ફાર્બસ ગુજરાતી સભા : 25મી માર્ચ 1865ને દિને મુંબઈમાં ‘ગુજરાતી સભા’ને નામે સ્થપાયેલી સભા. સ્વ. મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ અંગ્રેજ ન્યાયમૂર્તિ ઍલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બ્સની મદદથી આ સભાનો પ્રારંભ કર્યો. એક કામચલાઉ બંધારણ ઘડી જાહેર સભા બોલાવાઈ. સભામાં 18 ગૃહસ્થો હાજર હતા : મન:સુખરામ સૂ. ત્રિપાઠી., ધીરજરામ દલપતરામ, કરસનદાસ માધવદાસ, કરસનદાસ મૂળજી, મંગલદાસ નાથુભાઈ, નર્મદાશંકર લાલશંકર, પ્રેમચંદ રાયચંદ, પ્રેમાભાઈ હેમાભાઈ, રણછોડભાઈ ઉદયરામ, વીરચંદ દીપચંદ, અરદેશર ફરામજી મૂસ, ધનજીભાઈ નવરોજી, ડોસાભાઈ ફરામજી કરાકા, સોરાબજી શાપુરજી, કિન્લોક ફૉર્બ્સ, ડૉ. વિલ્સન, ડૉ. ભાઉ દાજી અને વિશ્વનાથ નારાયણ મંડલિક. કિન્લોક ફૉર્બ્સ કામચલાઉ પ્રમુખ બન્યા અને મન:સુખરામ મંત્રી થયા. 31–8–1865ને દિને કિન્લોક ફૉર્બ્સનું પુણેમાં અવસાન થયું. એમની સ્મૃતિમાં ‘ગુજરાતી સભા’ સાથે એમનું નામ જોડાતાં એ ફાર્બસ ગુજરાતી સભા બની. ફાર્બસ ગુજરાતી સભા પાછળના હેતુઓ આ મુજબ હતા : (1) ગુજરાતને લગતા તેમજ ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવો અને તેમાંથી ઉચિત સંશોધન-સંપાદન કરવાં અને પ્રસિદ્ધ કરવાં; (2) સંસ્કૃત, અંગ્રેજી, પ્રાકૃત, ફારસી તેમજ બીજી ભાષાઓના શિષ્ટ અને ઉપયોગી ગ્રંથોનાં ભાષાંતર-સંપાદન કરવાં; (3) ગુજરાતી ભાષામાં રચાયેલ સ્વતંત્ર ગ્રંથોને ઉત્તેજન આપવું; (4) ગુજરાતી ઇતિહાસ, ભાષા અને સાહિત્યને લગતાં સંશોધનાત્મક પ્રકાશનો હાથ ધરવાં. સંસ્થા હાલ વિદ્યમાન અને કાર્યરત છે.
1934માં ફાર્બસ ગુજરાતી સભામાં બુદ્ધિવર્ધક પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી. નર્મદે સ્થાપેલી બુદ્ધિવર્ધક સભાની સહાયથી એ પુસ્તકાલય શરૂ થયું હતું. આજે તેમાં લગભગ 30,000 જેટલા ગ્રંથો અને જૂનાં તથા નવાં સામયિકોની ફાઇલો છે. 1,800 જેટલી લગભગ પ્રાચીન-મધ્યકાલીન હસ્તપ્રતો છે. આજે ગુજરાતી સમાજમાં એની અત્યંત મહત્વના વિરલ સંદર્ભ-ગ્રંથાલય તરીકે ગણના થાય છે.
મંજુ ઝવેરી