચાડતા વિવિધ પ્રકારના રોગો. આ રોગોમાં ગુંદરિયો, બળિયાનાં ટપકાં, ડાયબેક (ઉત્તી મૃત્યુ) અને જસત-તત્વની ઊણપથી થતો મોટલ લીફનો સમાવેશ થાય છે.

મધ્ય અને ઉત્તર ગુજરાત કાગદી લીંબુની ખેતી માટે જાણીતું છે. લીંબુનું વધુ અને સારું ઉત્પાદન મેળવવા તેના બગીચાઓની સફાઈ, ખેડ તથા યોગ્ય સમયે જરૂરી ખાતર, પાણી આપવા સાથે તેનાં ઝાડ તથા ફળોને રોગથી બચાવવા પાકસંરક્ષણના ઉપાયો લેવા જરૂરી છે.

1. લીંબુનો ગુંદરિયો : ફૂગથી થતો આ રોગ ઝાડના થડ અને ડાળીઓ ઉપર આક્રમણ કરે છે. વ્યાધિજન ફૂગનું થડ અથવા ડાળી પર આક્રમણ થતાં ઝાડ નબળું પડે છે. ઝાડનાં જૂનાં પાન પીળાં થાય છે. વિકાસના અભાવમાં કૂંપળોની ડાળી અને પાન નાનાં થાય છે, થડ અને ડાળીના આક્રમિત ભાગમાંથી ગુંદર જેવો ચીકણો પ્રવાહી પદાર્થ ઝરે છે. રોગની તીવ્રતામાં વધારો થતાં આવા ચીકણા પદાર્થના સ્રાવનું પ્રમાણ વધે છે. આવાં ઝાડ સમય જતાં નબળાં પડે છે. પાંદડાં પીળાં પડી ચીમળાઈ જાય છે. ત્યારબાદ ડાળીઓ પણ ચીમળાઈને સુકાવા લાગે છે, મોટેભાગે આખો છોડ છેવટે સુકાઈ જાય છે.

નિયંત્રણનાં પગલાં : (અ) લીંબુના બગીચામાં સ્વચ્છતા જાળવવા બગીચામાં નીંદણ કરવું અને બિનજરૂરી છોડો ઉપાડી તેમનો નાશ કરવો જરૂરી છે. (આ) જમીનને અડતી છોડની ડાળીઓ કાપી નાંખી, કપાયેલા ભાગ ઉપર તાંબાયુક્ત દવાનો મલમ ચોપડવો હિતાવહ છે. છોડની આસપાસની જમીન પાણીથી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. (ઇ) લીંબુવાડિયામાં કામ કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઈ જાતનું નુકસાન કે જખમ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. છોડને ફરતે ગોળ ખાડો કરી પિયત આપવું અને પાણી છોડના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે. છોડની ડાળી ઉપરનો ગુંદર જેવો સુકાયેલો પદાર્થ દૂર કરી તેનો બાળીને નાશ કરવો જોઈએ. જે ભાગમાંથી ગુંદર જેવો પદાર્થ સાફ કરેલો હોય તે જગ્યાએ બૉર્ડોપેસ્ટ અથવા તાંબાયુક્ત ફૂગનાશક દવાનો મલમ ચોપડવો જરૂરી છે. આ ગુંદરિયાનો રોગ ન થાય તે માટે દર વર્ષે ચોમાસા પહેલાં અને પછી બધાં ઝાડનાં થડને જમીન ઉપરના 30થી 40 સેમી. ભાગમાં બૉર્ડોપેસ્ટ અથવા તાંબાયુક્ત દવાનો મલમ ચોપડવો જોઈએ. નવેમ્બર, ડિસેમ્બર, ફેબ્રુઆરી, જૂન અને ઑગસ્ટ માસમાં છોડ પર 4 % બૉર્ડોમિશ્રણનો છંટકાવ કરવો લાભદાયી છે.

2. બળિયાનાં ટપકાંનો રોગ : જીવાણુજન્ય આ રોગ લીંબુનાં પાન, ડાળી અને થડને નુકસાન કરે છે. તેની વિપરીત અસર હેઠળ આ ભાગો પર લાલ કે કથ્થાઈ રંગના ડાઘા ઊપસી આવે છે. રોગનું પ્રમાણ વધતાં ડાઘાનાં કદ અને સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. ચેપનો પ્રસાર આગળ વધતાં પાન, ડાળી તેમજ ફળ સંપૂર્ણપણે કથ્થાઈ રંગના ડાઘાથી છવાઈ જાય છે. ડાઘાને લીધે બજારમાં તેનાં ફળની કિંમત સાવ ઘટી જાય છે. આ ડાઘા માણસને થતા બળિયા જેવા દેખાતા હોવાથી આ ચેપ બળિયાનાં ટપકાં તરીકે ઓળખાય છે.

નિયંત્રણના ઉપાયો : રોગ વધતો અટકાવવા માટે રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી તેને બાળી નાશ કરવો જરૂરી છે. ત્યારબાદ છોડ પર 4 % બૉર્ડોમિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે. આ જ દવાનો બીજો છંટકાવ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં, જ્યારે ત્રીજો છંટકાવ ચોમાસું બેસતાં પહેલાં (એટલે કે જૂન માસમાં) અને ચોથો છંટકાવ જુલાઈ માસમાં વરસાદ પડતો ન હોય ત્યારે કરાય છે.

3. ડાયબેક (ઉત્તી મૃત્યુ) : આ રોગના પ્રસાર માટે ઘણાં પરિબળો કારણભૂત છે; જેવાં કે, (1) પોષક તત્વોની અસમતુલા; (2) બગીચામાં પાણીનું પ્રમાણ વધતાં જમીનમાં હવાની અછતનું નિર્માણ; (3) જમીનમાં બિનજરૂરી તત્વોનો સંગ્રહ; (4) જમીનમાં ક્ષારતા કે અમ્લતાના પ્રમાણમાં વધારો; (5) ફૂગ, વિષાણુ, કૃમિ વગેરેથી થતા રોગો અને જીવાતો સામે સમયસર પાક-સંરક્ષણનાં પગલાં ન લેવાં તે અને (6) લીંબુવાડિયાની સફાઈ અને ઝાડની યોગ્ય દેખભાળ ન કરવી તે. આ રોગને લીંબુવાડિયાના ડિક્લાઇન નામથી પણ ઓળખવામાં આવે છે. આ રોગની શરૂઆત ડાળીના ટોચના ભાગથી થાય છે. રોગની શરૂઆત થતાં ઝાડને પોષક એવાં તત્વોની અછત નિર્માણ થાય છે. તેથી ડાળીઓની ટોચનાં પાન અને ડાળીની ટોચનો ભાગ સુકાવા લાગે છે. આ સુકારાની પ્રક્રિયા ધીમે ધીમે ઝાડની નીચેની તરફ પ્રસરે છે. રોગિષ્ઠ ઝાડ ઉપરનાં પાનની સંખ્યામાં ઘટાડો નોંધાય છે. પાનનાં કદ નાનાં થાય છે. ઝાડ ઉપર ખૂબ જ નાના કદનાં લીંબુ બેસે છે. આવા સંજોગોમાં રોગનું નિયંત્રણ કરવું મુશ્કેલ બને છે. તેમ છતાં રોગ થતો અટકાવવા સારી નિતારવાળી જમીનની પસંદગી કરવી અને યોગ્ય પ્રમાણમાં ખાતરોનો ઉપયોગ કરવો હિતાવહ છે. લીંબુવાડિયું સ્વચ્છ રાખવાથી અને સમયસર ખેતીકામ કરવાથી આ રોગ થતો અટકાવી શકાય છે. આ રોગની તીવ્રતામાં લીંબુના બળિયાનાં ટપકાં, લીંબુનો ગુંદરિયો તથા ડાળીનો સુકારો મુખ્યત્વે જવાબદાર છે; તેથી આ રોગોના અસરકારક નિયંત્રણ માટે નીચે મુજબની સાવચેતીનાં પગલાં લેવાય છે :

આ રોગના નિયંત્રણ માટે ચોમાસા પહેલાં, ઑગસ્ટ માસમાં અને ડિસેમ્બર માસમાં જંતુનાશક દવાની માવજત આપવામાં આવે છે. લીંબુનું મુખ્ય થડ સાફસૂફ કરીને રોગગ્રસ્ત ભાગો કાઢી નાખી છટણી કરેલા ભાગો ઉપર બૉર્ડોપેસ્ટ લગાવવામાં આવે છે. થડની ફરતે ખામણું બનાવી તેમાં રેડોમિલ એમ. ઝેડ. અથવા ફોઝેટાઇલ ફૂગનાશકનું 0.2 %નું દ્રાવણ ઝાડદીઠ 2થી 5 લિટર રેડવામાં આવે છે. તદુપરાંત બળિયાનાં ટપકાં અને ગુંદરિયા રોગ સામે અગાઉ જણાવેલ ફૂગનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.

4. મોટેલ લીફ : લીંબુવાડિયાની જમીનમાં જસતતત્ત્વની અછતથી આ રોગ થાય છે. આ રોગમાં પ્રથમ અસર ઝાડની અગ્રકલિકાનાં પાન ઉપર જોવા મળે છે. નવાં નીકળતાં પાનની નસો લીલી રહે છે, જ્યારે નસો વચ્ચેનો ભાગ પીળો થઈ જાય છે. ટોચ ઉપરનાં પાન નાનાં અને સાંકડાં થઈ જાય છે. છોડની વૃદ્ધિ અટકી જાય છે. ડાળીનો ટોચનો ભાગ સુકાતો જાય છે. આવા ઝાડ ઉપર વિકાસના અભાવે ફળ કદમાં નાનાં રહે છે અને અછત તીવ્ર હોય તો ફળ વિકૃત આકાર ધારણ કરે છે.

આ રોગના નિયંત્રણ માટે 10 લિટર પાણીમાં 50 ગ્રામ ઝિંક સલ્ફેટ ઓગાળીને એક-એક મહિનાના અંતરે ત્રણ વખત છંટકાવ કરવામાં આવે છે. નવાં પાન આવે ત્યાં સુધી દર મહિને જસત-ચૂનાના મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે. આ છંટકાવ ઝાડ ઉપરનાં બધાં જ પાન પર પ્રસરે તેની ખાસ કાળજી રાખવી પડે છે. 5 કિલો ઝિંક સલ્ફેટ, 1 કિલો ચૂનો અને 1 કિલો કેસીન, 225 લિટર પાણીમાં ભેળવવાથી જસત-ચૂનાનું મિશ્રણ બને છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ