વેપાર : નાણાં કે નાણાં મેળવવાના વચનના બદલામાં માલ અથવા સેવાની તબદીલી. કોઈ પણ પેદાશના ઉત્પાદનનો હેતુ વપરાશ છે. ઉત્પાદનના સ્થળેથી વપરાશના સ્થળે માલ અને સેવા મોકલવા માટેની સાંકળમાં વેપાર સૌથી વધુ અગત્યનો અંકોડો છે. વેપાર કરવામાં વેપારીનો હેતુ નફો કમાવાનો છે.
વેપાર માટે અત્યાર સુધી મહત્વની ગણાતી દેશની સરહદો હવે ગૌણ બની ગઈ છે. સંદેશ અને વાહનવ્યવહારની ગતિ અને વહનશક્તિમાં ખૂબ વધારો થવાને કારણે દેશદેશનાં ચલણો વધુ ને વધુ મુક્ત રીતે રૂપાંતરિત થવાને કારણે અને સમગ્ર વિશ્વને એક એકમ તરીકે ગણીને વેપાર થવાને કારણે અત્યાર સુધી આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો અલગ અભ્યાસ કરવાની જે જરૂર પડતી હતી તે હવે રહી નથી. આથી વેપારની પ્રક્રિયા અને પ્રવૃત્તિ-સ્તરો સરળતાથી સમજવા માટે નીચેનો આલેખ ઉપયોગી છે :
વાણિજ્યના એક મુખ્ય અંગ તરીકે આશરે 2000 વર્ષથી માનવજાત વેપારનો ઉપયોગ કરે છે; તેથી તેમાં સમયે સમયે ફેરફારો થાય છે. આલેખમાં દર્શાવેલાં અંગો તેના શુદ્ધ સ્વરૂપના બદલે વ્યવહારમાં મિશ્ર સ્વરૂપે કાર્યરત જણાય છે.
(1) પ્રત્યક્ષ વેપાર : ઉત્પાદક જ્યારે ગ્રાહકોના સીધા સંપર્કમાં આવી કોઈ વચેટિયાની મદદ વગર વેચાણ કરે છે ત્યારે તે વેપાર પ્રત્યક્ષ વેપાર બને છે.
(2) પરોક્ષ વેપાર : ઉત્પાદક જ્યારે વચેટિયાઓની મદદથી ગ્રાહકોને માલ વેચે છે ત્યારે તે વેપાર પરોક્ષ વેપાર બને છે.
(3) પ્રકીર્ણ વેપાર : વીસમી સદીના ઉત્તરાર્ધમાં વેપાર મુખ્યત્વે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચાલતો હતો; પરંતુ ત્યારબાદ સંદેશવ્યવહારમાં થયેલી ક્રાંતિને પરિણામે મિશ્ર પ્રકારનો વેપાર પેદા થયો છે. આ વેપારમાં ઉત્પાદક પ્રત્યક્ષ રીતે ગ્રાહક્ધો માલ વેચતો નથી તેમજ પરોક્ષ વેપારને અપેક્ષિત વચેટિયાઓનો પણ સહારો લેતો નથી. એ સંદેશવ્યવહારનાં માધ્યમોનો આશરો લે છે અને તેટલા પૂરતું એક વચલી સંસ્થા વેપારમાં જોડાય છે. આથી આ વ્યાપાર મિશ્ર વ્યાપાર બને છે.
પ્રત્યક્ષ વેપારમાં ઉત્પાદક ખાસ કરીને સંકળાયેલી દુકાનો દ્વારા, ફરતા વિક્રેતાઓ દ્વારા પોતાના ઉત્પાદન સાથે દુકાનો ખોલીને સીધો જ માલ વેચે છે; જ્યારે પરોક્ષ વેપારમાં માલ વિતરણની પરિસ્થિતિ બદલાય છે. ઉત્પાદક ઉત્પાદિત માલ મોટા જથ્થામાં જથ્થાબંધ વેપારીઓને વેચી દે છે. જથ્થાબંધ વેપારીઓ પોતાના હિસાબે અને જોખમે માલ ખરીદતા હોય છે. અલબત્ત, જાંગડ પ્રકારના વ્યવહારોમાં અને સોલસેલિંગ એજન્સીમાં નહિ વેચાયેલ માલ પરત લેવા ઉત્પાદક બંધાયેલ છે; આમ છતાં જથ્થાબંધ વેપારી પાસે જ્યાં સુધી માલ છે ત્યાં સુધી માલને લગતાં જોખમો પોતે ઉપાડે છે. પૅક થયેલી પેદાશો પર ધારા અનુસાર હવે મહત્તમ કિંમતો દર્શાવેલી હોય છે એટલી જ કિંમતે માલ વેચવાનું જથ્થાબંધ વેપારી માટે ફરજિયાત છે. આથી ભાવ-નિર્ધારણ માટે હવે આ પેદાશોમાં બજારના પ્રવાહો અનુસાર જથ્થાબંધ વેપારી કિંમત વધારી શકતો નથી; અલબત્ત, છાપેલી કિંમત કરતાં ઓછી કિંમતે વેચી શકે છે. પૅકિંગ થયેલા માલ સિવાયના માલમાં જથ્થાબંધ વેપારી બજારના પ્રવાહોનાં લાભ-નુકસાન મેળવતો હોય છે.
છૂટક વેપારી : જથ્થાબંધ વેપારી મહદ્અંશે છૂટક વેપારીને માલ વેચતો હોય છે. છૂટક વેપારી ગ્રાહકોના સીધા સંપર્કમાં આવીને કાં તો જ્યાં જ્યાં ગ્રાહકો હોય ત્યાં ત્યાં જઈને એટલે કે ફેરિયો બનીને અથવા તો પોતાના નક્કી કરેલા સ્થળે ગ્રાહકોને બોલાવી માલ વેચતો હોય છે. જથ્થાબંધ વેપારીની માફક છૂટક વેપારી પણ બજારપ્રક્રિયામાંથી લાભ-નુકસાન મેળવતો હોય છે.
પ્રકીર્ણ પદ્ધતિ હેઠળ ઇન્ટરનેટ આવ્યા બાદ ઉત્પાદકો પોતાની વેબસાઇટ લઈને તે દ્વારા વરદીઓ મેળવી ટપાલ કે અન્ય સેવાઓ દ્વારા માલ રવાના કરે છે. આ વ્યાપારને ઈ. મેલ, એમ. મેલ જેવાં નામોથી ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ ઉપરાંત ફૅક્સ, ટેલિફોન અને ટપાલ જેવી સેવાઓની મદદથી પણ મિશ્ર વેપાર થઈ શકે છે; માલનું પ્રમાણીકરણ તેમજ નામાભિધાન કરવાનું હવે શક્ય બન્યું છે. તેથી મિશ્ર વેપારનું કદ ખૂબ વધી જશે તેવી શક્યતા છે.
અશ્વિની કાપડિયા