ચારણ, અર્જુનદેવ (જ. 1954, જોધપુર, રાજસ્થાન) : રાજસ્થાનના જાણીતા નાટ્યકાર, દિગ્દર્શક અને કવિ. તેમને તેમના નાટ્યસંગ્રહ ‘ધરમજુદ્ધ’ માટે 1992ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે રાજસ્થાનીમાં પીએચ.ડી. કર્યું છે અને હાલ જોધપુરમાં જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં રાજસ્થાની વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામગીરી સંભાળે છે. 1974થી તેમણે નાટ્યલેખનનો પ્રારંભ કર્યો. આજ સુધીમાં 3 નાટ્યસંગ્રહો ઉપરાંત ‘રિન્ધરોહી’ નામક કાવ્યસંગ્રહ પ્રગટ થયા છે.
1979–80માં તેમને રાજસ્થાન સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. 1992માં સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત નાટ્યમહોત્સવમાં તેમના નાટક ‘મુક્તિગંધા’નું દિગ્દર્શન કરવાનું તેમને નિમંત્રણ મળ્યું. એ જ વર્ષે તેમણે ભારત ભવન, ભોપાલ દ્વારા આયોજિત રાષ્ટ્રીય ઉત્સવમાં પોતાનું નાટક પ્રસ્તુત કર્યું.
તેઓ રાજસ્થાની ત્રૈમાસિક ‘અપરંચ’ના સંપાદક છે. વળી રાજસ્થાની ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ અકાદમીના તેઓ સભ્ય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ધરમજુદ્ધ’માં બે નાટકો છે. તેમાં સર્જકની નવતર શૈલી-ર્દષ્ટિની સુસંગતતા અને ક્રાંતિમૂલક સંવેદનાઓ પ્રગટ થાય છે. તેમાં પિતૃપ્રધાન સમાજનું નારીની ર્દષ્ટિએ આકલન છે. આ નાટકોમાં પીડિત, ઉપેક્ષિત અને સમાજથી બહિષ્કૃત નારીઓનો પુરુષપ્રધાન વ્યવસ્થા સામેનો પડકાર મુખ્ય છે. નારી પુરુષની દાસી કે તેનું વાસના-તૃપ્તિનું સાધન બની રહેવા કે વ્યક્તિવિહીન અસ્તિત્વ માત્ર બની રહેવા તૈયાર નથી. તેમાં પ્રગટ થતી નારીજાગરણ પ્રત્યેની સાચી નિષ્ઠા અને નારીજીવન પ્રત્યેના ક્રાંતિકારી અભિગમને કારણે એ કૃતિ આધુનિક ભારતીય નાટ્યસાહિત્યમાં એક મહત્ત્વનું પ્રદાન બની રહેલ છે.
બળદેવભાઈ કનીજિયા