લિપી, ફ્રા ફિલિપો (જ. આશરે 1406, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 8/9/10 ઑક્ટોબર 1469, સ્પોલેતો, પેપલ સ્ટેટ્સ, ઇટાલી) : પ્રસિદ્ધ રેનેસાંસ ચિત્રકાર. બાળપણમાં જ માતાપિતાનું મૃત્યુ થતાં એક આન્ટીએ ઉછેરીને તેમને મોટા કર્યા. 1421માં પંદર વરસની ઉંમરે શપથ ગ્રહણ કરીને સાન્તા મારિયા દેલ કૅર્માઇનમાં તેઓ કૅર્મેલાઇટ સાધુ બન્યા. મઠના બ્રાન્કાચી દેવળમાં પ્રસિદ્ધ રેનેસાંસ ચિત્રકાર મસાચિયોનાં ભીંતચિત્રોએ કિશોર-તરુણ ફિલિપોના માનસ ઉપર ઊંડી છાપ મૂકી. પછી સાધુજીવનનો ત્યાગ કરીને 1432માં તેમણે દેવળો અને મઠોમાં ભીંતચિત્રો કરવાની કારકિર્દી આરંભી. પણ મૂર ચાંચિયાઓ તેમનું અપહરણ કરીને એડ્રિયાટિક સમુદ્રને કાંઠે તેમને ગુલામ બનાવીને લઈ ગયા. માલિકોનાં વ્યક્તિચિત્રો કરીને તેમને ખુશ કર્યા ત્યારે તે ચાંચિયાઓએ તેમને અઢાર મહિનાની ગુલામી પછી મુક્ત કર્યા. 1432માં પાદુઆ નગરમાં આવીને તેમણે ચિત્રકારનો ધંધો ફરીથી શરૂ કર્યો.
1437માં ફિલિપો ફ્લૉરેન્સ ગયા. ત્યાં રાજવી મેડિચી પરિવારે તેમને ભીંતચિત્રો કરવાનું કામ આપવું શરૂ કર્યું. તેમનાં ચિત્રોમાં ચિત્રકાર મસાચિયોની સ્પષ્ટ અસર હોવા છતાં શિલ્પીઓ દોનતેલ્લો તથા જેકોપો દેલ્લ ક્વાર્ચિયાનો એટલો બધો પ્રભાવ છે કે એમનાં ચિત્રોમાંની આકૃતિઓ શિલ્પ જેવી નક્કર ભાસે છે. અન્ય સમકાલીન રેનેસાંસ ચિત્રકાર ફ્રા ઍન્જેલિકોની અસરરૂપે ફિલિપોના રંગો હૂંફાળા ને ઘેરા છે. આ સમયનાં તેમનાં શ્રેષ્ઠ ચિત્રો છે ‘મેડૉના ઍન્ડ ચાઇલ્ડ’ તથા ‘ધ વર્જિન ઍન્ડ ચાઇલ્ડ બિટ્વીન સેંટ ફ્રેદિયાનો ઍન્ડ સેંટ ઑગસ્ટિન’. પણ એ પછીની એમની ચિત્રકૃતિઓ ‘ધી એનન્સિયેશન’ તથા ‘કૉરોનેશન ઑવ્ ધ વર્જિન’માં તો બોત્તિચેલ્લીની હિલોળા લેતી લાવણ્યમય રેખાઓ પણ પ્રવેશી.
1442માં ફિલિપો સેંટ ક્વીરિકો ચર્ચના રેક્ટર તરીકે નિમાયા. હવે તેઓ વારંવાર પ્રેમમાં પડતા રહ્યા અને અવિચારી આડેધડ નિર્ણય કરતા ગયા. 1456માં જ્યારે તે પ્રાતો નગરમાં સાંતા માર્ગરીતા નામના સાધ્વીઓના મઠમાં ભીંતચિત્ર કરી રહ્યા હતા, ત્યારે લુક્રેઝિયા બુતી નામની સાધ્વી જોડે તેઓ ભાગી ગયા. પોપે એ બંનેને આશીર્વાદ આપી પરણાવી દીધાં. (તેના ફળસ્વરૂપે જન્મેલો દીકરો ફિલિપિનો પણ ભવિષ્યમાં મહાન ચિત્રકાર થયો !)
1452થી ફિલિપોએ પ્રાતો નગરનાં દેવળો અને મઠોમાં ભીંતચિત્રો કરવાનું કામ મોટા પાયે શરૂ કર્યું. આ માટે ફ્રા દાયમાન્તે નામનો સાધુ તેમને મદદનીશ ચિત્રકાર તરીકે સાથ આપતો હતો.
અમિતાભ મડિયા