લીચ, એડ્મન્ડ રૉનાલ્ડ (જ. 6 નવેમ્બર 1910, સિડમથ, ઇંગ્લૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1969) : બ્રિટિશ સમાજમાનવશાસ્ત્રી. તેમણે ઐતિહાસિક પ્રકાર્યવાદને સમર્થન આપ્યું ન હતું. તેમણે પરિવર્તનના સંદર્ભમાં માહિતી મેળવીને તેનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમના પિતા આર્જેન્ટીનામાં શેરડીનાં ખેતરોના ઉત્પાદનના મૅનેજર હતા. તેમનું શિક્ષણ મેર્લબોરોહ અને ક્લારે કૉલેજ તથા કેમ્બ્રિજમાં થયું હતું. 1932માં સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો. 1933માં એક ચીની વેપારી પેઢી ‘બટરફીલ્ડ ઍન્ડ સ્વીર’માં કામ કર્યું. ત્યાં રસ ન પડતાં તે છોડી પરત ફર્યા. રસ્તામાં ‘યામી’ના બૉટેલ ટોબેગો વિસ્તારમાં થોડું રોકાયા. ત્યાંના લોકોના જીવનનું નિરીક્ષણ કર્યું, નોંધો કરી અને ચિત્રો દોર્યાં. ત્યારથી તેમનો માનવશાસ્ત્રમાં રસ શરૂ થયો.
લંડનથી પાછા ફર્યા પછી ત્યાં માનવશાસ્ત્રી મેલિનૉવૉસ્કીના વિદ્યાર્થી રેમંડ ફર્થનો સંપર્ક થયો. તે તેમને મેલિનૉવૉસ્કીના અર્થશાસ્ત્રના વ્યાખ્યાનમાં લઈ ગયા. આ સંપર્કે તેમનામાં માનવશાસ્ત્રનું સંશોધન કરવાની તત્પરતા જગાડી. તેઓ ઇરાકના કુર્દ લોકોના અભ્યાસ માટે ગયા; પરંતુ ત્યાં પૂરતો સમય આપ્યા પહેલાં જ તેમને પરત આવવું પડ્યું. આમ છતાં ત્યાંના લોકોના સંપર્કમાંથી પોતાને ઘણું જાણવા મળ્યું એમ તેઓ જણાવે છે. 1939માં પુન:અભ્યાસ માટે કોચીન પર્વતોના રહીશ લોકોમાં ગયા, પણ બીજું યુદ્ધ નડ્યું. તેઓ લશ્કરમાં પણ જોડાયા. તે દરમિયાન 1940માં લગ્ન થયાં. લશ્કરની સેવામાંથી 1946માં મુક્ત થયા. તે પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં સમાજમાનવશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કામ મળ્યું. ત્યાં 1947માં પીએચ.ડી. કર્યું. ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 1953માં તેમની પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ થઈ અને 1976માં તેઓ એ પદેથી નિવૃત્ત થયા. તેઓ રૉયલ ઍન્થ્રોપોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના 1971–1975 સુધી પ્રમુખ રહ્યા અને બ્રિટિશ એકૅડેમીમાં 1972માં ફેલો તરીકે નિમાયા. તેમને 1975માં નાઇટહુડનો ખિતાબ પ્રાપ્ત થયો.
માનવશાસ્ત્રમાં તેમણે પોતાની એક આગવી પ્રતિભા ઊભી કરી છે. તેમનાં પુસ્તકો દ્વારા તેનો વાસ્તવિક પરિચય થાય છે. 1954માં ‘પોલિટિકલ સિસ્ટિમ ઑવ્ હાઇલૅન્ડ બર્મા’ પુસ્તકમાં સામાજિક સંરચના અને પરિવર્તનના પરંપરાગત ચિંતનને રદિયો આપ્યો. આ પુસ્તકમાં સંઘર્ષને સંરચનાના ભાગ તરીકે ગણાવવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. વળી આ વિસ્તારના લોકોની સમાજરચના જ એવી છે કે જેમાંથી સામાજિક મૂલ્યો અને વ્યક્તિઓ વચ્ચે સતત વિરોધ પેદા થયા કરે. તેમણે કોચીન અને શાન વિસ્તારમાં પણ કેટલાંક આ અંગેનાં ઉદાહરણો દર્શાવ્યાં છે. ત્યાં આજે પણ પૌરાણિક કથાઓએ લગ્ન-વિકલ્પોને વિશિષ્ટ રીતે પ્રભાવિત કર્યા છે, જેમાંથી તે સમાજવ્યવસ્થા વિકાસ પામતી દેખાય છે. બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન દ્વારા ગોઠવાયેલાં વ્યાખ્યાનોમાં તેમણે બ્રિટિશ સમાજમાં આવી રહેલાં પરિવર્તનોની આલોચના કરી છે.
તેમણે પોતાની પૈતૃક સંપત્તિ પોતાની સંસ્થા, જેના તેઓ પ્રમુખ રહ્યા હતા, તેને સંશોધન અને પ્રકાશન માટે આપી દીધી હતી. તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી માથાના દુખાવાથી પીડાતા હતા; પણ કોઈને તે અંગે જાણ કરેલી નહિ. 1969માં માથાનું દર્દ બ્રેઇન-ટ્યૂમર નીકળ્યું અને તેથી તેઓ અવસાન પામ્યા.
અરવિંદ ભટ્ટ