રૂસો, થિયોડૉર (Rousseau, Theodore)

January, 2004

રૂસો, થિયોડૉર (Rousseau, Theodore) (જ. 15 એપ્રિલ 1812, પૅરિસ, ફ્રાન્સ; અ. 22 ડિસેમ્બર 1867, બાર્બિઝોં, ફ્રાન્સ) : નિસર્ગ ચિત્રકામ કરતી ફ્રાન્સની બાર્બિઝોં ચિત્રશૈલીનો પ્રમુખ ચિત્રકાર અને બાર્બિઝોં ચિત્રકારોનો નેતા.

14 વરસની ઉંમરે અન્ય ચિત્રકારોનાં ચિત્રોની નકલો કરીને સ્વશિક્ષિત થવાનું શરૂ કર્યું. તત્કાલીન નવપ્રશિષ્ટ (neo-classical) ચિત્રકારોથી તદ્દન વિપરીત, સ્ટુડિયોમાંથી બહાર નીકળી, કુદરતને ખોળે બેસીને સીધું જ આલેખન કરવું શરૂ કર્યું. પોતાના સમકાલીન બ્રિટિશ નિસર્ગ-ચિત્રકારો પાર્કસ બૉનિન્ગ્ટન અને જૉન કૉન્સ્ટેબલનાં નિસર્ગચિત્રોનો પણ તેણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. રૂસોનાં નિસર્ગચિત્રોમાં નિસર્ગની આરણ્યક ઝલક તથા ભયાનક તાસીર જોઈને ફ્રાન્સના રંગદર્શી લેખકો અને દેલાક્રૂવા જેવા રંગદર્શી ચિત્રકારો તેના તરફ આકર્ષાયા હતા. રૂસો પોતાના ચિત્રકાર સાથીઓને લઈને  બાર્બિઝોં ગામ પાસેના જંગલમાં રહેવા લઈ ગયો અને બધાએ એ જંગલની શ્રીને કૅન્વાસ પર ઉતારવી શરૂ કરી. 1831થી શરૂ કરીને સતત આઠ વરસ લગી રૂસોએ ફ્રાન્સની રાષ્ટ્રીય કલા અકાદમી ફ્રેન્ચ સેલોંમાં વાર્ષિક રાષ્ટ્રીય પ્રદર્શનો માટે પોતાની ચિત્રકૃતિઓ મોકલી, જે સર્વે નકારવામાં આવી. આમ છતાં, પશ્ચિમ યુરોપના કલાજગતમાં રૂસોની કલાકાર તરીકેની પ્રતિષ્ઠા વધતી ગઈ. 1848ની ફ્રેન્ચ ક્રાન્તિ પછી ફ્રેન્ચ સેલોં ઉદારમતવાદી બનતાં રૂસોને ફ્રાન્સ તરફથી રાષ્ટ્રીય માન્યતા પણ મળી.

આજે રૂસોની પ્રતિષ્ઠા નિસર્ગની શાંત તાસીરને નયનરમ્ય પણ ઝાંખા રંગો વડે ઋજુ મુદ્રાઓમાં કૅન્વાસ પર ઉતારવા માટે છે. બાર્બિઝોં ચિત્રકારો પછી આવનારા અને નિસર્ગમાં જઈ સીધા જાતઅનુભવ પર આધારિત નિસર્ગચિત્રણા કરનારા પ્રભાવવાદી ચિત્રકારોનો રૂસો અગ્રયાયી છે.

અમિતાભ મડિયા