ઉપાધિ (ન્યાયદર્શન) : સમીપવર્તી વસ્તુને પોતાનો ગુણધર્મ આપે તે. જેમ કે સામે મૂકેલા લાલ ફૂલથી શ્વેત સ્ફટિક પણ લાલ લાગે છે. ત્યાં લાલ ફૂલ ઉપાધિ કહેવાય. ન્યાયદર્શનોમાં ઉપાધિનો સંદર્ભ અનુમાનપ્રમાણ સાથે છે. અનુમાનનો આધાર વ્યાપ્તિ છે. વ્યાપ્તિ એટલે હેતુ અને સાધ્ય વચ્ચેનો નિયત સ્વાભાવિક સંબંધ. ‘જ્યાં ધૂમ ત્યાં અગ્નિ’ એ વ્યાપ્તિમાં હેતુ ધૂમ અને સાધ્ય અગ્નિ વચ્ચે એવો સંબંધ છે પરંતુ ‘જ્યાં અગ્નિ ત્યાં ધૂમ’ એમ હંમેશાં ન હોવાથી અગ્નિ (હેતુ) અને ધૂમ (સાધ્ય) વચ્ચે સ્વાભાવિક સંબંધ નથી. જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ પણ હોય તો તે ધૂમનો પ્રયોજક અગ્નિ સિવાય બીજો કોઈ છે. તે છે ભીના લાકડાનો સંયોગ. ભીના લાકડાના સંયોગ જેવા પ્રયોજકને ઉપાધિ કહે છે. જ્યાં અગ્નિ (હેતુ = સાધન) હોય ત્યાં ભેજ અનિવાર્ય નથી પણ જ્યાં ધૂમ (સાધ્ય) હોય ત્યાં તે અનિવાર્ય છે જ. તેથી ઉપાધિનું લક્ષણ ‘સાધનથી અવ્યાપક પણ સાધ્યથી વ્યાપક’ એમ અપાય છે.
અન્ય સંદર્ભમાં પણ ‘ઉપાધિ’નો પ્રયોગ થાય છે. જાતિકૃત સામાન્ય વર્ગીકરણથી ભિન્ન કૃત્રિમ વર્ગીકરણ થાય તો તેનો આધાર તે ઉપાધિ છે, જેમ કે ‘મનુષ્યત્વ’ તે જાતિ છે પણ ‘ભારતીયત્વ’ તે ઉપાધિ છે.
વસંત પરીખ