કૅલ્સાઇટ

January, 2008

કૅલ્સાઇટ : કાર્બોનેટ સમૂહનું ખનિજ. કૅલ્શિયમ કાર્બોનેટનો સામાન્ય પ્રકાર. સૂત્ર CaCO3. કૅલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં બે સ્ફટિકરૂપે મળે છે, જેમાંનું એક રૂપ કૅલ્સાઇટ છે. તે ‘કૅલ્સાઇટ પ્રકાર’, ષટ્કોણીય સ્ફટિકરચના ધરાવે છે. તેનું ગ. બિં. 1000 વાતાવરણ-દબાણે (100 MPa) 1339° સે. છે. તેની વિશિષ્ટ ઘનતા 2.75 અને વક્રીભવનાંક 1.486 છે.

પ્રક્રિયકોની સાંદ્રતા, અવક્ષેપનનો દર અને તાપમાનને લગતી પરિસ્થિતિઓ ઉપર નિયંત્રણ રાખીને કૅલ્શિયમ કાર્બોનેટ બનાવવાની સામાન્ય રીતો દ્વારા કૅલ્સાઇટને બનાવી શકાય છે. બુકીના મત અનુસાર ખૂબ ગીચતાવાળું સ્વરૂપ સંપૂર્ણત: કૅલ્સાઇટ હોય છે. તે NaNO3નો સમરૂપક છે. NO3–1 અને CO3–2 આયનો સમતળ (flat) આયનો છે તેવું એક્સ-કિરણો દ્વારા સાબિત થયું છે.

કૅલ્સાઇટ રંગવિહીન, સફેદ, રાખોડી, પીળો, લાલ, કાળો, વાદળી, કથ્થાઈ વગેરે રંગમાં મળી આવે છે. કૅલ્શિયમ કાર્બોનેટ સાથે ક્યારેક અલ્પ માત્રામાં Mg, Fe, Mn, Zn, Pb હોવાથી આવા વિવિધ રંગો બને છે. કૅલ્સાઇટ ચૂનાખડક અને આરસપહાણ (વિકૃત) ખડકોનો મુખ્ય ઘટક છે. ચૂનાખડકમાં શિરાઓ રૂપે પણ મળી આવે છે.

કૅલ્સાઇટ તેની શુદ્ધતા અને ગુણધર્મોને આધારે વિવિધ ઉપયોગમાં લેવાય છે. આઇસલૅન્ડ સ્પાર તરીકે જાણીતો પારદર્શક પ્રકાર ઑપ્ટિકલ સાધનો બનાવવામાં વપરાય છે.

કૅલ્સાઇટ ખનિજથી બનેલા ચૂનાખડકો સિમેન્ટ, ચૂનો, બ્લીચિંગ પાઉડર, કૅલ્શિયમ કાર્બાઇડ, કાચ, સાબુ, કાગળ, રંગો વગેરે બનાવવાના ઉપયોગમાં લેવાય છે. સ્ફટિકમય ચૂનાખડકો, ટકાઉ ચૂનામય ખડકો તેમજ આરસપહાણ બાંધકામ તેમજ સુશોભન માટે વપરાય છે. કૅલ્શિયમ કાર્બોનેટનો ધાતુગાળણક્રિયામાં દ્રાવક (solvent) તરીકે ઉપયોગ થાય છે. ચૂનાખડકની કેટલીક જાત છાપકામ પ્રક્રિયામાં ઉપયોગી બને છે. ચૉક અને ચૂનો ખેતીની જમીન ઉપર આવરણ તરીકે વાપરવામાં આવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ