લીન, ડૅવિડ (સર) (જ. 25 માર્ચ 1908, ક્રૉયડન, લંડન; અ. 16 એપ્રિલ 1991) : ચલચિત્ર દિગ્દર્શક. રૂપેરી પડદા પર વિશાળ ફલક પર મહાગાથાઓ સમાન ભવ્ય અને લખલૂટ ખર્ચે ચિત્રો બનાવવા માટે જાણીતા સર ડૅવિડ લીને ‘ધ લૉરેન્સ ઑવ્ અરેબિયા’, ‘ડૉ. ઝિવાગો’ અને ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઇ’ સહિતનાં યાદગાર ચિત્રો બનાવ્યાં છે. આ ચિત્રોને ઑસ્કર સહિતના અનેક પ્રતિષ્ઠિત ઍવૉર્ડ મળ્યા છે.

ડૅવિડ લીન (સર)

માતાપિતા કઠોર શિસ્તપાલનનાં આગ્રહી હોવાને કારણે ડૅવિડને બાળપણમાં ચલચિત્રો જોવાની સખત મનાઈ હતી, પણ તેમનું ધ્યાન ભણવામાં જરાય ચોંટતું નહિ અને છાનામાના ચિત્રો નિહાળવા પહોંચી જતા. ચલચિત્રો પ્રત્યેના તેમના આ લગાવને કારણે જ તેમણે ભણતર અધૂરું છોડી દીધું. એકાદ વર્ષ તેમણે પોતાના હિસાબનીસ પિતાની કચેરીમાં કામ કર્યું, પણ આ કામ તેમને ખૂબ કંટાળાજનક લાગતાં 1927માં તેમણે બ્રિટિશ ફિલ્મજગતમાં કોઈ પણ કામ કરવાનો પ્રયાસ કર્યો. ‘ગોમૉન્ટ’ નામના એક સ્ટુડિયોમાં તેમને કામ મળ્યું હતું. ત્યાં સાવ નાના સ્તરે ‘ક્લૅપર બૉય’ તરીકે તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો. સમયની સાથે પહેલાં તેઓ સંપાદનકળા શીખ્યા અને સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ શરૂ કરી દીધું. 1930માં તો તેમણે સમાચારચિત્રો અને 1934માં દસ્તાવેજી ચિત્રોનું સંપાદન કરવા માંડ્યું હતું. થોડા જ સમયમાં ચલચિત્ર-સંપાદક તરીકે બ્રિટનમાં તેમની નામના થઈ ગઈ. તેમણે સંપાદન કરેલાં ચિત્રોમાં ‘પિગ્મેલિયન’, ‘ફૉર્ટિનાઇન્થ પૅરેલલ’ અને ‘વન ઑવ્ અવર ઍરક્રાફ્ટ્સ ઇઝ મિસિંગ’ નોંધપાત્ર છે. ચલચિત્રસંપાદનને તેઓ એક સંપૂર્ણ કળા માનતા હતા. તેમણે પોતે જે ચિત્રોનું દિગ્દર્શન કર્યું હતું તે તમામનું સંપાદન પણ જાતે જ કર્યું હતું. 1942માં લીન દિગ્દર્શક બન્યા. નોએલ કાવર્ડના એક અદભુત યુદ્ધચિત્ર ‘ઇન વ્હિચ વી સર્વ’માં સહાયક દિગ્દર્શક અને સંપાદકનું કામ કર્યું. આ ચિત્રને દુનિયાભરના સમીક્ષકોએ એ સમયનું શ્રેષ્ઠ ચિત્ર જાહેર કર્યું હતું. એ પછી તેમણે કાવર્ડનાં કેટલાંક ચિત્રોનું દિગ્દર્શન કર્યું અને એ પછી પોતાની નિર્માણ-સંસ્થા ‘સિને ગિલ્ડ’ની સ્થાપના કરી. તે સાથે લીનની કારકિર્દીનો મહત્વનો તબક્કો શરૂ થયો. તેમણે ચાર્લ્સ ડિકન્સની બે નવલકથાઓ ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’ અને ‘ઑલિવર ટ્વિસ્ટ’ પરથી ચિત્રો બનાવ્યાં. ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’ના પ્રથમ દૃશ્યમાં કબ્રસ્તાનમાંથી એક કિશોર પસાર થઈ રહ્યો છે ત્યારે તેનાં પગલાંના અવાજનો એ રીતે ઉપયોગ કરાયો છે કે હવે શું થશે તેની ભયમિશ્રિત આતુરતા પ્રેક્ષકોમાં જાગે છે અને ત્યાં તો એકાએક આવી ચઢેલો એક ગુનેગાર તેને ઝડપી લે છે. આ દૃશ્યને શ્રેષ્ઠ રહસ્યમય દૃશ્યનું ઉદાહરણ લેખવામાં આવ્યું છે.

ચિત્રોની કથામાં આવતાં સ્થળોની પસંદગી કરવામાં અને એ સ્થળોને ખૂબસૂરત રીતે પડદા પર પેશ કરવામાં તેઓ માહેર હતા. ડેવિડ લીને જે ચિત્રોનું સર્જન કર્યું છે તે પૈકી બે ચિત્રો માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકના ઑસ્કર મળ્યા છે. એ ઉપરાંત તેમનાં ચિત્રોને બધા મળીને 28 ઑસ્કર મળ્યા છે, જેમાં ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ’ અને ‘ધ લૉરેન્સ ઑવ્ અરેબિયા’ને તો સાત-સાત ઑસ્કર મળ્યા હતા. 1942થી 1955 દરમિયાન લીને 11 ચિત્રોનું દિગ્દર્શન કર્યું હતું. તેમનાં પ્રારંભિક ચિત્રો રોમાન્સ અને નાટકીયતાથી ભરપૂર હતાં, પણ ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ’ પછી તેમણે ભવ્ય અને વિશાળ ફલકવાળાં ચિત્રોનું સર્જન કરવા માંડ્યું. આ ચિત્રોનું નિર્માણ પૂરું કરવામાં પણ ખાસો સમય તેઓ લેતા. આ ચિત્રોમાં સ્ટુડિયો કરતાં બાહ્ય દૃશ્યો પર તેઓ વધુ ભાર મૂકવા માંડ્યા. તેમ છતાં આ ચિત્રોમાં ન તો તેઓ કથાવસ્તુની સાથે કોઈ બાંધછોડ કરતા હતા કે ન તો આ બધા બાહ્ય ભપકાને તેઓ ચિત્રના મૂળ પોત પર છવાઈ જવા દેતા હતા. 1970માં બનેલું તેમનું ચિત્ર ‘રાયન્સ ડૉટર’ તેમનું આખરી સફળ ચિત્ર હતું. એ પછી ચિત્ર બનાવવા માટે નાણાં એકઠાં કરતાં તેમને 14 વર્ષ લાગ્યાં હતાં. અંતે 1984માં ઈ. એમ. ફૉર્સ્ટરની નવલકથા ‘અ પૅસેજ ટુ ઇન્ડિયા’ પરથી તેમણે આ જ શીર્ષક ધરાવતું ચિત્ર બનાવ્યું. તેમાં બ્રિટિશ અને ભારતીય સંસ્કૃતિઓ વચ્ચેનો સંઘર્ષ તેમણે નિરૂપ્યો હતો. આ ચિત્રને પણ બે ઑસ્કર મળ્યા હતા. 81 વર્ષની ઉંમરે તેમણે જોસેફ કૉનરાડની 1904માં લખાયેલી નવલકથા ‘નોસ્ટ્રૉમો’નું સર્જનકાર્ય શરૂ કર્યું હતું, પણ તેમની તબિયત ખરાબ થતાં આ કામ અધૂરું રહ્યું અને એ બીમારી દરમિયાન જ તેમનું નિધન થયું હતું, બ્રિટનના ચિત્રઉદ્યોગમાં મહત્વપૂર્ણ પ્રદાન કરવા બદલ 1989માં તેમને ‘નાઇટ’નો ખિતાબ એનાયત કરાયો હતો. 1990માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટે તેમને લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ આપ્યો હતો.

નોંધપાત્ર ચિત્રો : ‘એસ્કેપ મી નેવર’ (1935), ‘ઍઝ યૂ લાઇક ઇટ’ (1936), ‘ડ્રીમિંગ લિપ્સ’ (1937), ‘પિગ્મેલિયન’ (1938), ‘ફૉર્ટિનાઇન્થ પૅરેલલ’, ‘વન ઑવ્ અવર એરક્રાફ્ટ્સ ઇઝ મિસિંગ’, ‘ઇન વ્હિચ વી સર્વ’ (1942), ‘બ્રીફ એન્કાઉન્ટર’ (1945), ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’ (1946), ‘ઑલિવર ટ્વિસ્ટ’ (1948), ‘મૅડેલિન’ (1950), ‘બ્રેકિંગ થ્રૂ ધ સાઉન્ડ બૅરિયર’ (1952), ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ’ (1957), ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ (1962), ‘ડૉ. ઝિવાગો’ (1965), ‘રાયન્સ ડૉટર’ (1970), ‘અ પૅસેજ ટુ ઇન્ડિયા’ (1984).

હરસુખ થાનકી