આવકવેરો : પોતાની હકૂમત હેઠળના પ્રદેશમાં વ્યક્તિ, કુટુંબ કે કંપનીની કુલ આવક પર સરકાર દ્વારા આકારવામાં આવતો વેરો.
આ વેરો સર્વપ્રથમ ઈ. સ. 1799માં ઇંગ્લૅન્ડમાં તે સમયની યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન વિલિયમ પિટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. 1799થી 1874 દરમિયાન તે અવારનવાર ક્યારેક રદ કરવામાં આવતો અને ક્યારેક ફરી દાખલ કરવામાં આવતો રહેલો; પરંતુ ઈ. સ. 1874માં જાહેર આવકના સાધન તરીકે તેને ઇંગ્લૅન્ડમાં કાયમી સ્થાન મળેલું. અમેરિકામાં તેની શરૂઆત ઓગણીસમી સદીના સાતમા દાયકામાં થઈ હતી (1861-72), પરંતુ ત્યાંના ન્યાયાલયે તેને ગેરબંધારણીય જાહેર કરતાં તે રદ કરવામાં આવ્યો હતો. ઈ. સ. 1913ના બંધારણીય સુધારા સાથે તે ફરી દાખલ કરવામાં આવ્યો અને ત્યારથી અમેરિકામાં પણ તે જાહેર આવકનું કાયમી સાધન બન્યો છે. ફ્રાન્સ, જર્મની અને કૅનેડા જેવા દેશોમાં તે ઓગણીસમી સદીના અંતમાં કે વીસમી સદીની શરૂઆતમાં દાખલ થયો હતો. ભારતમાં તેની શરૂઆત કામચલાઉ ધોરણે ઈ. સ. 1860માં અને કાયમી ધોરણે 1886થી થઈ છે.
ભારતમાં 1860માં આવકવેરો દાખલ થયો ત્યારે રૂ. 200થી 500ની વાર્ષિક આવકવાળાને 2 % અને રૂ. 500થી વધુ આવકવાળાને 4 ટકા આવકવેરો ભરવો પડતો. 1886માં તે કાયમ થયો ત્યારે રૂ. 500 સુધી કરમુક્તિ, પછી 500થી 2,000ની વાર્ષિક આવક પર રૂપિયે 5 પાઈ લેવાનું ઠરાવેલું. 1902થી 1914 સુધી રૂ. 1,000 ની આવક કરમુકત હતી, 1,000થી 2,000 સુધી રૂપિયે 4 પાઈ ને 2,000થી વધુ વાર્ષિક આવકવાળાને રૂપિયે 5 પાઈ ભરવી પડતી હતી.
ઇંગ્લૅન્ડમાં આવકવેરાની આકારણીમાં બેઠી આવક અને શ્રમથી થતી આવક માટે જુદાં જુદાં ધોરણો છે. વળી, બાળપોષણ-ખર્ચ, કૌટુંબિક ખર્ચ વગેરેને ત્યાં આવકવેરાની ગણતરીમાંથી બાદ અપાય છે.
જુદાં જુદાં ક્ષેત્રોમાંથી જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત કરવામાં આવતી વ્યક્તિગત કે કુટુંબની આવક પર આકારણી થતી હોવાથી તેમજ તેનું પ્રત્યક્ષ નાણાકીય ભારણ જે તે ઘટકને વહન કરવું પડતું હોવાથી આવકવેરાને પ્રત્યક્ષ કરની કક્ષામાં મૂકવામાં આવે છે. આવા વેરાને લીધે જે તે ઘટકની આવકમાં અને તે દ્વારા તેની ખરીદશક્તિમાં ઘટાડો સર્જાતો હોવાથી તેના વાસ્તવિક ભારણને હળવું કરવા અને વધુ ન્યાયસંગત બનાવવા આવકવેરાના કાયદામાં જ કેટલીક જોગવાઈઓ કરવામાં આવતી હોય છે, જેથી સમગ્ર આવક(gross total income)માંથી કુલ કરપાત્ર આવકનું નિર્ધારણ થઈ શકે; દા.ત., ઘટકની વિશિષ્ટ પરિસ્થિતિ અને સંજોગોના સંદર્ભમાં સમગ્ર આવકમાંથી અમુક રકમ બાદ આપવી; સામાજિક દૃષ્ટિએ લાભદાયી ગણાય તેવાં રોકાણોમાંથી પ્રાપ્ત થતી આવકને મુક્તિ; કુટુંબનાં બાળકોના ભરણપોષણ તથા શિક્ષણના ખર્ચ પેટે છૂટછાટો; આશ્રિતોની સંખ્યા, વૃદ્ધો, અપંગો, અંધજનો કે અશક્તોને અનુલક્ષીને અપાતી છૂટછાટો; વૈદકીય સારવાર માટે; જીવનવીમાના પ્રીમિયમની ચુકવણી અંગે તથા અન્ય સ્વરૂપની બચતોને પ્રોત્સાહન આપવા માટે અપાતી છૂટછાટો વગેરે. વિવિધ દેશોમાં આવકવેરાના માળખામાં આવા પ્રકારની રાહત કે છૂટછાટોનું સ્વરૂપ તથા પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે.
વ્યક્તિની કે કુટુંબની આવક એ જ તેની કર ભરવાની શક્તિનો વસ્તુલક્ષી માપદંડ છે તેવી વિચારસરણી પર આવકવેરાની વસૂલાત કરવામાં આવે છે; તેમ છતાં તેને વધુ ન્યાયસંગત અને ઉચિત બનાવવાના હેતુથી તેના માળખામાં પ્રગતિશીલતાનું તત્વ ઉમેરવાનો પ્રયાસ થાય છે.
આવકવેરો અને સરચાર્જનો મોટો ફાયદો એ છે કે જેમ જેમ વ્યક્તિ અથવા પેઢીની આવક વધતી જાય છે તેમ તેમ આપોઆપ આ વેરા દ્વારા સરકારને પ્રાપ્ત થતી આવક વધતી જાય છે. આમ આ વેરો જાહેર આવક ઊભી કરવાનું એક સીધું અને સુવિધાયુક્ત સાધન છે. આ વેરાનો બોજો બીજી વ્યક્તિ ઉપર ખસેડી શકાતો નથી. જેના ઉપર આવકવેરો પડે છે તેણે જ આ વેરો રાજ્યને સીધી રીતે ભરવો પડે છે. આ વેરાની ઉઘરાણી સરળ અને વહીવટી દૃષ્ટિએ ઓછી ખર્ચાળ છે.
સમાન આવક ધરાવતા અને સમાન આર્થિક સંજોગોમાં રહેતા કરદાતાઓ પર આવકવેરાનો એકસરખો દર લાદવામાં આવે છે. વધુ આવક પ્રાપ્ત કરનાર વ્યક્તિ કે કુટુંબ માટે આવકવેરાનો દર ક્રમશ: વધારવામાં આવતો હોય છે. કરવેરામાં ન્યાયસંગતતાનું તત્વ બે રીતે દાખલ કરવામાં આવે છે : ક્ષિતિજસમાંતર ન્યાયસંગતતા (horizontal equity) અને ઊર્ધ્વ ન્યાયસંગતતા(vertical equity). સરખી આવક અને સરખી પરિસ્થિતિવાળા કરદાતાઓ માટે આવકવેરાના સરખા દરો, અને આવકના ભિન્ન ભિન્ન સ્તરો તેમજ ભિન્ન ભિન્ન આર્થિક પરિસ્થિતિ ભોગવતા કરદાતાઓ માટે ભિન્ન ભિન્ન દરોનું માળખું જ્યારે નિર્ધારિત થાય ત્યારે તેને ક્ષિતિજસમાંતર ન્યાયસંગતતા કહેવામાં આવે છે. આ હેતુ સિદ્ધ કરવા માટે આવકવેરાના અધિનિયમ(statutes)માં જ કેટલીક વ્યક્તિગત છૂટછાટો અને રાહતની જોગવાઈ કરવામાં આવે છે. તેનાથી ભિન્ન, આવકનો સ્તર જેમ જેમ વધતો જાય તેમ તેમ વધારાની આવકના દરેક સ્તરે (slab) આવકવેરાની આકારણીના દર વધારવામાં આવે તો તેને ઊર્ધ્વ ન્યાયસંગતતા કહી શકાય, જોકે આવકની અમુક ઊંચી સપાટીથી પણ વધુ આવકની કમાણી પર એકસરખો કે સ્થિર દરે આવકવેરો આકારવામાં આવે છે. આવા દરને આવકવેરાનો મહત્તમ દર કહેવામાં આવે છે.
વધુ જોખમો ધરાવતી અને તેથી વધુ સાહસિકતાની અપેક્ષા રાખતી ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાંથી પ્રાપ્ત આવક પર વધતા દરે, એટલે કે પ્રગતિશીલ ધોરણે આવકવેરો આકારવાથી કામ કરવાની, બચત કરવાની અને મૂડીરોકાણ કરવાની વૃત્તિ પર વિપરીત અસર થતી હોય છે તેવી એક પ્રણાલીગત વિચારસરણી છે. આવી વિચારસરણીને વરેલા વિચારો આવકવેરાની સરખામણીમાં ખર્ચવેરાની પ્રગતિશીલ આકારણી વધુ પસંદ કરે છે.
અન્ય વેરાઓની સરખામણીમાં આવકવેરાનો વહીવટ વધુ સરળ અને સુગમ હોય છે. રાજ્યને જ્યારે પણ વધુ આવક ઊભી કરવાની જરૂર પડે છે ત્યારે આ વેરા દ્વારા તે સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે; દા.ત., દરેક સ્તર પર આકારવામાં આવતા દરમાં અથવા મહત્તમ દરમાં વધારો કરવો.
આવકવેરો અને ફુગાવો : અર્થતંત્રમાં નાણાંના પુરવઠાના અસાધારણ ભરાવાને લીધે જ્યારે ભાવસપાટીમાં સતત વધારો થાય છે ત્યારે ફુગાવો સર્જાય છે. ફુગાવામાં નાણાંનું વાસ્તવિક મૂલ્ય સતત ઘટતું હોવાથી આવકવેરો વહન કરનાર અને સ્થિર નાણાકીય આવક ધરાવનાર વર્ગ પર આ વેરાનો અસરકારક દર વધતો જાય છે. ફુગાવાની અસરને વિસર્જિત કરવાના હેતુથી વેતનદરોમાં વધારો કરવામાં આવે તો કરદાતાને બેવડો પ્રહાર સહન કરવો પડે છે, કારણ કે એક બાજુ ફુગાવાને લીધે નાણાંની ખરીદશક્તિ ઘટતી હોય છે તો બીજી બાજુ વધારાના વેતનદરોની ચુકવણીને લીધે કરદાતાની આવકની સપાટી ઊંચી થતાં તેને આવકવેરાની વધુ રકમ અથવા ઊંચા દરો ચૂકવવા પડે છે. ઉપરાંત, ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટતું હોવાથી આવકવેરામાં અપાતી છૂટછાટો, મુક્તિની મર્યાદા તથા કપાતના સાચા મૂલ્યમાં પણ ઘટાડો થાય છે. આમ, ફુગાવાને લીધે આવકવેરાના વાસ્તવિક ભારણમાં વધારો થાય છે. એથી કરદાતાના જીવનધોરણ પર તેની માઠી અસર પડે છે. તેને હળવી કરવા માટે કેટલાંક પગલાં લેવામાં આવે છે; દા.ત., વેરાના દરમાં ઘટાડો, વેરાની મુક્તિમર્યાદામાં વધારો, વેરાના માળખામાં અપાતી રાહતમાં વધારો, માન્ય કપાતોમાં વધારો વગેરે.
ઋણ આવકવેરો (negative income tax) : કલ્યાણલક્ષી રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગના લાકોને અપાતા લાભ સાથે સંકળાયેલ સૈદ્ધાંતિક તથા વહીવટી જટિલતાઓને અનુલક્ષીને કેટલાક અર્થશાસ્ત્રીઓએ તેના વિકલ્પ તરીકે ઋણ અથવા નકારાત્મક આવકવેરાની તરફેણ કરી છે. તેમની આ પ્રકારની રજૂઆત મુજબ આવકની અનિવાર્ય નિર્ધારિત સપાટી કરતાં ઓછી આવક ધરાવતા ઘટકોને રાજ્યની તિજોરીમાંથી અમુક વળતર ચૂકવવામાં આવે અને જ્યારે પણ આવા ઘટકોની આવકમાં વધારો થાય ત્યારે વધતી આવકના પ્રમાણમાં તેમને અપાતા વળતરની માત્રામાં ઘટાડો કરવામાં આવે છે. અર્થાત્ આવા ઘટકોમાંથી જે ઘટકો સરભર બિંદુ પર પહોંચી જાય તે ઘટકોને અપાતા વળતરનું પ્રમાણ શૂન્ય બની જશે. આ પ્રકારનો ઋણ આવકવેરો કામ કરવાની વૃત્તિ પર કેવી અસર કરે છે તે અંગે પરસ્પરવિરોધી મંતવ્યો પ્રગટ થયેલાં છે. આ બાબતમાં અમેરિકામાં અત્યાર સુધી સર્વેક્ષણ થયું છે તે મુજબ આવા લાભ મેળવનારની કામ કરવાની વૃત્તિમાં ઘટાડો થવાની શક્યતાને સમર્થન મળે તેવી હકીકતો બહાર આવી છે.
ભારતમાં આવકવેરો : ભારતમાં આવકવેરાનો અમલ ઈ. સ. 1860માં થયો હતો. તે માટે તત્કાલીન રાજકીય અને આર્થિક પરિસ્થિતિ જવાબદાર હતી. આવકવેરો દાખલ થયા પછીનાં વર્ષોમાં જે તે સમયની જરૂરિયાતોનું સ્વરૂપ અને તેની તીવ્રતાના સંદર્ભમાં આવકવેરાના માળખામાં અને તેના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ ભારતમાં આવકવેરાનું જે માળખું પ્રવર્તે છે તે ભૂતકાળમાં તે ક્ષેત્રમાં થયેલ ફેરફારો અને પ્રયોગશીલતાનું પરિણામ છે.
અન્ય દેશોની જેમ ભારતમાં પણ કેન્દ્ર સરકારની વાર્ષિક આવકમાં અન્ય પ્રત્યક્ષ કરવેરાના ફાળાની સરખામણીમાં આવકવેરાનો ફાળો ખાસો મોટો હોય છે; તેમ છતાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ દ્વારા આવકનું ઉપાર્જન કરનાર દેશની વસ્તીનો વિશાળ ભાગ હજુ સુધી આવકવેરો ભરવાની આવકક્ષમતા સુધી પહોંચી શકેલ નથી તે તેની મોટામાં મોટી મર્યાદા છે. સો કરોડથી પણ વધુ વસ્તી ધરાવતા દેશમાં છેલ્લા કેટલાય દાયકા દરમિયાન આવકવેરો ભરનાર કરદાતાઓની સંખ્યા એક કરોડ કરતાં પણ ઓછી રહી છે; ઉપરાંત, ખેતીમાંથી મળતી આવક તેમાંથી બાકાત રહી છે.
1983માં જાહેર કરવામાં આવેલ ‘નવી રાજકોષીય નીતિ’ (New Fiscal Policy) મારફત આવકવેરા જેવા સાધનમાંથી રાજ્યને નોંધપાત્ર પ્રમાણમાં આવક મળી શકે તે હેતુથી કેટલાક નીતિનિર્દેશક સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા હતા, દા.ત., આવકવેરાનો પાયો વધુ વિસ્તૃત કરવો, સંતુલિત આર્થિક વિકાસની વૃદ્ધિનો દર વધારવો, આવકવેરાના દરો વધુ ન્યાયસંગત બનાવી પ્રામાણિક નાગરિકને પોષાય તેવું તેનું માળખું ઘડવું, કરચોરીના વ્યાપક દૂષણને ડામવા માટે કરવેરાને લગતા કાયદાઓનો અમલ સખ્તાઈથી કરવો તથા આવકવેરાની ઉઘરાણીની વહીવટી પ્રક્રિયા વધુ સુગમ અને કરકસરયુક્ત બનાવવી વગેરે.
આયકર અધિનિયમ 1961: કરદાતા(assessee)માં વ્યક્તિ (individual), હિન્દુ અવિભક્ત કુટુંબ, કંપની, વ્યક્તિઓનો સમૂહ (association of persons), સ્થાનિક સત્તામંડળ (local authority) અને કૃત્રિમ વૈધિક વ્યક્તિ(artificial juridical person)નો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિની પાછલા વર્ષ(previous year)માં થયેલી કુલ આવક ઉપર વિત્ત અધિનિયમ(Finance Act)થી નક્કી થયેલા દરે કર આકારવામાં આવે છે. પ્રત્યક્ષ કરકાનૂન (સુધારણા) અધિનિયમ 1987 પસાર થયા પછી કરદાતાને હવે પાછલા વર્ષની પસંદગી કરવાનો અવકાશ રહ્યો નથી અને દરેક કરદાતા માટે આકારણી-વર્ષ(assessment year)થી તુરત જ આગળનું વિત્તીય વર્ષ તેનું પાછલું વર્ષ ગણાય છે.
કુલ આવકની પરિધિ (scope) નક્કી કરવા માટે વ્યક્તિના નિવાસી (resident) અને બિનનિવાસી (non-resident) એમ બે પ્રકાર કરવામાં આવ્યા છે. બંને પ્રકારના કરદાતાઓની બાબતમાં ભારતમાં પ્રાપ્ત થયેલી (received) અને ભારતમાં ઊપજેલી (accrued) આવક કરપાત્ર છે. પરંતુ નિવાસી કરદાતાની બાબતમાં આ આવક ઉપરાંત ભારત બહાર ઊપજેલી આવક પણ કરપાત્ર છે.
આયકર અધિનિયમમાં આવકની કોઈ સર્વગ્રાહી (exhaustive) વ્યાખ્યા આપી નથી, પરંતુ પ્રાપ્ત થયેલા ધનરાશિમાંથી કઈ રકમનો આવકમાં સમાવેશ કરાશે તેનો નિર્દેશ કરતી (inclusive) વ્યાખ્યા આપી છે. કેટલોક પ્રાપ્ત ધનરાશિ નિ:શંક રીતે વ્યક્તિની આવકના સ્વરૂપનો હોવા છતાં વ્યક્તિની કુલ આવકમાં તેનો સમાવેશ થતો નથી. દા.ત., ખેતીની આવક, હિન્દુ અવિભક્ત કુટુંબના સભ્ય તરીકે કુટુંબની આવકમાંથી મળેલો ભાગ, પાંચ હજાર રૂપિયાની મર્યાદા સુધીની આકસ્મિક આવક, ભિન્ન-ભિન્ન બચતપત્રો અને રાષ્ટ્રીય યોજનાપત્રો પરનાં અમુક વ્યાજ વગેરે કેટલોક પ્રાપ્ત ધનરાશિ. સામાન્ય કાનૂન પ્રમાણે કરદાતા સિવાયની અન્ય વ્યક્તિની આવક હોવા છતાં પણ આવી આવકનો અમુક સંજોગોમાં કરદાતાની કુલ આવકમાં સમાવેશ થાય છે; દા.ત., પર્યાપ્ત બદલા વિના મિલકતનું હસ્તાંતરણ (transfer of property without adequate consideration) કર્યું હોય તેવી મિલકતમાંથી પત્ની, પુત્રવધૂને થયેલી આવક, કરદાતાએ પોતાની આગવી મિલકતનું હિન્દુ અવિભક્ત કુટુંબના નામે હસ્તાંતરણ કર્યું હોય તેવી મિલકતમાંથી કુટુંબને થયેલી આવક વગેરે.
કુલ આવકની ગણતરી કરવા માટે આવકનું (1) પગાર, (2) મકાનની આવક, (3) ધંધો કે વ્યવસાયની આવક, (4 )મૂડીલાભ અને (5) અન્ય આવક એમ પાંચ શીર્ષકો હેઠળ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
2002-2003ના નાણાકીય વર્ષ દરમિયાન પગારમાંથી સીધો જ આવકવેરો કાપવાનો દર
2020–21ના નાણાકીય વર્ષના આધારે
કુલ આવકમર્યાદા રૂપિયામાં |
આવકવેરાનો દર |
5,00,000થી ઓછી |
કશું નહિ |
5 લાખથી 7.5 લાખ |
10 ટકા |
7.5 લાખથી 10 લાખ |
15 ટકા |
10 લાખથી 12.5 લાખ |
20 ટકા |
12.5 લાખથી 15 લાખ |
25 ટકા |
15 લાખથી વધુ |
30 ટકા |
જો મકાન ભાડે આપ્યું ન હોય તો તેને ભાડે આપવામાં આવે તો મળવાપાત્ર ભાડાની રકમ અથવા જો મકાન ખરેખર ભાડે આપ્યું હોય તો મળેલા ભાડાની રકમ તે બંનેમાંથી જે રકમ વધારે હોય તેને આધારસ્તંભ ગણીને તેમાંથી મ્યુનિસિપલ ટૅક્સ બાદ કર્યા પછી જે રકમ રહે તેને મકાનનું વાર્ષિક મૂલ્ય કહેવાય છે. અંગત રહેઠાણ તરીકે વપરાતા એક કે વધુ મકાનમાંથી ફક્ત એક જ મકાનનું વાર્ષિક મૂલ્ય રાહત આપવાના હેતુથી શૂન્ય રૂપિયો આકારવામાં આવે છે. મકાનના વાર્ષિક મૂલ્યમાંથી (ક) મરામત અને વસૂલાત-ખર્ચ તરીકે વાર્ષિક મૂલ્યની એક-ચતુર્થાંશ રકમ, (ખ) મિલકત વીમાનું પ્રીમિયમ, (ગ) જમીન-ભાડું, (ઘ) મકાન બાંધવા માટે ઉછીની લીધેલી મૂડીનું વ્યાજ, (ઙ) જમીન-મહેસૂલ અને (ચ) વસૂલ ન થઈ શકેલા ભાડાની રકમ બાદ કરીને બાકીની રકમની મકાનની આવક હેઠળ આકારણી થાય છે.
ધંધા(કે વ્યવસાય)ની આવક નક્કી કરવા માટે ધંધાના કાચા નફા(gross profit)માંથી યંત્રસામગ્રી, મકાન અને ફર્નિચરનો મરામત-ખર્ચ અને ઘસારો, ઉછીની લીધેલી મૂડી પરનું વ્યાજ, ઘાલખાધ અને અંગત અથવા મૂડીખર્ચ સિવાયનો ખર્ચ બાદ આપવામાં આવે છે. ધંધા માટે કેટલોક ખર્ચ ખરેખર કર્યો હોય અને વેપારી નામાપદ્ધતિ પ્રમાણે નફો કે નુકસાન નક્કી કરવામાં તેની ગણતરી કરવી પડતી હોય છતાં પણ આ ખર્ચ બાદ મળતો નથી; દા.ત., ધંધા અંગેનાં ખરીદ અને ખર્ચ પેટે ધંધામાં મહત્વપૂર્ણ હિત ધરાવતી વ્યક્તિને આપેલી અતિશય અને અનુચિત રકમ, પેઢીના ભાગીદારને ઠરાવેલી ટકાવારી કરતાં આપેલો વધારાનો પગાર વગેરે. ઠરાવેલી મર્યાદા કરતાં જેને ધંધા કે વ્યવસાયની વધારે આવક થતી હોય તેવા કરદાતા માટે હિસાબી ચોપડા રાખવા ફરજિયાત છે.
મૂડી-અસ્કામત(capital asset)ના હસ્તાંતરણમાંથી થતો નફો મૂડીલાભ શીર્ષક હેઠળ કરપાત્ર છે. મૂડી અસ્કામત પ્રાપ્ત કરવા અને સુધારવા કરેલો ખર્ચ અને હસ્તાંતરણ માટે કરેલો ખર્ચ મૂડી-અસ્કામતના હસ્તાંતરણના કારણે પ્રાપ્ત થયેલી રકમમાંથી બાદ કરતાં રહેલી રકમ મૂડીલાભ (capital gain) કહેવાય છે.
આગળ વર્ણવેલાં ચાર શીર્ષકોમાંથી કોઈ પણ શીર્ષક હેઠળ કરપાત્ર થતી ન હોય તેવી આવક અન્ય આવકના શીર્ષક હેઠળ કરપાત્ર છે. દા.ત., ડિવિડન્ડ, વ્યાજ, લૉટરી અને ઘોડદોડનાં ઇનામ વગેરે.
ઉપર્યુક્ત પાંચ શીર્ષક પૈકી કોઈ એક શીર્ષક હેઠળ નુકસાન થયું હોય તો તે બીજા કોઈ શીર્ષકની આવક સામે મજરે અપાય છે. આમ કર્યા પછી પણ ધંધાનું નુકસાન એક વર્ષમાં પૂરેપૂરું મજરે આપી શકાયું ન હોય તો બાકી રહેલું ધંધાનું નુકસાન ત્યારપછીનાં આઠ વર્ષ સુધી ધંધાની આવક સામે મજરે અપાય છે.
આવકનાં બધાં શીર્ષક હેઠળની આવકનો સરવાળો કરીને સમગ્ર આવક (gross total income) નક્કી કરાય છે. તેમાંથી વિવિધ કપાતો બાદ કર્યા પછી રહેલી આવક કુલ કરપાત્ર આવક કહેવાય છે. આવી મુખ્ય કપાતો મેડિકલ ઇન્સ્યૉરન્સ પ્રીમિયમ, સખાવતી સંસ્થાને આપેલું દાન, પછાત વિસ્તારમાં સ્થાપેલા નવા ઔદ્યોગિક એકમની આવક, રૂ. 9,000 સુધીનું બૅન્કમાંથી મળેલું વ્યાજ, સહકારી સોસાયટીની આવક વગેરે છે.
આયકર અધિનિયમ અનુસાર આકારવામાં આવેલી કુલ આવક ઉપર દરેક આકારણી વર્ષ માટે પસાર કરેલા વિત્ત અધિનિયમથી ઠરાવેલા દરે આવકવેરો લાગુ પડે છે. વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી સોસાયટી અને કંપની આવક માટે આવકવેરાના જુદા જુદા દર ઠરાવેલા હોય છે. જો કરદાતાએ જિંદગીના વીમાનું પ્રીમિયમ ભર્યું હોય અને જનરલ પ્રૉવિડંટ ફંડ, પબ્લિક પ્રૉવિડંટ ફંડ (PPF) તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૉન્ડમાં રોકાણ કર્યું હોય તો તેને આવકવેરામાંથી આ રકમો ઉપર 20 %ના દરે વધુમાં વધુ રૂ. 16,000નું વળતર (rebate) આપવામાં આવે છે. વળી આ ઉપરાંત જો કરદાતા 65 વર્ષ અથવા તેથી વધારે ઉંમરનો વરિષ્ઠ નાગરિક (senior citizen) હોય તો તેને આવકવેરામાંથી વધુમાં વધુ રૂ. 15,000 નું વધારાનું (additional) વળતર મળે છે. આ બંને પ્રકારનાં વળતર મજરે આપ્યા પછી ભરવાપાત્ર નક્કી થયેલા આવકવેરા ઉપર 2 %ના દરે અધિભાર (surcharge) લાગુ પડે છે.
વ્યક્તિ જેમ કમાણી કરે તેમ કર ભરે તેવા સિદ્ધાંતને અનુસરીને આયકર અધિનિયમમાં અગ્રિમ કર (advance tax) વસૂલ કરવાની જોગવાઈ કરેલી છે. વ્યક્તિએ ચાલુ વિત્તીય વર્ષમાં મૂડીનફો, લૉટરી વગેરે સહિતની કુલ આવક કેટલી થશે તેનો અંદાજ કાઢીને તેના પર ભરવાપાત્ર કરની ગણતરી કરીને, તેમાંથી પ્રાપ્તિના સ્થળે કોઈ કરની કપાત થઈ હોય તો તે બાદ કરીને ભરવાપાત્ર અગ્રિમ કરનો અંદાજ કાઢવાનો હોય છે. જો અગ્રિમ કરની રકમ રૂ. 5,000થી વધારે થતી હોય તો અગ્રિમ કરની 30 % જેટલી રકમ વિત્તીય વર્ષની 15મી સપ્ટેમ્બર સુધીમાં; 60 % જેટલી રકમ 15મી ડિસેમ્બર સુધીમાં અને કુલ અગ્રિમ વેરાની બાકીની રકમ 15મી માર્ચ સુધીમાં કરદાતાએ જાતે ચલન બનાવીને બૅન્ક કે ટ્રેઝરી મારફતે કેન્દ્ર સરકારને ભરવી પડે છે. સંજોગવશાત્ અગ્રિમ કર ભરી ન શકાયો હોય કે ઓછો ભરાયો હોય તો વ્યક્તિ ૩૧મી માર્ચ સુધીમાં ખૂટતી રકમ ભરી શકે છે. કરદાતાએ અગ્રિમ કર સમયસર ભર્યો ન હોય અથવા ઓછો ભર્યો હોય તો ખૂટતી રકમ પર ઠરાવેલા દરે વ્યાજ ભરવું પડે છે.
જો કરદાતા કંપની હોય અથવા તેના હિસાબો ઑડિટ કરાવવા પાત્ર હોય તો તેણે આકારણી વર્ષની 31મી ઑક્ટોબર અગાઉ અથવા સુધીમાં અને જો અન્ય કરદાતા કે જેની આવક કરપાત્ર મર્યાદા રૂ. 50,0000થી વધારે હોય તો તેણે આકારણી વર્ષની 31મી જુલાઈ અગાઉ અથવા સુધીમાં આવકનું પત્રક (Return of Income) ફરજિયાત ભરવું પડે છે. આ ઉપરાંત કરદાતા જો (1) આવકવેરા બૉર્ડે ઠરાવેલી મર્યાદા કરતાં વધારે ક્ષેત્રફળવાળા મકાનનો ઘરધણી અથવા ભાડુઆત તરીકે કબજેદાર હોય, (2) દ્વિચક્ર યાંત્રિક વાહન સિવાયના યાંત્રિક વાહનનો માલિક અથવા ભાડેપટ્ટેદાર (lessee) હોય, (3) ટેલિફોનનું લવાજમ ભરતો હોય, (4) પોતાના અથવા અન્ય કોઈના વિદેશી પ્રવાસનો ખર્ચ કરેલો હોય, (5) ક્રૅડિટકાર્ડનો ધારક હોય અથવા (6) Rs. 25,000 કે વધારે પ્રવેશ ફી ભરવી પડે તેવા મંડળનો સભ્ય હોય તો તેની આવક કરપાત્ર મર્યાદા રૂ. 50,000 કરતાં ઓછી હોય છતાં પણ તેને આકારણી વર્ષની 31મી ઑક્ટોબર અગાઉ અથવા સુધીમાં આવકનું પત્રક ફરજિયાત ભરવું પડે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
જયન્તિલાલ પો. જાની
હસમુખ શાહ
દાઉદભાઈ કાસમભાઈ સૈયદ