કોઇમ્બતૂર (નગર)

January, 2008

કોઇમ્બતૂર (નગર) : તામિલનાડુ રાજ્યનું મહત્વનું શહેર તથા 1865થી જિલ્લાનું વહીવટી મથક. ચેન્નઈ-કોઝિકોડ ધોરી માર્ગ પર ચેન્નઈની દક્ષિણે 480 કિમી.ને અંતરે નોયલ નદી પર આ નગર વસેલું છે. વાર્ષિક સરેરાશ વરસાદ 750 મિમી.

કોઇમ્બતૂર જિલ્લાનું તે ઔદ્યોગિક તથા વ્યાપારી કેન્દ્ર છે. ખેતપેદાશો ઉપરાંત ચા અને કૉફીનો ત્યાં મોટા પાયા પર વ્યાપાર થાય છે. ખેતપેદાશોનું પ્રક્રમણ, ખેતીનાં ઓજારો, ચામડાં કમાવવાના તેમજ ખાંડ, સિમેન્ટ તથા સાબુ જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા નાનામોટા ઔદ્યોગિક એકમો ત્યાં આવેલા છે.

શિક્ષણકેન્દ્ર તરીકે પણ આ નગરનો નોંધપાત્ર વિકાસ થયેલો છે. કૃષિ તથા ઇજનેરીનું શિક્ષણ આપતી સંસ્થાઓ ઉપરાંત 20 જેટલાં મહાવિદ્યાલયો છે. અહીંનું કૃષિ મહાવિદ્યાલય ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે. નગરમાં ઔદ્યોગિક તથા વાણિજ્ય-વ્યાપારને લગતાં સંગ્રહાલયો તથા હવાઈમથક આવેલાં છે.

નગરથી 6 કિમી.ને અંતરે આવેલાં પેરુર મંદિરો શિલ્પકલાના ઉત્તમ નમૂના ગણાય છે. તેમાં 11 મી. ઊંચો પથ્થરનો ધ્વજસ્તંભ, 17 મી. ઊચાં ગોપુર, મંદિરોની છતથી નીચે લટકતી પથ્થરની બનેલી સાંકળો, શિવતાંડવનૃત્યની વિવિધ મુદ્રાઓ દર્શાવતા 8 સ્તંભો પ્રેક્ષણીય શિલ્પકૃતિઓ છે.

1768, 1783 અને 1790માં એમ ત્રણ વાર બ્રિટિશરોએ આ નગર પર આક્રમણ કર્યું હતું છતાં તેનો કબજો લેવામાં તેમને સફળતા મળી ન હતી. છેવટે 1799માં તેના પર બ્રિટિશરો કબજો મેળવી શક્યા હતા. આ શહેરની વસ્તી 9,30,882 (2021) છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે