લૉવેલ, પર્સિવલ (જ. 1855; અ. 1916) : અમેરિકાના એક સારા ગણિતશાસ્ત્રી, ખગોળના જ્ઞાતા, પાણીદાર વક્તા અને તેજસ્વી લેખક. એક જાણીતા ધનાઢ્ય પરિવારમાં જન્મેલા લૉવેલ ખગોળમાં શોખ ધરાવતા હતા. મુખ્યત્વે તેમને મંગળ પરની નહેરોના પ્રખર હિમાયતી તરીકે યાદ કરવામાં આવે છે. તેમને ગ્રહોનાં સંશોધનોમાં ઘણો રસ હતો અને ખાસ તો મંગળ પર ઉચ્ચ જીવસૃદૃષ્ટિ હોવાના મતના પુરસ્કર્તા હતા. પોતાના આ વાદના પુરાવા માટે અને બાકીના ગ્રહોના અભ્યાસના ઉદ્દેશથી તેમણે 1894માં ઍરિઝોનામાં ફ્લૅગસ્ટફમાં એક વેધશાળાની સ્થાપના કરી હતી, જે આજે તેમના નામ પરથી લૉવેલ વેધશાળા તરીકે ઓળખાય છે. લૉવેલ 1876માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્રમાં વિશેષ યોગ્યતા (distinction) સાથે સ્નાતક થયા હતા. 1880 અને 1890નાં વર્ષો દરમિયાન તેમણે જાપાન અને કોરિયાના રાજદ્વારી પ્રતિનિધિ તરીકે કામગીરી કરી હતી.
1890ના અરસામાં તેમને ગિયોવાની સિયાપરેલી (1835-1910) નામના ઇટાલીના ખગોળશાસ્ત્રીએ મંગળનાં કરેલાં નિરીક્ષણોમાં અને આ નિરીક્ષણો પરથી ફલામારિયોન (1842-1925) નામના ફ્રાંસના ખગોળવિદ તથા અન્ય સમકાલીન વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા મંગળ પર સંવેદનશીલ જીવો હોવાની સંભાવના દર્શાવતાં તારણો અને વાદોમાં રસ પડ્યો. આ બધા વાદોને ચકાસવાના મુખ્ય હેતુથી ચારેક વર્ષ બાદ 1894માં થનાર મંગળની પ્રતિયુતિ (opposition of Mars) દરમિયાન મંગળ પૃથ્વીની ઘણો નજદીક આવતો હોવાની તકને ઝડપી લઈને લૉવેલે તેના નિરીક્ષણ માટે વેધશાળા સ્થાપવાનો નિર્ણય લીધો હતો.
આરંભના બે દસકા સુધી આ વેધશાળાના 6 મીટર વર્તક દૂરબીનથી મંગળનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ નિરીક્ષણો પરથી લૉવેલ એવા તારણ પર આવેલા કે સિયાપરેલીએ જેને મંગળ પરની કૅનાલો કહેલી તે બધી ત્યાંના માનવોએ કરેલી, ગ્રહના ધ્રુવ પ્રદેશોમાંથી મધ્યપ્રદેશના સૂકા પ્રદેશોમાં પાણી પહોંચાડવાની નહેરો હતી ! પોતાના આ વાદને તેમણે ત્રણ લોકભોગ્ય પુસ્તકોમાં રજૂ કર્યો : ‘Mars’ (1895), ‘Mars and its Canals’ (1906) અને ‘Mars as the Abode of Life’ (1908). સાથે સાથે તેમણે આ નહેરોના સમજવામાં મુશ્કેલ પડે તેવા નકશાઓ પણ આપ્યા ! આજે આ બધી વાતો અસ્વીકાર્ય, હાસ્યાસ્પદ અને માત્ર ઐતિહાસિક કુતૂહલ બની ગઈ છે.
જોકે લૉવેલની મંગળ અંગેની અવૈજ્ઞાનિક વિચારસરણી અંગે ટીકા કરતા પહેલાં એ ન ભૂલવું જોઈએ કે વેધશાળાની સ્થાપના કરીને તેઓ ખગોળનો બહુ સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે. તેમની જિંદગીનાં છેલ્લાં આઠેક વર્ષ નેપ્ચ્યૂનની પેલે પાર કોઈ નવો ગ્રહ હોવા અંગે ઝાંખી સાબિતી આપતાં નિરીક્ષણો તેમણે કરેલાં અને આ દિશાનાં સંશોધનોમાં તેમના સક્રિય રસને કારણે જ કલાઇડ ટૉમ્બાહ દ્વારા 1930માં પ્લૂટોની શોધ થઈ શકેલી. 1914માં તેમણે કરેલાં સૂચનોને કારણે જ તે વેધશાળાના વેસ્તો સ્લિફેર નામના ખગોળશાસ્ત્રી તારાવિશ્ર્વો દૂર સરકે છે એવી શોધ કરી શકેલા. આવાં સંશોધનો પાછળ પર્સિવલ લૉવેલનો અને તેમણે સ્થાપેલી વેધશાળાનો ફાળો હતો.
સુશ્રુત પટેલ