સાલિમ્બેની બંધુઓ

January, 2008

સાલિમ્બેની બંધુઓ (સાલિમ્બેની, લૉરેન્ઝો : . 1374, ઇટાલી; . 1420, ઇટાલી; સાલિમ્બેની, જેકોપો : જ. આશરે 1385, ઇટાલી; અ. 1427 પછી, ઇટાલી) : પોથીમાંનાં લઘુચિત્રો અને દેવળોમાં ભીંતચિત્રો આલેખવા માટે જાણીતા ઇટાલિયન ગૉથિક ચિત્રકાર બંધુઓ. એમનાં ચિત્રોમાં મુખ પર નાટ્યાત્મક હાવભાવ જોઈ શકાય છે. બોલોન્ચા, લૉમ્બાર્દી અને જર્મની તથા હૉલેન્ડનાં ખ્રિસ્તી ધાર્મિક પોથીચિત્રોનો પ્રભાવ તેમનાં ચિત્રોમાં જોવા મળે છે. લૉરેન્ઝોએ એકલે હાથે ચીતરેલાં બે ભીંતચિત્રો હાલમાં મોજૂદ છે : ‘ક્રૂસિફિક્સ’ અને ‘એનન્સિયેશન’. 1416થી બંને ભાઈઓએ સાથે ભાગીદારીમાં ચિત્રો આલેખવાં શરૂ કર્યાં. ઉર્બિનો ખાતે સેંટ સેવેરિનો કેથીડ્રલ તથા સેંટ જિયોવાની બાતિસ્તા ચર્ચમાં તેમણે ઈસુના ક્રૉસારોહણને નિરૂપતા ‘ક્રૂસિફિક્સ’ ચિત્રમાં પ્રસંગની કરુણાંત નાટ્યાત્મકતા પૂરી ગરિમા અને ભવ્યતા સાથે આલેખી છે. સેંટ જોન ધ બૅપ્ટિસ્ટના જીવનપ્રસંગોનાં ચિત્રો પણ તેમણે આલેખ્યાં છે.

અમિતાભ મડિયા