કેવડિયો : વનસ્પતિનાં પાંદડાં અને શિરાને પીળાં કે હરિત-પીળાં બનાવી દેતો રોગ. ફૂગ (fungus), વિષાણુ (virus) અથવા મૂળતત્વ(element)ના અભાવથી વનસ્પતિને આ રોગ થાય છે.
ડાઉની મિલ્ડ્યૂ નામની ફૂગને લીધે પાંદડાં ઉપરની બાજુએથી પીળાં દેખાય છે, જ્યારે નીચેની બાજુએથી સહેજ રાખોડી અથવા જાંબુડિયાં રોમ ઊગે છે. પાંદડાં સુકાઈને કરમાઈ જાય છે. ચોમાસામાં આ રોગ સવિશેષ જોવા મળે છે. જમીનમાં કે હવામાં ભેજનું પ્રમાણ વધવાથી આ રોગ ઝડપથી ફેલાય છે.
ફૂગના ચેપને લીધે કેટલાક પાકને થતો કેવડિયો
પાક |
ફૂગનાં નામ |
જુવાર | Sclerospora sorghii |
બાજરી | S. graminicola |
મકાઈ | S. microspora |
શેરડી | S. sacchari |
દ્રાક્ષ | Plasmospora Viticola |
કાકડી | Pseudoperonospora cubensis |
ડુંગળી | Peronospora destructor |
કોબીજ | P. brassici. |
કેવડિયાથી પાંદડાં પીળાં પડવા ઉપરાંત તંતુ જેવાં થઈ જાય છે (દા.ત., જુવાર) અથવા ફાટી જાય છે. આ રોગથી દ્રાક્ષનાં પાંદડાં લીલાશ ધારણ કરે છે.
વિષાણુઓની અસરથી થતા કેવડિયા રોગને લીધે પાંદડાં પૂરેપૂરાં પીળાં અથવા ફીકાં બને છે. પપૈયું, ટમેટાં તથા તમાકુનાં પાંદડાં ઘેરાં અથવા આછાં લાલ દેખાય છે. વિષાણુજન્ય રોગનો ફેલાવો સફેદ માખી અને મસી જેવા કીટકો દ્વારા થાય છે. દૂષિત વનસ્પતિને મૂળમાંથી કાઢી નાખવાથી અથવા તો કીટનાશક દવાના છંટકાવથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે.
જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય તોપણ પાંદડાં પીળાં બને છે. લોહની ઊણપને લીધે શેરડીને અને જસતની ઊણપને લીધે મોસંબીને કેવડિયો થાય છે. પાકને ઓછું પાણી મળવાથી પણ પાંદડાં પીળાં પડે છે.
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ