ફતેહપુર સિક્રી : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં આવેલું મુઘલ સમ્રાટ અકબરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 27° 06´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે. તે આગ્રાથી પશ્ચિમે 37 કિમી. દૂર તથા મથુરાથી દક્ષિણે રાજસ્થાન સરહદ નજીક ભરતપુરથી અગ્નિકોણમાં આવેલું છે. ત્યાં 1527માં બાબર અને રાણા સંગ્રામસિંહ વચ્ચે યુદ્ધ થયું હતું. પ્રખ્યાત મુસ્લિમ સંત મોઇયુદ્દીન ચિશ્તીની, અકબરને ત્રણ પુત્રો થશે એવી આગાહી સાચી પડ્યા બાદ અકબરે એક ટેકરી પર 11 કિમી.ના ઘેરાવામાં, 1569માં સંત સલીમ ચિશ્તીની સ્મૃતિમાં આ નગરની સ્થાપના કરી. ત્યાં ભવ્ય અને આકર્ષક ઇમારતોનું બાંધકામ 12 વર્ષ સુધી ચાલ્યું. નગરની ત્રણ બાજુએ કિલ્લાની દીવાલ અને ચોથી બાજુએ તળાવ બનાવીને તેને સુરક્ષિત કરવામાં આવ્યું. નગરના કિલ્લાને નવ દરવાજા હતા. તેનો મુખ્ય દરવાજો ‘આગ્રાનો દરવાજો’ કહેવાતો.
અહીંની ઇમારતો મુઘલ સ્થાપત્યકલાના ઉત્તમ અંશો પ્રગટ કરે છે. અહીંની ઇમારતોમાં પંચમહલ, બીબી મરિયમનો સુનહરા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જોધાબાઈનો મહેલ, બીરબલનો મહેલ, જામે-મસ્જિદ, બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીનો મકબરો વગેરે ઉલ્લેખનીય છે. પંચમહલ સ્તંભ પર આધારિત છે. તેનો દરેક મજલો ઉપર જતાં ક્રમશ: નાનો થતો જાય છે. સૌથી ઉપરના મજલે સ્તંભો પર ઘુંમટ છે.
બીબી મરિયમના મહેલની દીવાલોમાં સોનેરી રંગના પથ્થર જડેલા હોવાથી તેને સુનહરા મહલ પણ કહે છે. સજાવટ અને રચનાની ર્દષ્ટિએ તુર્કી સુલતાનનો મહેલ અહીંની ઉત્તમ ઇમારત ગણાય છે. અહીંની જામે-મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ છે. તે 181 મીટર લાંબી અને 146 મી. પહોળી છે. તેનો એક દરવાજો બુલંદ દરવાજા તરીકે પ્રસિદ્ધ છે. તે સમગ્ર ભારતમાં સ્થાપત્યનો ભવ્ય નમૂનો છે. શહેનશાહ અકબરે ગુજરાતના વિજયની સ્મૃતિમાં આ દરવાજો અન્ય દરવાજા કરતાં ઊંચો બંધાવ્યો હતો. તે 59 મી. ઊંચો છે. જોધાબાઈનો મહેલ આગ્રાના જહાંગીરી મહેલને મળતો આવે છે. એનાં સુશોભનો હિંદુ મંદિરો જેવાં છે. બીરબલનો મહેલ ઊંચા ચબૂતરા પર બાંધેલો છે. તે બેવડા ઘુંમટોને કારણે તથા રચનાની ર્દષ્ટિએ સુંદર લાગે છે. સલીમ ચિશ્તીના મકબરાનું બાંધકામ સફેદ આરસ વડે કરવામાં આવ્યું છે. તેનું મૂળ બાંધકામ લાલ પથ્થરમાં કરવામાં આવ્યું હતું. તેની દીવાલો પરનું ચિત્રકામ તથા શિલ્પકામ આકર્ષક છે.
ઉપર્યુક્ત ઇમારતો ઉપરાંત અહીં દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષભવન, દફતરખાના, ઇબાદતખાના, રંગમહેલ, હવામહેલ, દૌલતખાના વગેરે ઇમારતો આવેલી છે. અકબરે આ નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની ફેરવી, પરન્તુ પાણીની તંગીને લીધે ફરીથી રાજધાની આગ્રા લઈ જવામાં આવી હતી.
થૉમસ પરમાર
ગિરીશભાઈ પંડ્યા