સામાજિક ખર્ચ : વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે સમાજને આપવો પડતો ભોગ. ઉત્પાદનખર્ચના ભિન્ન ભિન્ન પ્રકારની વર્ગીકરણની પદ્ધતિઓમાં વર્ગીકરણની એક તરેહમાં બે પ્રકારના ખર્ચનો નિર્દેશ કરવામાં આવે છે : ખાનગી/અંગત ઉત્પાદનખર્ચ અને સામાજિક ઉત્પાદનખર્ચ. તેમાંથી પ્રથમ પ્રકારના ઉત્પાદનખર્ચમાં વ્યક્તિગત ધોરણે ઉત્પાદકો દ્વારા કરવામાં આવતા ખર્ચનો સમાવેશ થાય છે, જેને આધારે વસ્તુઓ અને સેવાઓની કિંમત નિર્ધારિત કરવામાં આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો હોય છે; જ્યારે કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે સમાજના ઉત્પાદનનાં સાધનોના ઉપયોગ દ્વારા સામાજિક સ્તર પર જે ભોગ આપવામાં આવે છે તેનો નિર્દેશ હોય છે. ઉત્પાદનનાં સાધનોમાં ભૂમિ અને મૂડી જેવાં સાધનોનો સમાવેશ થાય છે અને તેનો ઉપયોગ મહત્તમ ઉત્પાદન હાંસલ કરવા ઇષ્ટ રીતે કરવાનો સમાજનો પ્રયાસ હોય છે. આ અર્થમાં સામાજિક ખર્ચ વૈકલ્પિક ખર્ચની વિભાવનાને મળતો ખ્યાલ છે. સામાજિક ખર્ચ અને સામાજિક લાભની વિભાવનાઓની જાણકારી આર્થિક વિશ્લેષણમાં મહત્ત્વની ગણાય છે. અંગત ખર્ચ અને સામાજિક ખર્ચ વચ્ચે સુમેળ થાય તો તે સમગ્ર અર્થતંત્રની દૃષ્ટિએ એક આદર્શ પરિસ્થિતિ ગણાય.
સામાજિક ખર્ચમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન સમાજને જે અગવડો સહન કરવી પડે છે તેનો પણ સમાવેશ કરવામાં આવે છે; દા.ત., ઘોંઘાટ, પ્રદૂષણ, શહેરીકરણમાંથી ઉદ્ભવતી તકલીફો વગેરે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે