લિસ્બન : યુરોપના પોર્ટુગલ દેશનું નૈર્ઋત્ય ભાગમાં આવેલું પાટનગર અને સૌથી મોટું શહેર. પોર્ટુગીઝ ભાષા મુજબ તેનું નામ ‘લિસ્બોઆ’ છે. ભૌગોલિક સ્થાન : 38° 43´ ઉ. અ. અને 9° 08´ પ. રે.. તે ટૅગસ નદીના મુખ (નાળ) પર વસેલું છે અને તેનો વિસ્તાર આશરે 84 ચોકિમી. જેટલો છે. આ નદીની નાળ શહેરના મધ્યભાગથી પશ્ચિમે આશરે 16 કિમી.ને અંતરે આટલાન્ટિક મહાસાગરને મળે છે. લિસ્બન પોર્ટુગલનું રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક મથક હોવા ઉપરાંત મહત્વનું બંદર પણ છે. આ બંદર યુરોપનાં મહત્વનાં ગણાતાં કુદરતી બંદરો પૈકીનું એક છે. એ જ રીતે ટૅગસ નદી પર બાંધેલો ‘25th April Bridge’ દુનિયાના લાંબા ઝૂલતા પુલો પૈકીનો એક છે. બૈક્સા નામથી ઓળખાતું મધ્ય લિસ્બન તેમજ બંદરવિભાગ સમુદ્રસપાટીથી થોડીક જ ઊંચાઈના લગભગ સમતળ ભૂપૃષ્ઠ પર રહેલાં છે; જ્યારે મધ્ય લિસ્બનથી બહારનો બાકીનો વિભાગ ટેકરીઓ પર છે. લિસ્બનના આવાસી, ઔદ્યોગિક અને વેપારી વિભાગો આ બાહ્ય વિસ્તારમાં આવેલા છે. આ શહેરમાં સંખ્યાબંધ જાહેર ચોક, રાષ્ટ્રીય વીરોનાં બાવલાં, વૃક્ષોની હારથી શોભતા માર્ગો તેમજ નાના ઉદ્યાનો પણ છે. અહીંના મોટાભાગના નિવાસીઓ ફ્લૅટમાં કે મકાનોમાં રહેવાનું પસંદ કરે છે. પ્રવાસીઓ માટે અહીંનાં જોવાલાયક જાણીતાં સ્થળોમાં સાઓ કાર્લોસ ઑપેરાહાઉસ તથા પોર્ટુગલના રાજાઓના નિવાસસ્થાન (શાહી મહેલ) સાઓ જોર્ગ(Sao Jorge)ના કિલ્લાનો સમાવેશ થાય છે. અન્ય આકર્ષક પ્રવાસી સ્થળોમાં પોર્ટુગીઝ સફરી વાસ્કો દ ગામાના માનમાં સોળમી સદીની શરૂઆતમાં બાંધેલો બેલેમનો ટાવર વિશેષ ઉલ્લેખનીય છે. લિસ્બનમાં આવેલી યુનિવર્સિટીઓ પૈકી યુનિવર્સિટી ઑવ્ લિસ્બન અને ટૅકનિકલ યુનિવર્સિટી વધુ જાણીતી છે. આ શહેરમાં એક રાષ્ટ્રીય પુસ્તકાલય પણ છે. પોર્ટુગલમાં આવેલી મુખ્ય બૅંકો, વીમાકંપનીઓ તથા શરાફી પેઢીઓની શાખાઓ આ શહેરમાં છે. અહીં વિકસેલા મુખ્ય ઉદ્યોગોમાં પોલાદ, કાપડ, રસાયણો, સિરૅમિક્સ, જહાજબાંધકામ તેમજ માછીમારીનો સમાવેશ થાય છે. આ શહેરમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સુવિધા ઉપલબ્ધ છે. દેશના મહત્ત્વના રેલમાર્ગો લિસ્બન સાથે જોડાયેલા છે. શહેરમાં અવરજવર કરવા માટેનાં સાધનોમાં બસ, ટ્રામ, વીજળી-સંચાલિત રેલવેની અને ભૂગર્ભીય રેલસેવાની સારી સગવડ છે. લિસ્બન ખાતેનું બંદર વર્ષભર અત્યંત વ્યસ્ત રહે છે. તેની ગણના જહાજવાડાઓ ધરાવતાં યુરોપનાં અન્ય બંદરોમાં પણ થાય છે. આ બંદરેથી સિરૅમિક્સ, કૉર્ક, સાર્ડિન, ટમેટાંનો માવો અને દારૂનો નિકાસી વેપાર મોટા પાયા પર ચાલે છે.

લિસ્બનની ટૅગસના ખીણવિસ્તાર સહિત વસ્તી 33,23,200 (1999) જેટલી છે; જ્યારે મહાનગરની વસ્તી 20,62,000 છે. દેશની કુલ વસ્તીના 20 % લોકો આ શહેરમાં વસે છે.

જૂના વખતમાં ગ્રીકો, કાર્થેજિયનો અને રોમનોએ તેમની અવરજવર દરમિયાન લિસ્બનના આજના સ્થળે વસાહતો સ્થાપેલી. રોમનો પાસેથી વિઝિગૉથ્સે તે પાંચમી સદી દરમિયાન કબજે કરેલું. આઠમી સદીમાં મૂર નામથી ઓળખાતા ઉત્તર આફ્રિકાનાં મુસ્લિમોએ તે લઈ લીધેલું. પોર્ટુગલના પ્રથમ રાજા ઍફોન્સો પહેલાની દોરવણી હેઠળનાં ખ્રિસ્તી દળોએ બારમી સદી(1147)માં મૂર લોકો પાસેથી તેનો કબજો લઈ લીધેલો. તેરમી સદીના મધ્યગાળા(1260)માં તે પોર્ટુગલનું સત્તાવાર પાટનગર બન્યું. પંદરમી-સોળમી સદી દરમિયાન એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં પોર્ટુગલ સામ્રાજ્યનો પાયો નાખનાર અભિયંતાઓ અને સાહસિકોએ લિસ્બનને મુખ્ય મથક બનાવેલું. સોળમી સદી દરમિયાન લિસ્બન સમૃદ્ધિની ટોચ પર હતું. 1755માં અહીં ભીષણ ભૂકંપ થવાથી ખૂબ ઊંચે સુધી દરિયાઈ મોજાં ઊછળેલાં. તેમાં લિસ્બનનો B ભાગ તારાજ થઈ ગયેલો. તે સમયે 60,000 લોકો મૃત્યુ પામેલા. ખંડિયેર બનેલા આ શહેરનું પુનર્નિર્માણ આજના બૈક્સા સ્થળે થયું. બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન આ શહેર તટસ્થ રહ્યું હોવાથી આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવૃત્તિઓથી ધમધમતું રહેલું. 1974ના એપ્રિલની 25મી તારીખે અહીં લશ્કરી બળવો થયેલો. તેમાં 1926થી એકચક્રી શાસન કરતા આપખુદ સત્તાધીશને પદ પરથી હઠાવાયા હતા.

ગિરીશભાઈ પંડ્યા