ઉપયોગિતાવાદ (નીતિશાસ્ત્ર) : ઓગણીસમી સદીમાં નૈતિક અને રાજકીય તત્વચિંતનના ક્ષેત્રે પ્રભાવક બનેલી વિચારસરણી પશ્ચિમી તત્વજ્ઞાનના ઉપયોગિતાવાદ(utilitarianism)ના સિદ્ધાંત મુજબ કોઈ પણ કાર્ય નૈતિક ર્દષ્ટિએ યોગ્ય (right) છે કે અયોગ્ય (wrong) છે તે અંગેનો નિર્ણય તે કાર્યોનાં પરિણામો નૈતિક રીતે સારાં (good) છે કે ખરાબ (bad) છે તેને આધારે જ કરવો જોઈએ. આમ આ અભિગમમાં કાર્યનાં સારાં-ખરાબ (નૈતિક સંદર્ભમાં) પરિણામો કાર્યની યોગ્યાયોગ્યતા નક્કી કરવા માટે મહત્વનાં છે. તેથી ઉપયોગિતાવાદ એ કર્મફળવાદી કે પરિણામવાદી (consequentialist) અભિગમ છે.
કર્મફળવાદી કે પરિણામવાદી અભિગમ હોવાથી ઉપયોગિતાવાદી અભિગમ કર્તવ્યવાદી (deontological) અભિગમથી તદ્દન ભિન્ન છે. મૂળ ગ્રીક શબ્દ deon એટલે duty (કર્તવ્ય) અને તેનું શાસ્ત્ર (logos) એટલે ‘deontology’ (કર્તવ્યશાસ્ત્ર). કર્તવ્યશાસ્ત્ર ઉપર આધારિત કર્તવ્યવાદી સિદ્ધાંત મુજબ કેટલાંક કાર્ય કર્તવ્ય હોવાથી જ, તેને પોતાને ખાતર જ, સ્વયં ઇચ્છનીય અને નૈતિક રીતે શ્રેય-યુક્ત હોય છે અને તેનું શ્રેયત્વ તેનાં પરિણામો ઉપર અવલંબતું નથી; દા. ત., સત્ય બોલવાનું કર્તવ્ય લોકોના હિતમાં કે લાભમાં હોય કે તેમ ના પણ હોય તોપણ કર્તવ્ય હોવાને કારણે તે પરિણામોથી નિરપેક્ષ રીતે નૈતિક મૂલ્ય ધરાવે છે. ઉપયોગિતાવાદી સિદ્ધાંત કાર્યોનું મૂલ્યાંકન તેનાં પરિણામોને આધારે કરે છે, જ્યારે કર્તવ્યવાદી સિદ્ધાંત કર્તવ્યોનું નૈતિક મૂલ્ય તેનાં પરિણામોથી ઠરાવી ન શકાય તેવું ભારપૂર્વક સ્પષ્ટ કરે છે. જર્મન ફિલસૂફ આઇમેન્યૂઅલ કાન્ટ અને બ્રિટિશ ફિલસૂફ ડબ્લ્યૂ. ડી. રૉસનો નૈતિક ર્દષ્ટિકોણ કર્તવ્યવાદી હતો.
કોઈ પણ કાર્યોનાં પરિણામો કોને માટે ઉપયોગી (શ્રેયોરૂપ-હિતવર્ધક) છે તેને અનુલક્ષીને ઉપયોગિતાવાદના બે પ્રકારો છે : (1) અહમકેન્દ્રી (egoistic) ઉપયોગિતાવાદ અને (2) સર્વદેશીય (universal) ઉપયોગિતાવાદ. વ્યક્તિને પોતાને માટે ઉપયોગી (સારાં) પરિણામો લાવે તો અને તો જ કોઈ પણ કાર્ય નૈતિક રીતે યોગ્ય (right) ગણાય તેવો મત ‘અહમકેન્દ્રી ઉપયોગિતાવાદ’ ધરાવે છે. સર્વ વ્યક્તિઓ માટે સારાં પરિણામો લાવે તો અને તો જ કાર્યો નૈતિક રીતે યોગ્ય છે તેવો મત સર્વદેશીય ઉપયોગિતાવાદ ધરાવે છે.
કાર્યોનાં પરિણામોનું સારા-નરસાપણું શામાં રહેલું છે તેને અનુલક્ષીને પણ ઉપયોગિતાવાદના બે પ્રકારો દર્શાવવામાં આવે છે : (1) નૈતિક સુખવાદ અને (2) આદર્શ ઉપયોગિતાવાદ.
જે. બેન્થમ (1748-1839), જે. એસ. મિલ (1806-1873) અને હેન્રી સિજવીક (1838-1900) સર્વદેશીય ઉપયોગિતાવાદી તેમજ નૈતિક સુખવાદી ચિંતકો છે.
નૈતિક સુખવાદ મુજબ કેવળ આનંદ (pleasure), આનંદને ખાતર આનંદ જ ઇચ્છનીય એવું સાધ્યરૂપ સ્વત:શ્રેય (intrinsic good) છે. તેનો અર્થ એ છે કે (1) આનંદ કે આનંદદાયક અનુભવો પામવાના સાધ્યરૂપ શ્રેયના સંદર્ભમાં કેવળ સાધનરૂપ શ્રેય જ છે. ટૂંકમાં, આનંદદાયક અનુભવો સિવાય બીજું કશું તેને પોતાને ખાતર ઇચ્છનીય નથી.
ઉપયોગિતાવાદના એક પ્રકાર તરીકે રજૂ થયેલા નૈતિક સુખવાદની સામે એચ. રેશડૉલ (1858-1924) અને જી. ઈ. મૂર (1873-1958) – એ બે ચિંતકોએ ઉપયોગિતાવાદના એક બીજા પ્રકાર તરીકે ‘આદર્શ ઉપયોગિતાવાદ’ રજૂ કર્યો છે. તેને માટે ‘ideal utilitarianism’ – એ શબ્દપ્રયોગ રેશડૉલે પ્રયોજ્યો છે. જી. ઈ. મૂરે દર્શાવ્યું કે તેને પોતાને ખાતર ઇચ્છવાયોગ્ય હોય તેવી સ્વત:મૂલ્ય ધરાવતી ઘણી બાબતો અંતર્ગત મૂલ્ય ધરાવે છે. આદર્શ ઉપયોગિતાવાદ આ રીતે નૈતિક સુખવાદથી જુદો પડે છે, કારણ કે સુખવાદી બેન્થમ મુજબ કાર્યોનું મૂલ્યાંકન ‘વધુમાં વધુ લોકોના વધુ સુખ’ને આધારે કરવું, જ્યારે રેશડૉલ મુજબ કાર્યોના મૂલ્યાંકન માટે ‘વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ શ્રેય’ ધોરણ રાખવું જોઈએ.
ઉપયોગિતાવાદીઓ કર્તવ્ય કે નૈતિક યોગ્યતા(moral rightness)ના ખ્યાલો કરતાં શ્રેય(good)ના ખ્યાલને મૂળભૂત ગણે છે. આ બાબતમાં આદર્શ ઉપયોગિતાવાદી મૂર અને સુખવાદી ઉપયોગિતાવાદી બેન્થમ, મિલ વગેરે વચ્ચે સહમતી છે; પરંતુ બેન્થમ, મિલ વગેરે સુખને જ શ્રેય ગણે છે તેથી તેમની ર્દષ્ટિએ કાર્યોની યોગ્યતા તેમનાં સુખદાયક પરિણામોથી નિર્ધારિત થાય છે; જ્યારે મૂર, રેશડૉલ વગેરે માને છે કે વધુમાં વધુ શ્રેય ઉત્પન્ન થાય તે કાર્યો નૈતિક રીતે યોગ્ય ગણાય, કારણ કે સુખ સિવાય બીજી ઘણી બાબતો શ્રેય છે. બેન્થમે રાજકીય ચિંતનના સંદર્ભમાં સ્પષ્ટ કર્યું છે કે યોગ્ય (right) અને અયોગ્ય (wrong) કાર્યોનું એક જ માપ છે : ‘વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ સુખ’. કાનૂની ક્ષેત્રો તેમજ વ્યાપક લોકહિતના નિર્ણય લેવા માટે આ મહત્વનું ધોરણ છે. એટલે નૈતિક સુખવાદ રાજ્યલક્ષી ચિંતનના ક્ષેત્રે પણ ઉપયોગી છે. વ્યક્તિનાં કાર્યો કે સમાજવ્યવસ્થાઓ અને તંત્રોના વ્યવહારોને મૂલવવા માટે તેનાં પરિણામોનો જ સર્વ ર્દષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ તેવો ઉપયોગિતાવાદી અભિગમ બેન્થમે કેવળ નીતિશાસ્ત્રના ક્ષેત્ર પૂરતો એટલે કે શ્રેયના સ્વરૂપની ચર્ચા પૂરતો મર્યાદિત રાખ્યો નથી. મૂર કે રેશડૉલ કરતાં બેન્થમ અને મિલનો ઉપયોગિતાવાદ આ રીતે વધુ પ્રભાવક રહ્યો છે.
નૈતિક સુખવાદ મનોવૈજ્ઞાનિક સુખવાદથી પણ જુદો પડે છે. મનોવૈજ્ઞાનિક સુખવાદ પ્રમાણે આનંદની પ્રાપ્તિ અને પીડા કે દુ:ખમાંથી છુટકારો – એ બે જ મનુષ્યની પ્રવૃત્તિનાં સર્વોપરી અને પ્રભાવક પ્રેરક બળો (motives) છે અને તેથી બધા લોકો હકીકતમાં આનંદ કે સુખ મેળવવા માટે જ વર્તે છે. બેન્થમ જેવા કેટલાક ચિંતકોએ નૈતિક સુખવાદની સાથે મનોવૈજ્ઞાનિક સુખવાદ પણ સ્વીકાર્યો છે. મનોવૈજ્ઞાનિક સુખવાદ સામેની દલીલ એ છે કે જો તમામ મનુષ્યો હંમેશાં કેવળ આનંદપ્રાપ્તિ કે દુ:ખમુક્તિ માટે જ વર્તતા હોય અને તે સિવાય કોઈ પ્રેરણા પ્રભાવક જ ન હોય તો ‘લોકોએ આનંદ ઇચ્છવો જોઈએ’ તેમ કહેવાનો કોઈ અર્થ રહેતો નથી. ઘણા ચિંતકોએ બધા લોકો આનંદ અને માત્ર આનંદ જ ઇચ્છે છે તેવો મનોવૈજ્ઞાનિક સુખવાદનો દાવો પણ સ્વીકાર્યો નથી. આ ઉપરાંત એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે મનોવૈજ્ઞાનિક સુખવાદ હકીકતલક્ષી સિદ્ધાંત છે અને તેથી નૈતિક સુખવાદના આદર્શલક્ષી (normative) સિદ્ધાંતના ટેકામાં તેને રજૂ કરવાનો કોઈ અર્થ નથી. ‘શું છે’ તે અને ‘શું હોવું જોઈએ’ એ બે જુદી બાબતો છે.
નૈતિક સુખવાદના આધાર તરીકે મનોવૈજ્ઞાનિક સુખવાદ ન સ્વીકારીએ તોપણ એક સ્વતંત્ર સિદ્ધાંત તરીકે નૈતિક સુખવાદમાં કેટલીક મુશ્કેલીઓ નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે :
(1) કર્તવ્યલક્ષી નીતિશાસ્ત્ર પ્રમાણે સત્ય બોલવું, વચન પાળવું વગેરે કર્તવ્યો તેનાં પરિણામોથી નિરપેક્ષ રીતે નૈતિક મૂલ્ય ધરાવે છે તેથી કાર્યોનું મૂલ્યાંકન કેવળ તેમનાં પરિણામોથી જ થઈ શકે તેવો ઉપયોગિતાવાદી અભિગમ સ્વીકાર્ય નથી.
(2) કાર્યનાં આનંદદાયક પરિણામો હંમેશાં અંતર્ગત મૂલ્ય (intrinsic value) ધરાવે છે તેવો નૈતિક સુખવાદનો દાવો ટકી શકે તેમ નથી, કારણ કે ધારો કે કોઈ વ્યક્તિ બીજા લોકો પ્રત્યે ક્રૂરતા આચરીને આનંદ મેળવે તો તેવી વ્યક્તિનો આનંદ પણ સ્વત:મૂલ્ય ધરાવે છે તેમ માની શકાય નહિ.
(3) આનંદ હંમેશાં સ્વત:મૂલ્ય ધરાવે છે તે દાવો જેમ અસ્વીકાર્ય છે તેમ આનંદ સિવાય કોઈ બાબતોનું સ્વત:મૂલ્ય નથી તેવો નૈતિક સુખવાદનો અભિગમ મૂર અને રેશડૉલ જેવા આદર્શ ઉપયોગિતાવાદીઓએ પડકાર્યો છે. કારણ કે મૈત્રી, પ્રેમ, સદગુણ, કલાનો આસ્વાદ વગેરે ઘણી બાબતો તેને પોતાને ખાતર ઇચ્છવાયોગ્ય બાબતો તરીકે સ્વીકારી શકાય છે.
(4) બેન્થમે કહ્યું છે કે ઉપયોગિતા (utility) એટલે વસ્તુઓનું એવું લક્ષણ કે જેનાથી વ્યક્તિને ‘લાભ, ફાયદો, આનંદ, શ્રેય કે સુખ’ મળે છે. બેન્થમ માને છે કે લાંબા ગાળાનાં સુખ(happiness)ને તાત્કાલિક ટૂંકા ગાળાના આનંદોની હારમાળા તરીકે ગણાવી શકાય નહિ.
(5) સંખ્યાત્મક કે ઇયત્તા(quantity)ની ર્દષ્ટિએ આનંદોનું મૂલ્યાંકન કરવાનું ગણનાશાસ્ત્ર (hedonistic calculus) બેન્થમે રજૂ કર્યું છે; પણ પ્રશ્ન એ છે કે આનંદના સ્વરૂપ અંગે અને આનંદ તેમજ સુખના ભેદ અંગે કોઈ ચોખવટ ન થાય ત્યાં સુધી આપણે શેનું માપન કરીએ છીએ કે કોની તુલના કરીએ છીએ તેનો કોઈ ખુલાસો મળતો નથી. એક જ વ્યક્તિના એક ક્ષણના આનંદને તેના બીજી ક્ષણના આનંદ સાથે કયા ધોરણે સરખાવી શકાય ? એક જ પ્રકારની બાબતમાંથી વ્યક્તિઓને મળતા આનંદોની તુલના કેવી રીતે કરવી ? આ પ્રશ્નોનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ છે. બેન્થમ આનંદો વચ્ચે ગુણવત્તાના ભેદ પાડતા નથી.
(6) આનંદને તેનાં પ્રમાણોથી નહિ પણ તેની ગુણવત્તા(quality)ની ર્દષ્ટિએ ઉચ્ચાવચતા ક્રમમાં ગોઠવી શકાય છે તેવું મિલે સૂચવ્યું છે. મિલના ધોરણ મુજબ ઉચ્ચ કોટિનો ઓછા પ્રમાણમાં મળતો આનંદ નિમ્ન કોટિના વધુ પ્રમાણમાં મળતા આનંદ કરતાં પણ વધુ ઇચ્છનીય છે. અહીં પ્રશ્ન એ છે કે આનંદમાં આવો કોટિભેદ અને તેનો મૂલ્યભેદ કરવાથી આનંદ અને માત્ર આનંદ જ સ્વત:મૂલ્ય ધરાવે છે તેવો સુખવાદનો દાવો પડતો મૂકવો પડે તેમ છે અને જો ગુણવત્તાભેદ ન સ્વીકારીએ તો કોઈ પણ પ્રકારનો આનંદ સ્વત:મૂલ્યવાન ગણવો પડે, જે મિલને પોતાને માન્ય નથી.
(7) ઉપયોગિતાવાદના ‘વધુમાં વધુ લોકોના વધુમાં વધુ સુખ’ અંગેના આદર્શમાં પણ કેટલીક મુશ્કેલીઓ છે; દા. ત., છેંતાલીસ ટકા લોકોને ગુલામ અને ગરીબ રાખીને અને તેથી સરેરાશ સુખ ઘટાડીને કુલ વસ્તીના ચોપન ટકા લોકોનું સુખ વધારી શકાય તેવી વ્યવસ્થા ઉપયોગિતાવાદને માન્ય બને, પણ તે નૈતિક રીતે ઉચિત છે કે કેમ તે પ્રશ્ન તો રહે જ છે.
(8) ઉપયોગિતાવાદ પ્રમાણે કોઈ એક વ્યક્તિનું સુખ બીજી કોઈ પણ વ્યક્તિના સુખ કરતાં વધુ મહત્વનું ન હોવાથી ઉપયોગિતાવાદી ર્દષ્ટિએ સાચા સંતોનું સુખ દુષ્ટ વ્યક્તિઓના સુખ કરતાં વધુ મહત્વનું ન ગણાય તેવું ફલિત થાય છે. આ ફલિતાર્થ પણ બધાંને માન્ય નથી.
(9) સ્વહિતવાદ (egoism) અને પરહિતવાદ (altruism) વચ્ચે સમન્વય સાધવામાં ઉપયોગિતાવાદી અભિગમ નિષ્ફળ જાય છે તેવું કેટલાક સમીક્ષકોનું મંતવ્ય છે. પ્રશ્ન એ છે કે શા માટે કોઈએ પણ વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ સુખ ઇચ્છવું જોઈએ ? તેનો તર્કમાન્ય ઉત્તર ઉપયોગિતાવાદ પાસે નથી.
ઉપયોગિતાવાદના જુદા જુદા પ્રકારોમાં ઈશ્વરમીમાંસા-આધારિત ઉપયોગિતાવાદ (theological utilitarianism) અને ઉત્ક્રાંતિપરક ઉપયોગિતાવાદ(evolutionary utilitarianism)નો પણ ઉલ્લેખ આવશ્યક છે.
અંગ્રેજ ઈશ્વરમીમાંસક વિલિયમ પેઈલી(1743-1805)એ ઈશ્વરનિષ્ઠ નૈતિક સિદ્ધાંત રજૂ કર્યો. મનુષ્ય પોતાના જીવનમાં સુખ મેળવે તેવી ઈશ્વરની ઇચ્છા છે તેવું પેઈલીએ દર્શાવ્યું છે. આ સંઘર્ષમાં પેઈલીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સર્વસામાન્ય સુખ (general happiness) ઉત્પન્ન કરે તેવાં કાર્યો જ નૈતિક રીતે ઉચિત છે અને ઈશ્વરની ઇચ્છાને અનુરૂપ છે.
હર્બર્ટ સ્પેન્સરે (1820-1903) આવી તમામ ઈશ્વર-આધારિત ધારણાઓ રદ કરીને અજ્ઞેયવાદી અને ઉત્ક્રાંતિવાદી અભિગમ સ્વીકાર્યો છે. જીવન ટકાવવામાં જે વર્તન ઉપયોગી છે તે આનંદદાયક બને છે. નીતિશાસ્ત્ર આચરણનું શાસ્ત્ર છે. કાર્યોનું લક્ષ્યો સાથેનું સમાયોજન એટલે આચરણ. પર્યાપ્ત સમાયોજન સુખકારક અને અપર્યાપ્ત સમાયોજન દુ:ખકારક છે તેવું સ્પેન્સરે દર્શાવ્યું. આપણે બીજાનું હિત વિચારીએ, બીજા આપણું વિચારે એ રીતે પરસ્પર સમાયોજન થાય તો સ્વહિત અને પરહિતનો મેળ પણ બેસાડી શકાય તેવું સ્પેન્સરે સૂચવ્યું છે. સ્પેન્સરનો અભિગમ ઉત્ક્રાંતિ અને નૈતિકતાને જોડતો હોવાથી ઉત્ક્રાંતિમૂલક ઉપયોગિતાવાદ તરીકે ઓળખાય છે.
આર. એન. શેઠ