લિયૉનાર્દી, પિયેરો (Leonardi, Piero) (જ. 29 જાન્યુઆરી 1908, વાલ્દોબિયાડેન, ઇટાલી; અ. – ) : ભૂસ્તરશાસ્ત્રી અને પ્રાગ્-ઇતિહાસવિદ. તેઓ સ્તરવિદ્યા પરનાં સંશોધનકાર્યો માટે તેમજ ટ્રાયાસિક કાળનાં અપૃષ્ઠવંશી અને પર્મિયન કાળનાં પૃષ્ઠવંશી પ્રાણીઓ પરના અભ્યાસ માટે જાણીતા છે. તેઓ ઇટાલીની ફેરારા યુનિવર્સિટીમાં ફેલો હતા, પછીથી ત્યાં જ તેમણે ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક અને ડિરેક્ટર તરીકે સેવાઓ આપેલી. તેમનાં સંશોધનકાર્યોમાં ડૉલોમાઇટ-આલ્પ્સની સ્તરવિદ્યા (સ્તરવાળા ખડકોનાં લક્ષણો) અને ભૂસંચલન(રચનાત્મક વિરૂપતા)નો તેમજ તેમની ઉત્ક્રાંતિ પર વિકસાવેલા નવા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે મૉસ્ટેરિયન પ્રાગ્-ઐતિહાસિક સાંસ્કૃતિક કાળ દરમિયાનની નવી સંસ્કૃતિ ‘બર્નાર્ડિનિયન’ની શોધ કરી આપી, જે પુરાતત્વશાસ્ત્ર માટે મહત્વનું પ્રદાન ગણાય છે.
તેમણે ‘ઇવલૂશન ઑવ્ લિવિંગ થિંગ્સ’ (1950), ‘ટ્રીટિઝ ઑફ જિઓલૉજી’ (1963), ‘કાર્લો ડાર્વિન’ (1966) અને ‘લા ડૉલમાઇટ’ (1967) પુસ્તકો લખ્યાં છે.
ગિરીશભાઈ પંડ્યા