જાંભેકર, હરિ ગોવિંદ (જ. 2 ડિસેમ્બર 1914, ગણદેવી, જિલ્લો સૂરત. અ. 17 ઑગસ્ટ 2011 અમદાવાદ) : ગુજરાત અને ખાસ કરી અમદાવાદના અગ્રણી સામાજિક કાર્યકર અને સેવાભાવી મેડિકલ પ્રૅક્ટિશનર. 1941માં અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાંથી એલ. સી. પી. ઍન્ડ એસ. (મુંબઈ) તથા 1976માં ડિપ્લોમા ઇન સ્પૉર્ટ્સ-મેડિસિનની પરીક્ષાઓ પસાર કરી. 1942થી અમદાવાદમાં મેડિકલ પ્રૅક્ટિસની શરૂઆત કરી, જે 1996 સુધી ચાલુ રાખી. ત્યારબાદ વ્યવસાયમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. મેડિકલ ક્ષેત્ર ઉપરાંત સામાજિક અને રમતગમતના ક્ષેત્રમાં તેમણે કરેલી સેવા અને તે દ્વારા થયેલું યોગદાન નોંધપાત્ર છે. 1942થી તેઓ અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સક્રિય સભ્ય રહ્યા છે. તે દરમિયાન તેઓ આ સંસ્થાના આસિસ્ટંટ સેક્રેટરી (1966–68), ઉપાધ્યક્ષ (1964–65) તથા અધ્યક્ષ (1968–69) રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન 1968માં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનની અમદાવાદ શાખાને ભારતમાં સર્વોત્તમ કાર્ય કરનાર શાખા તરીકે વિજયપદ્મ એનાયત કરવામાં આવ્યો હતો. ઑલ ઇન્ડિયા લાઇસેન્સિયટ મેડિકલ ઍસોસિયેશનના માનાર્હ મંત્રીપદે તેમણે વીસ વર્ષ સુધી કાર્ય કર્યું છે. 1980–81ના વર્ષ દરમિયાન તેઓ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન(ગુજરાત શાખા)ના ઉપપ્રમુખ તથા 1982માં ગુજરાત સ્ટેટ મેડિકલ કૉન્ફરન્સના વાઇસ ચૅરમૅન રહ્યા છે. તેઓ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન હસ્તકની કૉલેજ ઑવ્ જનરલ પ્રૅક્ટિશનર્સના સ્થાપક-ફેલો છે. 1976–81 દરમિયાન તેમણે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનની સ્પૉટર્સ મેડિસિનની સ્ટૅન્ડિંગ કમિટીના સભ્ય તરીકે સેવાઓ આપી છે. તેઓ 1955–77ના ગાળા દરમિયાન સ્ટેટ બક ઑવ્ ઇન્ડિયાના તથા 1976થી ગુજરાતમાંની બક ઑવ્ મહારાષ્ટ્રની શાખાઓના અધિકૃત ડૉક્ટર અને રેફરી રહી ચૂક્યા છે.
બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન તેમણે અમદાવાદ ખાતેની સાબરમતી સેન્ટ્રલ જેલના મેડિકલ ઑફિસર તરીકે પણ થોડાક સમય માટે કામગીરી કરી હતી.
સામાજિક સેવાના ક્ષેત્રમાં તેમની કારકિર્દીનું ફલક વિસ્તૃત રહ્યું છે, જેમાં ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી; ગુજરાત રેડ ક્રૉસ સોસાયટી (1976–82); ટ્યૂબરક્યુલૉસિસ ઍસોસિયેશન, ગુજરાત શાખા (1982–88); સેન્ટ જ્હૉન ઍમ્બુલન્સ ઍસોસિયેશન (ગુજરાત શાખા 1942થી), ગુજરાત રાજ્ય હોમગાડર્ઝ (1950–60); પ્રાર્થના સમાજ, રવિશંકર સ્મારક ટ્રસ્ટ, ચૅરિટેબલ ડિસ્પેન્સરી; વસંત વ્યાયામ શાળા, અમદાવાદ વગેરેનો સમાવેશ થાય છે.
1996માં તેમણે તેમનાં દિવંગત પત્ની કુસુમબહેનની સ્મૃતિમાં પ્રાર્થના સમાજ, રાયખડના મકાનમાં લાયન્સ ક્લબની મદદથી હોમિયોપથીની ધર્માદા ડિસ્પેન્સરી શરૂ કરાવડાવી હતી, જે આજે પણ કાર્યરત છે.
1971માં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન, દિલ્હી વતી સિલોન(હવે શ્રીલંકા)ના પાટનગર કોલંબો ખાતે મળેલ તે સંસ્થાના 1984માં વાર્ષિક દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા. તે જ વર્ષે ઇંગ્લૅન્ડ, અમેરિકા અને યુરોપના કેટલાક દેશોનો અધ્યયનપ્રવાસ ખેડ્યો.
રમતગમતના ક્ષેત્રે પણ તેમનું કાર્ય નોંધપાત્ર છે : 1976–81ના ગાળામાં તેઓ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન, દિલ્હીના સ્પૉર્ટ્સ-મેડિસિન સ્ટૅન્ડિંગ કમિટીના સભ્ય; 1979–84ના ગાળામાં ઍસોસિયેશન ઑવ્ સ્પૉટર્સ-મેડિસિન(ગુજરાત શાખા)ના સ્થાપક-પ્રમુખ; હરિ: ૐ આશ્રમ પ્રેરિત મહાજન શક્તિદળ તથા સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ્ઝ(ગુજરાત શાખા)ના સભ્ય રહ્યા છે. ઉપરાંત, તેઓ ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ઑક્યુપેશનલ હેલ્થ(અમદાવાદ શાખા)ના પ્રમુખ (1983–84); ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ સ્પૉર્ટ્સ-મેડિસિન, પતિયાળાના સભ્ય; ગુજરાત વૉલી બૉલ ઍસોસિયેશનના પ્રમુખ (1963–1981); વૉલી બૉલ ફેડરેશન ઑવ્ ઇન્ડિયાની સ્ટૅન્ડિંગ કમિટીના સભ્ય; ગુજરાત રાજ્ય સ્પૉટર્સ કાઉન્સિલની સ્ટૅન્ડિંગ કમિટીના સભ્ય (1974–80); ફેડરેશન ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, અમદાવાદના માનાર્હ મંત્રી (1956–71); સ્ટેટ ઍથ્લેટિક ઍન્ડ જિમ્નેસ્ટિક ઍસોસિયેશનના બે વર્ષ ઉપપ્રમુખ; ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળાના સંયુક્ત માનાર્હ મંત્રી; બાસ્કેટ બૉલ ઍસોસિયેશન(ગુજરાત શાખા)ના સભ્ય તથા ગુજરાત રાજ્ય કબડ્ડી ઍસોસિયેશનના બે વર્ષ ખજાનચી રહી ચૂક્યા છે. તેઓ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનની રમતગમત માટેની સ્ટૅન્ડિંગ કમિટીના સભ્ય (1976–81) તથા ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ઑવ્ સ્પૉર્ટ્સ-મેડિસિનના સ્થાપક-પ્રમુખ (1979–84) રહી ચૂક્યા છે.
તેમણે કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, અમદાવાદ ખાતે 1956–79 દરમિયાન; અમદાવાદની અંધશાળામાં 1976–86 દરમિયાન તથા લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ માટેના વર્ગોમાં 27 વર્ષ સુધી એનૅટૉમી ઍન્ડ ફિઝિયૉલૉજી અને હાઇજિન તથા ફર્સ્ટ એઇડ વિષયોનું અધ્યાપનકાર્ય કર્યું હતું. 1974–82ના ગાળામાં આકાશવાણીના પૅનલ-સર્વે (panel survey) એકમના સભ્ય તરીકે પણ તેમણે કામગીરી કરી હતી.
તેમને ક્રિકેટ, ટેનિસ, ટેબલ-ટેનિસ, બૅડમિંટન તથા હૉકીમાં વિશેષ રુચિ હોવાથી યુવાવસ્થામાં તેઓ આ રમતો નિયમિત રીતે રમતા હતા. અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનની બૅડમિન્ટનની સ્પર્ધાઓમાં તેમણે ચૅમ્પિયનશિપ પણ મેળવી હતી.
‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જેવાં અંગ્રેજી છાપાંઓમાં તથા ‘ગુજરાત સમાચાર’ જેવા ગુજરાતી છાપામાં તેમના ઘણા લેખો પ્રસિદ્ધ થયા છે. મરાઠીમાં પણ તેમના લેખો અન્યત્ર પ્રકાશિત થયા છે. તેમાંથી મોટા ભાગના લેખો સામાજિક અને રાજકીય સમસ્યાઓ ઉપરાંત શારીરિક શિક્ષણને લગતા વિષયો પર લખાયેલા છે.
તેમને મળેલા ઍવૉર્ડ્ઝ : 1985માં ગુજરાત સ્ટેટ ઑલિમ્પિક ઍસોસિયેશન ઍવૉર્ડ; 1988માં ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ઑક્યુપેશનલ હેલ્થ, બેંગાલુરુ તરફથી ફેલોશિપ ઍવૉર્ડ (આ ઍવૉર્ડ મેળવનાર દેશમાં તે સમયે તેઓ ત્રીજા અને ગુજરાતમાં એકમાત્ર વ્યક્તિ છે); 1993માં ઇન્ડિયન અકાદમી ઑવ્ જનરલ પ્રૅક્ટિશનર્સ, કૉલકાતા દ્વારા ફેલોશિપ ઍવૉર્ડ તથા 1994માં અમદાવાદ ફેડરેશન ઑવ્ ફિઝિકલ ઍસોસિયેશન ઍવૉર્ડ તથા તે જ વર્ષે ‘આજીવન શારીરિક શિક્ષણ અને રમતગમતને નિષ્ઠાપૂર્વક પ્રોત્સાહન’ આપવા અંગેનો ‘નટુભાઈ ઠક્કર’ ઍવૉર્ડ અને વર્ષ 2011માં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જીવન ગૌરવ ઍવૉર્ડ.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે