લીન (નહેર-સામુદ્રધુની) : ઉત્તર પૅસિફિક મહાસાગરની પૂર્વ તરફ અલાસ્કા(યુ.એસ.)ના અગ્નિ ભાગમાં આવેલો સાંકડો જળમાર્ગ. તેની પહોળાઈ સ્થાનભેદે 5થી 19 કિમી. જેટલી છે. ભૌગોલિક સ્થાન : 58° 50´ ઉ. અ. અને 135° 15´ પ. રે.. ઉત્તર તરફ આગળ વધતાં તે ચૅટમ(Chatham)ની સામુદ્રધુની તરીકે ઓળખાય છે અને 96 કિમી. સુધી વિસ્તરે છે. સૌથી ઉત્તર તરફનો સમુદ્રી ખાંચો કોસ્ટ રેન્જ પર્વતમાળા નજીક પ્રવેશેલો છે અને ત્યાં ફિયૉર્ડ (દરિયાઈ ખાંચો) રચાયાં છે.
હેઇન્સની દક્ષિણે આ જળમાર્ગ નૌકાસફર માટે અનુકૂળ બની રહેલો છે. તેમાં ચિલકાત નદી ઠલવાય છે, અહીં એક બીજો પ્રવેશમાર્ગ – તૈયાનો માર્ગ – સ્કાગવે બંદર પાસે આવેલો છે. આ સ્કાગવે બંદર યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્યમાંથી અંદર તરફના પ્રવેશમાર્ગ પરનું છેવાડાનું મથક છે. આ નહેરનું ‘લીન’ નામ 1794માં જ્યૉર્જ વાનકુવરના જન્મસ્થળ કિંગ્ઝલીન (ઇંગ્લૅન્ડ) પરથી અપાયેલું છે.
અલાસ્કામાં આવેલાં ફિયૉર્ડ પૈકી આ ફિયૉર્ડ સૌથી લાંબું અને ઊંડું છે. આ જળમાર્ગ ફાટખીણની પ્રક્રિયાને કારણે રચાયો હોવાનું મનાય છે. 1850 અને 1964માં થયેલા ભૂકંપોની પણ અહીં અસર થયેલી છે.
નીતિન કોઠારી