લીડન જાર : વિદ્યુતભારનો સંગ્રહ કરવા માટેની પ્રયુક્તિ. તેની શોધ 1746માં લીડન(નૅધરલેન્ડ્ઝ)માં થઈ હતી. લીડન જાર એ કાચની બરણી છે, જેને બૂચ વડે બંધ કરવામાં આવેલી હોય છે. બરણીને અંદર અને બહારથી અડધે સુધી ધાતુના પતરાથી ઢાંકવામાં આવે છે. ધાતુના પતરામાંથી વિદ્યુતનું વહન થાય છે, પણ કાચમાંથી થતું નથી. બૂચમાંથી પિત્તળનો સળિયો દાખલ કરવામાં આવેલો હોય છે, જે બરણીની અંદરના પતરા સાથે સંપર્કમાં રાખવામાં આવે છે.

જ્યારે પિત્તળના સળિયાને વિદ્યુતના સ્રોતો સાથે જોડવામાં આવે છે ત્યારે સળિયામાં થઈને પ્રવાહનું વહન થાય છે. પરિણામે અંદરનું પતરું વિદ્યુતભારિત થાય છે. પ્રવાહ કાચમાં થઈને પસાર થઈ શકતો નથી, પણ બરણીની બહારના પતરાને યોગ્ય રીતે ભૂ-સંપર્કિત કરેલું હોય તો પ્રેરણને કારણે વિદ્યુતભારિત બને છે.

બરણીની બહારની બાજુએ અંદરની બાજુ કરતાં વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર હોય છે. જ્યારે બરણીની અંદર પ્રવાહનું વહન બંધ થાય છે ત્યારે બરણીની અંદર વિદ્યુતભાર સંગ્રહ પામે છે. બરણીની અંદર અને બહારના પતરાને વિદ્યુતવાહક વડે જોડવામાં આવે તો વિરુદ્ધ વિદ્યુતભારોને લીધે તણખો પેદા થાય છે અને બરણી વિદ્યુતવિભારિત બને છે.

હરગોવિંદ બે. પટેલ