લૉટન, ચાર્લ્સ (1899-1962) : જન્મે અંગ્રેજ નટ, જેઓ સન 1950માં પોતાની અભિનેત્રી પત્ની એલ્સા લાન્ચેસ્ટર સાથે અમેરિકાના નાગરિક બન્યા. 1926માં ‘ધી ઇન્સ્પેક્ટર જનરલ’ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવી વ્યાવસાયિક રંગભૂમિ પર પદાર્પણ કર્યું. તે પછી ‘એલિબી’ નાટકમાં હરક્યૂલ પૉયરોની ભૂમિકા ભજવી તથા 1931માં ‘પેમેન્ટ ડિફર્ડ’ નાટકમાં વિલિયમ મારબલનું પાત્ર ભજવી ન્યૂયૉર્કના રંગમંચ ઉપર છવાઈ ગયા. 1933-34 દરમિયાન વિખ્યાત નાટ્યસંસ્થા ‘ઓલ્ડ વિક’ સાથે સંકળાયેલા રહી, ‘ધ ચેરી ઑર્ચાર્ડ’, ‘ધ ટેમ્પેસ્ટ’ અને ‘મૅકબેથ’ જેવાં નાટકોમાં અવિસ્મરણીય અભિનય આપ્યો. 1936માં ‘લા મેડિસિન માલ્ગ્રે લૂઈ’ નાટક સાથે ‘કૉમેદિયા ફ્રાન્સે’ ખાતે અભિનય કરનાર પ્રથમ અંગ્રેજ નટ બન્યા. એક દાયકા જેટલો સમય ફિલ્મોમાં કામ કર્યા પછી, 1947માં રંગમંચ સાથે પુન: સંકળાઈ, બર્ટોલ્ટ બ્રેખ્તના સહયોગમાં તેમના વિખ્યાત નાટક ‘ગૅલિલિયો’નું અંગ્રેજી રૂપાંતર અમેરિકામાં પ્રથમ વાર લૉસ ઍન્જલસ ખાતે ભજવ્યું. ત્યારપછીનાં વર્ષોમાં બાઇબલ, શેક્સપિયરનાં નાટકો અને આધુનિક શિષ્ટ નાટકોમાંથી નાટ્યવાચનના અનેક પ્રયોગો કરતા રહી સમગ્ર અમેરિકા ઘૂમી વળ્યા. બર્નાડ શૉના ‘ડૉન જુઆન ઇન હેલ’ (1951) નાટકનું દિગ્દર્શન કરી તેમજ તેમાં શયતાનની ભૂમિકા ભજવી તેમણે વિવેચકોની ભારે પ્રશંસા મેળવી. સ્ટ્રૅટફર્ડ-અપૉન-એવન (1959) ખાતે ‘કિંગ લિયર’ તથા ‘મિડસમર નાઇટ્સ ડ્રીમ’માં બૉટમની ભૂમિકા ભજવી રંગમંચના ઇતિહાસમાં પોતાનું એક અલગ સ્થાન ઊભું કર્યું.
મહેશ ચંપકલાલ શાહ