જલ-ઉદ્યાન (water garden)

January, 2012

જલ-ઉદ્યાન (water garden) : પાણીમાં બનાવાતો ઉદ્યાન. સામાન્ય રીતે જલ-ઉદ્યાન બે અર્થમાં વપરાય છે : એક એવો ઉદ્યાન કે જ્યાં મુખ્યત્વે પાણીના ફુવારા, ધોધ વગેરેની અધિકતા હોય અને બીજો એવો ઉદ્યાન કે જ્યાં પાણીમાં થતાં ફૂલ, છોડ વગેરેનું મહત્વ હોય. વાસ્તવિક તો જે બગીચામાં આ બેઉ પ્રકારની વિશિષ્ટતાઓનો યોગ્ય સમન્વય કરી આહલાદકતા ઊભી કરવામાં આવે તે શ્રેષ્ઠ જલ-ઉદ્યાન બની શકે.

પાણીના ફુવારા અને તે પણ જુદા જુદા આકારના, જુદી જુદી ઊંચાઈના તેમજ ઊંચાનીચા થતા, એ સાથે સંગીતનો તાલ અને ફુવારા ઉપર પડતા જુદા જુદા રંગનો, વારંવાર બદલાતો પ્રકાશ – આ બધાંનો યોગ્ય સુમેળ એક એવું વાતાવરણ સર્જે છે કે જે ઘણું જ અવિસ્મરણીય બની જાય છે. સાથે સાથે સાડીના પટાની માફક પાણીના પટા અને તેની નીચેથી પથરાતો યોગ્ય પ્રકાશ, પાણીના મોટા કુંડ, પાણીના ધોધ કે અન્ય પ્રકારનાં વહેણ, પાણીમાં છબછબિયાં કરવા માટે બાળકો માટેના છીછરા હૉજ વગેરે જાતજાતની કરામતો કરીને બગીચાના જલસ્રોતને આકર્ષક બનાવી શકાય છે. આગળ જણાવ્યું તેમ, સંગીત સાથે તાલ મિલાવી નાચતા ફુવારા (dancing fountains) પોતાનું આગવું આકર્ષણ જમાવે છે. બજારમાં આવી કરામતવાળા ફુવારા મળે છે. બીજા પ્રકારના એટલે કે પાણીમાં થતા છોડને યોગ્ય આકારવાળા હૉજમાં ઉગાડીને તેનો યથાર્થ સમન્વય કરવામાં આવે તો તે પણ આકર્ષક લાગે છે. પાણીમાં થઈ શકતા છોડ નીચે પ્રમાણે છે :

કમળ (lotus) : લૅટિન નામ : Nelumbium speciosum. કુળ : Nymphaeaceae. અર્ધા મીટરથી વધારે અને એક-દોઢ મીટર જેટલા ઊંડા પાણીમાં આ જાત ઘણી સારી થાય છે. એના ફૂલમાં આછી મીઠી સુગંધ પણ હોય છે. ફૂલનો રંગ મુખ્યત્વે આછો ગુલાબી હોય છે. આ જાતનાં પાન તથા ફૂલ પાણીથી ઉપર રહે છે. પાન અને ફૂલ મોટાં થાય છે. તેમાંય વિક્ટોરિયા જાતનાં પાન અને ફૂલ ઘણાં જ મોટાં હોય છે.

આકૃતિ : કમળ ધરાવતો જલ-ઉદ્યાન

લીલી (water lilies) : લૅટિન નામ : Nymphea species. કુળ : Nymphaeaceae. આમાં બે મુખ્ય જાતો છે. એક, રાત્રે ખીલતી મુખ્ય જાત પોયણાંની છે. તેનાં ફૂલ મુખ્યત્વે પીળાશ પડતાં સફેદ હોય છે. આ સિવાય પણ જુદા જુદા રંગનાં ફૂલવાળી જાતો જે રાત્રે ખીલતી હોય છે તે પણ હવે વિકસાવવામાં આવી છે.

દિવસે ફૂલ ખીલનારી જાતોમાં ફૂલોના રંગોમાં અદભુત વિવિધતા જોવા મળે છે. આને કુમુદ અથવા કમલિની પણ કહે છે. આમાં સંકરણ અને પસંદગી દ્વારા ઘણી જ જાતો વિકસાવવામાં આવી છે. ગુલાબી, પીળાં, ભૂરાં, સફેદ, કેસરી, ખીલે ત્યારે એક રંગ અને પછી ધીરે ધીરે રંગ બદલાય, એમ વિવિધ જાતનાં ફૂલોવાળી જાતો બજારમાં ઉપલબ્ધ છે. તે દરેકને જુદાં જુદાં નામ પણ આપવામાં આવ્યાં છે.

નિમ્ફિયા ક્રિસેન્થા જાત – પીળાશ પડતાં ફૂલ ધીરે ધીરે સિંદૂરિયા રંગમાં પલટાઈ જાય છે.

કેટલીક જાતોનાં નામ-વર્ણન જોઈએ :

  • N. caerulea : ભૂરાં ફૂલ
  • N. berolina : ઘાટાં ભૂરાં ફૂલ
  • N. panama Pacific : લાલાશ પડતાં જાંબલી ફૂલ
  • N. independence : ગુલાબી ફૂલ
  • N. chrysantha : ખીલે ત્યારે પીળાશ પડતાં, પછી ધીરે ધીરે ગુલાબી થતાં ફૂલ વગેરે, વગેરે.

વૉટર લીલીની બધી જાતોનાં પાન પાણીને અડકેલાં રહે છે અને પાન 10થી 20 સેમી. જેટલાં મોટાં, ગોળાકાર કે થોડાં અણીવાળાં હોય છે. કોઈ કોઈ જાતનાં પાન લીલાં અને તેમાં પીળાં-સફેદ ધાબાંવાળાં પણ હોય છે. આનાં ફૂલ પાણીથી ઉપર હોય છે અને 7થી 25 સેમી. જેટલાં મોટાં થાય છે.

આ જાતોની વંશવૃદ્ધિ એની નીચેના કંદના ટુકડા કરીને રોપીને કરવામાં આવે છે. નવી નવી જાતો બીમાંથી તૈયાર કરવામાં આવે છે.

જળકુંભી વૉટર હાઇસીન્થ : લૅ. નામ : Eichhornia crassipes, કુળ : Pontederiaceae :

પાન થોડાં લંબગોળ 10થી 15 સેમી. લાંબાં અને નીચે ફુગ્ગા જેવા ભાગવાળાં હોય છે. આ છોડ પાણીમાં તરતા હોય છે. એને ભૂરા રંગનાં ફૂલ ઊભાં ઝૂમખાંમાં આવે છે. આ છોડ એટલો ઝડપથી વધે છે કે બીજા છોડને પણ દાબી દે છે. આને પાણીના બાગ માટે નીંદણ તરીકે ગણાવેલ છે. છીછરા પાણીમાં એને વધારે અનુકૂળતા આવે છે. જલ-ઉદ્યાનમાં આનું સ્થાન પાણીના મુખ્ય છોડની હૉજની બાજુમાં છીછરા ખાબોચિયામાં કે છીછરા હૉજમાં જ હોઈ શકે. ફૂલ મુખ્યત્વે ઉનાળામાં પણ ઘણુંખરું બારે માસ થોડાંઘણાં જોવા મળે છે. આ સિવાય પણ બીજી થોડી જાતો જલ-ઉદ્યાનમાં રોપી શકાય છે.

કર્ણાટકમાં મૈસૂરનો વૃંદાવન ગાર્ડન અને ગુજરાતમાં વડોદરાનો આજવા ગાર્ડન જલ-ઉદ્યાનના જાણીતા નમૂનાઓ છે.

મ. ઝ. શાહ