કેળ : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી(ઉપકુળ – મ્યુનેસી)ની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Musa paradisiaca L. (સં. કદલી, રંભા; હિ. કેલ; અં. બનાના) છે.
તે બારેમાસ ફળ અને ફૂલો ધારણ કરે છે. આબુ-અંબાજી, માથેરાન, નીલગિરિના પહાડોમાં મૂળ (original – native) વગડાઉ કેળ છે. તે કાળાં બીજથી ઊગે છે. પરંતુ વવાતી કેળનાં મૂળોમાંથી ફણગા ફૂટે છે. તે કાઢી બીજે સ્થળે વાવતાં કેળા ઉગાડાય છે. ગુજરાતનાં બાગાયતી ફળોમાં કેળાંનું સ્થાન કેરી પછી તરત આવે છે.
કેળાંની જાતોમાં ખાસડિયાં, લાલ, સોનેરી, તળવાનાં, રેસીય, મુસાફરી અને એલચી કેળાં મુખ્ય છે.
કેળાંની વનસ્પતિ વૃક્ષ જેવા દેખાતા છોડ સ્વરૂપે મળે છે. મોટું ભૂગર્ભીય પ્રકાંડ, પરિવેષ્ટક પર્ણતલો એકબીજાને આવરી પ્રકાંડ જેવો આભાસ આપે, વાંકી લટકતી વિશાળ લાલાશ પડતી માંસલ શૂકીચ્છદ(spathe)થી ઢંકાયેલાં, બે હારમાં ગોઠવાયેલાં પુષ્પો, બીજ વગરનાં રસાળ ફળ.
પાકેલાં કેળાં ખાવામાં તથા રાયતા માટે વપરાય છે. કાચાં કેળાંનું શાક અને ભજિયાં થાય છે. કેળડોડાનું શાક થાય છે. તેની સુકવણી ખડખડિયાં. છાલની રાખ રંગના કાર્યમાં રંગરેજ અને ખત્રીઓને ઉપયોગી છે. કેળનાં પાણી અને પ્રકાંડના યોગે હથિયારોને પાણી ચડાવવામાં આવે છે. સૂકવેલા દાંડા બાળવાથી બનતી રાખ(ક્ષાર)નો મુલાયમ સાબુ બને છે. કેળનું પાણી પાપડમાં અને અન્નકૂટની વાનગી બનાવવામાં ઉપયોગી છે. દક્ષિણ ભારતમાં કેળનાં પાંદડાંની પત્રાવળી જમવામાં વપરાય છે. કેળના કંદના લોટની ભાખરી મીઠી લાગે છે. દેવપૂજા તથા લગ્નના મંડપ કેળનાં પાનથી રચાય છે.
જંગલી કેળ M. textilis Lમાંથી મુખ્યત્વે રેસા મળે છે. તે અબાકા અથવા મનીલા હેમ્પ નામે ઓળખાય છે. રેસા આપતી વગડાઉ કેળની ઘણી જાતો ભારતમાં મળે છે. તે વિષુવવૃત્તીય પ્રદેશમાં વાવેતર માટે ઘણી અનુકૂળ છે. તેની ખેતી ફિલિપાઇન્સમાં થાય છે.
ઉષ્ણકટિબંધ પ્રદેશમાં ઊગતી આ વનસ્પતિ આશરે 200 જેટલા રોગોનો ભોગ બને છે. તેમાંના 3થી 4 ચેપી છે.
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પાકને નુકસાનકારક એવા રોગો : (1) કેળના અગ્રભાગનો સડો, (2) કેળના કંદનો સડો, (3) કાળાં ટપકાંનો રોગ, (4) પાનનાં કાળાં ટપકાંનો રોગ, (5) કૉર્ડાનાં ટપકાંનો રોગ, (6) કેળનો ચટાપટાનો રોગ, (7) કેળનો પનામા રોગ, (8) બદામી ટપકાંનો રોગ, (9) કેળનો બૅક્ટેરિયલ બ્લાઇટ રોગ, (10) મૂળને કૃમિથી થતો રોગ, (11) કેળનો મોકો, (12) લૂમના દાંડાનો કોહવારો, (13) વહેલા પાકી જવાનો રોગ, (14) સિગાટોકા, (15) કેળનો ગુચ્છપર્ણનો રોગનો સમાવેશ થાય છે.
અગ્રભાગનો સડો (cigarend disease) : રોગકારક ફૂગ Fusariam verticillium. લક્ષણો : અપરિપક્વ કેળાંની ટોચનો ભાગ બદામી થયા બાદ રાખોડી થઈને કોહવા માંડે છે. કોઈક વખતે 50 % સુધી સડીને કાળાં પડી જાય છે. રોગિષ્ઠ ફળોનો ગર્ભ સુકાઈને બદામી કાળો પડી ગયેલ હોય છે.
ઉપાયો : કાર્બેન્ડાઝિમ 0.025 %ના દરે છંટાય. તાંબાયુક્ત દવા પણ કામયાબ નીવડે છે.
કંદનો સડો (Rhizomerot) અથવા કેળના કંદનો કોહવારો (Rhizome rot of Banana). રોગકારક : કરમિયાં (nematodes) અને બૅક્ટેરિયાને લીધે થતો રોગ.
લક્ષણો : કંદ કોવાઈ જાય છે અને નવી ફૂટમાં પીળા પીલા કાળા પડીને સુકાઈ જાય છે. કંદની બહારની સપાટીનો ભાગ કોવાઈ જાય છે.
ઉપાય : રોગમુક્ત વિસ્તારના પીલા વવાય. પીલાને 0.025 ટકાના એમીસાનના દ્રાવણમાં બોળીને રોપાય. દાણાદાર કાર્બોફ્યુરાન વાપરીને પણ કરમિયાં નિયંત્રણમાં રાખી શકાય છે.
કાળાં ટપકાંનો રોગ (black leafspot) : Phyllosticta musarum Cl ફૂગથી 1.2 મિમી.નાં કાળાં નાનાં ટપકાં પાન તથા ફળો ઉપર પડે છે. તાંબાયુક્ત તથા અન્ય ફૂગનાશક દવાના છંટકાવથી રોગ કાબૂમાં રહે છે.
પાનનાં કાળાં ટપકાંનો રોગ : રોગકારક ફૂગ ડેઇયેનએલા ટોર્યુલોસમ. જૂના પાનની ધાર ઉપર કાળાં બદામી રંગનાં પીળી કિનારીથી ઘેરાયેલાં 1થી 2 સેમી.ના ઘેરાવાવાળાં ટપકાં થાય છે. ટપકાંનો વિસ્તાર વધી પાનની કિનારી કાળી પડી જાય છે. પાનને ઝાળ લાગી હોય તેવું લાગે છે. ફળ ઉપર 2થી 4 મિમી.નાં અસંખ્ય નાનાં ટપકાં પડે છે.
ઉપાય : નિતારવાળી જમીનમાં સપ્રમાણ વાવેતર કરાય. વારાફરતી 0.1 %ના દરે કેપ્ટાફોલ અને ડાયથેન એમ. 45, 0.2 %ના દરે છંટાય.
કોર્ડોનાં ટપકાંનો રોગ (cordana spot) : Cordana musae નામની ફૂગથી થતા આ રોગમાં પાન પર 1થી 4 સેમી. સુધીનાં ગોળ, લંબગોળ અને અનિયમિત આકારનાં પીળી કિનારીથી ઘેરાયેલાં ટપકાં પડે છે અને એકબીજામાં ભળીને રોગિષ્ઠ વિસ્તાર વધે છે. ભલામણ મુજબની ફૂગનાશક દવાઓથી રોગનિયંત્રણ કરી શકાય છે.
ચટાપટાનો રોગ (banana mosaic) :
લક્ષણો : પાન ઉપર વિષાણુઓને લઈને એકબીજામાં ભળી જતી પીળા રંગની છાંટ. રોગિષ્ઠ પાન નાનાં, સાંકડાં અને ઊભાં રહે છે અને છોડ બિનફળાઉ અને વામણો બની જાય છે અને આખરે સડીને નાશ પામે છે.
ઉપાય : રોગમુક્ત વિસ્તારમાંથી પીલા વાવેતર માટે પસંદ કરીને રોગિષ્ઠ છોડોનો નાશ કરાય, વિષાણુયુક્ત યજમાન છોડનો નાશ કરીને મશીનું નિયંત્રણ કરવું.
પનામા અથવા સુકારો : રોગકારક ફૂગ : Fusarium oxysporum.
લક્ષણો : ફૂગને લીધે પાન પીળાં પડીને પર્ણ દંડિકાથી બટકી પડે છે અને સુકાઈ જાય છે. આખરે માત્ર થડનું ઠૂંઠું ઊભું રહે છે. થડના આડા છેદમાં બંગડી આકારે બદામી સડો જોવા મળે છે. કંદ પણ કોવાતા જોવા મળે છે.
ઉપાય : રોગમુક્ત વિસ્તારના પીલા વાવેતરમાં લેવાય, સેન્દ્રિય ખાતરોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો, પાકની ફેરબદલી કરવી તેમજ બસરાઈ જાત વાવવી અને રોગિષ્ઠ છોડ તારવીને પિયત આપવું હિતાવહ છે.
બદામી ટપકાંનો રોગ : રોગકારક ફૂગ : હેલ્મિન્થોસ્પોરિયમ જીબેરોસ્પેરિયમ.
લક્ષણો : ફૂગને લીધે ઓછી પીળી કિનારીથી ઘેરાયેલાં નાનાં લીલાશ પડતાં ટપકાં પડે છે. તે સમય જતાં લંબગોળ બને છે. મધ્યભાગ રાખોડી રંગનો થઈને સુકારો જાય છે. રોગની તીવ્રતા વધતાં પાનને ઝાળ લાગી હોય તેવું લાગે છે.
રોગકારક બળો : ચોમાસાનું વાદળછાયું ભેજવાળું વાતાવરણ રોગ વધારે છે.
ઉપાય : સિગાટોકાના નિયંત્રણ પ્રમાણે.
કેળનો બૅક્ટેરિયલ બ્લાઇટ : Xanthomonas musarium નામના બૅક્ટેરિયાના ચેપથી થતા આ રોગમાં પાન ઉપર કાળી પટ્ટીઓ પડે છે. પાન કિનારીએથી વળી જાય છે અને સુકાઈ જાય છે. તામિલનાડુમાં આ રોગ જોવા મળે છે.
કૃમિથી થતો મૂળનો કોહવારો : રોગકારક કૃમિ : રોડોફીલસ સ્પી.
લક્ષણો : કેળનાં મૂળ કાળાં પડી જાય છે. મૂળ કોવાતાં છોડ પડી જાય છે.
ઉપાયો : રોગમુક્ત વિસ્તારના પીલા વાવેતર માટે પસંદ કરવા અને છોડદીઠ 10થી 15 ગ્રામ કાર્બોફ્યુરાન (ફ્યુરાડાન-3જી) જમીનમાં આપવી એ હિતાવહ છે.
કેળનો મોકો (Bacterial wilt) : સુકારો : રોગજન સૂક્ષ્મજીવ Pseudomonas solanacearum.
લક્ષણો : બૅક્ટેરિયાથી પાન છોડ ઉપર પીળાં પડી સુકાઈને નમી પડે છે. કેળાં વહેલાં પાકી જાય છે. નીકળતા પીલા કાળા પડી જાય છે. કપાયેલ કેળના કંદમાંથી બદામી ચીકણો રસ નીકળતો જોવા મળે છે. કપાયેલ થડનો વચ્ચેનો ભાગ કથ્થાઈ-કાળો પડી કોવાઈ જાય છે.
ઉપાયો : રોગમુક્ત વિસ્તારનું બીજ પસંદ કરાય, યજમાન પાકનું નિયંત્રણ કરાય, ધાન્યપાક સાથે પાકની ફેરબદલી થાય, પીલા કાપતી વખતે ચેપ ફેલાવા દેવો નહિ તેમજ પીલાને એમીસાનના 0.025 %ના દ્રાવણમાં 10થા 15 મિનિટ બોળીને વાવવા એ સારો ઉપાય છે.
કેળાની લૂમના દાંડાનો કોહવારો અથવા સડો.
રોગકારક : ફૂગ અને બૅક્ટેરિયા
લક્ષણો : જાન્યુઆરીથી માર્ચમાં લૂમોમાંના 50% સુધી ભરાયેલાં કેળાં જમીન પર ખરી પડે છે. કેળનો દાંડો નીચેની તરફ વાંકો વળીને લટકે છે. થડના પોલાણમાંનું પાણી કોહવારો પેદા કરે છે, તેની અસર લૂમ ઉપર થાય છે.
ઉપાય : સ્ટ્રેપ્ટોસાયક્લીન 0.01 %ના દરે, કાર્બેન્ડાઝિમ 0.025 %ના દરે 15-15 દિવસના અંતરે છાંટવી અને ટોચમાં રેડવી હિતાવહ છે.
કેળનો વહેલા પાકી જવાનો રોગ :
રોગકારક : ઇથિલીન ગૅસ તથા અન્ય રોગ :
લક્ષણો : કેળની લૂમમાં 50થી 60 %ના ભરાવાના સમયે છૂટાંછવાયાં કેળાં પાકટ જોવા મળે છે. ગણતરીના દિવસમાં આખા ખેતરમાં કેળાં મોટા પ્રમાણમાં ખરી પડે છે તેથી બજારમાં મૂકી શકાતાં નથી.
ઉપાય : રોગિષ્ઠ કેળાં અને પાનને ખેતર બહાર કાઢીને તેમનો નાશ કરાય. ટપકાંના રોગના નિયંત્રણ માટે કેપ્ટાફોલ અને કાર્બેન્ડાઝિમના છંટકાવ કરતા રહેવું આવશ્યક.
કેળનો સિગાટોકા : પાનનો ટપકાંનો રોગ.
રોગકારક : Cercospora musae અને Mycosmphaerella musicola Zimm ફૂગ.
લક્ષણો : ફૂગથી પાન ઉપર પીળી છાંટ પડીને ત્રાક આકારમાં નસોને સમાંતર ટપકાં પડે છે જે સમય જતાં રાખોડી રંગનાં, બદામી કિનારીથી ઘેરાયેલાં રહે છે. વ્યાપક રોગમાં પાન ખરી પડે છે. ફળો નાનાં અને સમય પહેલાં પાકીને ખરી પડે છે.
ઉપાય : રોગિષ્ઠ પાન કાપી લેવાય. કેપ્ટાફોલનો 0.1 %ના દરે અને કાર્બેન્ડાઝિમ 0.025 %ના દરે વારાફરતી છાંટી રોગને કાબૂમાં રાખી શકાય છે.
કેળનો ગુચ્છપર્ણનો રોગ (Banana Bunchy top disease) અથવા ઝુમખિયા પાનનો રોગ.
મશી સંચારિત (Aphid transmitted) વિષાણુઓ દ્વારા કેળને થતો રોગ. આ રોગનો ફેલાવો મુખ્યત્વે કેરળમાં જોવા મળે છે. આ રોગને લીધે થડની ટોચ પર અનેક નાના, કુંઠિત પીળા રંગનાં પાંદડાં ગુચ્છ રૂપ ધારણ કરે છે. આ રોગથી પીડિત ઝાડ પણ કુંઠિત બને છે. તેથી કેળને લૂમ આવતી નથી. આ રોગનો ફેલાવો મશીને લઈને થતો હોવાથી બાગમાં વારંવાર કીટનાશક દવા છાંટવામાં આવે છે અને ચેપ દૂષિત પીલા રોપવામાં આવતા નથી.
આયુર્વેદ અનુસાર કેળાના અસંખ્ય ગુણો છે. તે માંસ, કાન્તિ અને રુચિને વેગ આપે છે. તે રક્તવિકાર દૂર કરે છે. પરંતુ જઠરાગ્નિ મંદ હોય તેવો માનવ ખાય તો તે અત્યંત વિકાર ઉત્પન્ન કરે છે. કેળડોડા કફનાશક છે. કદલીસાર (કેળમાંનો ગાભો) દાહશામક છે. કદલીકંદ કોઢ અટકાવે છે. કેળનું પાણી શીતળ છે. કેળાં ખાવાથી અજીર્ણ થાય તો ઉપર એલચી ખાવાની સલાહ અપાય છે.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ
જ. પુ. ભટ્ટ
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ
વી. એ. સોલંકી