ફરતી મૂડી : હિસાબી નામાની પરિભાષામાં ધંધાકીય એકમની ચાલુ મિલકતો (current assets) અને ચાલુ દેવાં (current liabilities) વચ્ચેના તફાવતરૂપ ચોખ્ખી ચાલુ મિલકતો. ધંધામાં રોકાણ કરેલી મૂડીનું વિભાજન સામાન્ય રીતે સ્થાયી મૂડી (fixed capital) અને ફરતી મૂડી(circulating capital)માં કરાય છે. સ્થાયી મૂડીનો ઉપયોગ જમીન, મકાનો અને યંત્રસામગ્રી ખરીદવામાં થાય છે; જ્યારે ધંધાના રોજબરોજના પરિચાલનમાં ફરતી મૂડીનો ઉપયોગ થાય છે. ધંધાકીય પ્રણાલિકા અનુસાર માલસામગ્રી પૂરી પાડનાર પાસેથી ઉત્પાદક મોટાભાગે ઉધાર માલ ખરીદે છે. તેના ઉપર પ્રક્રિયા કરીને તૈયાર માલ બનાવે છે; તેનું મોટાભાગે ઉધાર વેચાણ કરે છે; દેવાદાર પાસેથી ઉઘરાણી દ્વારા નાણાં વસૂલ કરે છે અને તેમાંથી લેણદારને ચુકવણી કરે છે. આમ ચાલુ દેવા અને ચાલુ મિલકતોમાં સતત ફેરફાર થાય છે અને તેમનું ચક્રીય પરિવર્તન ચાલ્યા કરે છે. આ પ્રકારે મૂડીનું પરિવર્તન થતું હોવાથી તે ફરતી મૂડી કહેવાય છે. તેને કાર્યકારી મૂડી (working capital) પણ કહેવામાં આવે છે. ફરતી મૂડી ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેના તફાવત દ્વારા માપી શકાતી હોવાથી ચાલુ મિલકતો વધે અથવા ચાલુ દેવાં ઘટે તો ફરતી મૂડીમાં વધારો થાય છે. તેથી ઊલટું, ચાલુ મિલકતો ઘટે અને ચાલુ દેવાં વધે તો ફરતી મૂડીમાં ઘટાડો થાય છે. રોકડ રકમ, બૅન્ક ખાતામાંની થાપણ, દેવાદારો પાસેથી નીકળતાં લેણાં, નાણાં પ્રાપ્ત થાય તેવી હૂંડીઓ, વેચાણલાયક તૈયાર અને અર્ધતૈયાર માલ એમ રોકડ સ્વરૂપની અથવા ટૂંકમાં ઝડપથી રોકડમાં ફેરવી શકાય તેવી મિલકતો ચાલુ મિલકતો કહેવાય છે. બૅન્કો દ્વારા લીધેલું ઋણ, ટૂંકા ગાળા માટે લીધેલી થાપણો ચાલુ વર્ષના કરવેરા અને લેણદારોને કરવાનું ચુકવણું – એમ નજીકના ભવિષ્યમાં અથવા એક વર્ષથી ઓછા સમયમાં ચૂકવવાનાં હોય તેવાં દેવાં ચાલુ દેવાં કહેવાય છે. ચાલુ મિલકતો અને ચાલુ દેવાં વચ્ચેનો ગુણોત્તર ચાલુ ગુણોત્તર (current ratio) કહેવાય છે. ધંધાકીય એકમ પોતાનાં દેવાં નિયમિત ભરી શકશે કે કેમ તે સમજવા માટે આ ગુણોત્તર ઉપયોગી છે. ગુણોત્તરનો કયો આંક ઇષ્ટ ગણાય તે ભારપૂર્વક કહી શકાય નહિ; પરંતુ તે આંક એકથી ઓછો હોય તો તે ચિંતાપ્રેરક છે, કારણ કે આ પરિસ્થિતિમાં ઉત્પાદક નાદારી તરફ ઘસડાતો હોવાનો અથવા તે ગજા ઉપરાંતનો ઉધાર ધંધો કરતો હોવાનો દ્યોતક છે. તેથી ઊલટું, આ આંક એકથી વધારે હોય તો ધંધાની સંતોષજનક તંદુરસ્તી બતાવે છે. આમ છતાં, ચાલુ ગુણોત્તરના ફક્ત એક જ વર્ષના આંકના આધારે નિર્ણય લેવાને બદલે આ ગુણોત્તરનું વર્ષોવર્ષનું વલણ લક્ષમાં લઈને ફરતી મૂડીની પર્યાપ્તતા અંગે જે તે નિર્ણય લેવાય છે.
ધંધામાં ફરતી કે કાર્યકારી મૂડી કેટલા પ્રમાણમાં જોઈશે તેનાં અનુમાનો પહેલેથી કરવાં આવશ્યક છે, કારણ કે તે ધંધાને ગતિ આપનારું બળ છે. ઉત્પાદનકાર્યમાં વિક્ષેપ ઊભો ના થાય તેટલી માત્રામાં કાચી સામગ્રીનો ભંડાર જાળવવો આવશ્યક છે. કર્મચારીઓનાં વેતન, શાસનના વેરા, વીજળી-બિલ આદિના ખર્ચા વણરોક ચૂકવવાની વ્યવસ્થા કાર્યકારી મૂડી પર્યાપ્ત હોય તો જ જળવાય છે.
જયન્તિલાલ પો. જાની
બંસીધર શુક્લ