ગતિનિયંત્રક (governor) : ગતિ પર નિયંત્રણ રાખનારું સ્વયંસંચાલિત સાધન. સ્થાયી વપરાશના પ્રાથમિક ચાલકો (prime movers) જેવા કે ડીઝલ-એન્જિન; વરાળ, પાણી કે ગૅસથી ચાલતાં ટર્બાઇન વગેરે અમુક મુકરર ઝડપે ભ્રમણ કરે તે જરૂરી છે. ચાલકો ઉપરના ભાગમાં વધઘટ થાય અને તેમને આપવામાં આવતા ઇંધનનું પ્રમાણ હતું તેનું તે જ રહે તો તેની ઝડપમાં વધઘટ થાય છે. આમ થતું અટકાવવા ગતિનિયંત્રકનો ઉપયોગ થાય છે. તેના ઉપયોગથી ચાલકો ઉપર ભારની વધઘટ થવા છતાં તેની ભ્રમણ-ઝડપ નિશ્ચિત પ્રમાણિત ઝડપની નજીક રહે છે. ભારમાં થતી વધઘટ સાથે ઊર્જાના વહેણનું નિયમન કરીને આ નિયંત્રક ઝડપનું નિયમન કરી શકે છે.

સામાન્ય યાંત્રિક ગતિનિયંત્રકો અનુલંબિત (longitudinal) અથવા ભ્રમણગતિથી ઉદભવતાં જડત્વીય (inertial) બળોને આધારે કાર્ય કરે છે. ઊડનકંદુક (flyball) પ્રકારના ગતિનિયંત્રકમાં બે વજનદાર દડા પ્રાથમિક ચાલક દ્વારા ચાલતી એક ત્રાકની આસપાસ ભ્રમણ કરતા હોય છે. ઘૂમતા દડા ઉપર લાગતાં કેન્દ્રોત્સર્ગી બળોમાં ભ્રમણની ઝડપમાં વધઘટ સાથે ફેરફાર થાય છે. આ બળનું નિયંત્રણ સ્પ્રિંગ અને/અથવા ગુરુત્વબળ વડે કરવામાં આવે છે. આથી કેન્દ્રોત્સર્ગી બળને લીધે ધરી ઉપરની ભૂંગળીને જરૂરી બળ મળી રહે છે અને તે ધરી ઉપર ખસીને પ્રાથમિક ચાલકમાં જતા ઇંધનની અથવા કામ આવતા તરલની માત્રા કે ગુણવત્તામાં ફેરફાર કરે છે. આમ થતાં ભારમાં ફેરફાર થવા છતાં ગતિ લગભગ પૂર્વવત્ થઈ જાય છે.

જ્યારે ભૂંગળી ઉપર ભારે જોરનું નિયમન કરવાની જરૂર પડે ત્યારે નિયંત્રક પાઇલોટ પિસ્ટનનું જ સ્થળાંતર કરે છે, જેથી પ્રધાન-પિસ્ટન ઉપર અનેકગણું બળ ઉત્પન્ન થાય. આમ થવાથી પ્રધાન-પિસ્ટન ચાલકની નિયંત્રણ-રચના ચલાવી શકે છે. આ રચના સેવાયંત્રાવલી (servomechanism) તરીકે ઓળખાય છે.

ઉપેન્દ્ર છ. દવે