પ્રતિનિવેશન (subrogation) : વીમાના વિધાનમાં વીમા કંપનીને પ્રાપ્ત થતો વિશિષ્ટ અધિકાર. ક્ષતિપૂર્તિની વિવિધ પૉલિસી અન્વયે પૉલિસીધારકને જો સૂચિત હાનિ થાય તો સંમત રકમની મર્યાદામાં તે ભરપાઈ કરવા વીમા કંપની બંધાય છે. આ સાથે જ પૉલિસીધારકને સામાન્ય ધારા હેઠળ અથવા અન્ય ધારા કે પારસ્પરિક લખાણ હેઠળ આવું નુકસાન અન્ય વ્યક્તિ કે સંસ્થા પાસેથી વસૂલ મળવાપાત્ર પણ હોય છે. હવે જો તે આવી કોઈ વસૂલાત માટે ત્રીજા પક્ષ પર પગલાં ન લે અને વીમા કંપની તેની હાણ પૂરી કરી આપે તો વીમાધારકનો આ અધિકાર વીમા કંપનીને આપમેળે પ્રાપ્ત થાય છે અને વીમાધારક વતી કંપની ત્રીજા પક્ષ પાસેથી હાનિની રકમ વસૂલ કરવા ધારાકીય પગલાં લઈ શકે છે. આ રીતે કંપની તેણે વેઠેલી ખોટ ઘટાડી શકે છે. 1883ના કેસ્ટેલન વિ. પ્રેસ્ટનના કેસમાં બ્રિટિશ ન્યાયાલયે આપેલો એક નિર્ણય આ સિદ્ધાંતનો આધાર છે. તેમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિને થયેલ હાનિ વીમા કંપની ભરપાઈ કરી આપે અને તે વ્યક્તિ ત્રીજા પક્ષ પાસેથી પણ વળતર મેળવવાપાત્ર હોય તો તેને આમ બે હાથે લાડુ ખાવા દઈ શકાય નહિ. આ અધિકાર નીચે મળતો લાભ વીમા કંપનીને મળવો જોઈએ.
વીમાક્ષેત્રે બ્રિટિશ પ્રથા ભારતમાં અપનાવાઈ છે. અપકૃત્યના સામાન્ય ધારા હેઠળ પણ નાગરિકને ક્ષતિપૂર્તિનો અધિકાર મળે છે. ઘણી વાર બે પક્ષો વચ્ચે વિશેષ સમજૂતીથી એક પક્ષ બીજા પક્ષ પાસેથી વળતરનો અધિકાર પ્રાપ્ત કરે છે. વીમાની વિવિધ પૉલિસીઓ–અકસ્માતની, સાગર-પરિવહનની, કર્મચારી દ્વારા સંભવિત વિશ્વાસઘાતની આદિ – હેઠળ વીમાધારકને નિર્દિષ્ટ કાર્ય સુપેરે સંપન્ન થવા સામે અવરોધોની સંભાવનાને લક્ષમાં લઈને રક્ષણ પૂરું પાડવા વીમા કંપની તૈયાર થાય છે. અહીં વીમાધારક તેને થતા નુકસાનની રકમ જેટલું જ વળતર મેળવવાની પાત્રતા ધરાવે છે. આથી વીમાધારકનો ત્રીજા પક્ષ પાસેથી વળતર મેળવવાનો અધિકાર તેના પૂરતો અર્થહીન બની જાય છે; પણ, તેના બદલે જો વીમા કંપની તે અધિકારનો ઉપયોગ કરી શકે તો તે તેની ખોટ એટલે અંશે ઘટાડી શકે છે. સામાન્ય સંજોગોમાં વીમા કંપની વીમાની રકમ ચૂકવી દે તે પછી તેને આ અધિકાર પ્રાપ્ત થાય છે; પરંતુ, વ્યવહારમાં વીમા કંપનીઓ વીમાની પૉલિસીમાં પ્રતિનિવેશન વિશે વિશેષ કલમ ઉમેરીને વીમાધારકને કંપનીની અનુમતિ વિના કશી જવાબદારી માથે લેવા અંગે નિષેધ કરે છે; વીમાધારક સામેના દાવાને પોતાની સામેનો ગણીને રક્ષણ માટે ધારાકીય પગલાં લેવાનો અધિકાર પ્રતિપાદિત કરે છે; વીમાધારક વતી વળતર માટે ધારાકીય પગલાં લેવાનો અધિકાર પ્રતિપાદિત કરે છે; ઉદા. એક વેપારી હલકી ગુણવત્તાવાળો માલ વેચવા બદલ ગ્રાહકને નુકસાની આપવા વીમા કંપની પાસે દાવો મૂકે ત્યારે આવો માલ વેપારીને આપવા બદલ મૂળ ઉત્પાદક પાસેથી નુકસાની મેળવવાનો વેપારીનો અધિકાર આપમેળે વીમા કંપની પ્રાપ્ત કરી લે છે.
મોટર અકસ્માતના વીમામાં પ્રતિનિવેશનનું વિશેષ મહત્વ છે; કારણ કે અહીં ઘણી વાર ત્રીજા પક્ષની નિષ્કાળજી જેવું કારણ જોવા મળે છે. કર્મચારીઓ પ્રત્યે માલિકના ઉત્તરદાયિત્વમાં આ સિદ્ધાંતનું ચલણ નહિ જેવું છે.
આમ છતાં, કોઈ કર્મચારીની બેદરકારી કારણરૂપ હોય ત્યાં આ અધિકાર પ્રાપ્ત થાય છે. કેટલીક વાર સંજોગો અનુસાર વીમાધારક પાસેથી કંપનીને તેના નામથી ધારાકીય પગલાં લેવાની સંમતિ આપતો છૂટો પત્ર લખાવી લેવાય છે. દુર્ઘટનામાં નુકસાન પામેલી સંપત્તિ વળતર ચૂકવ્યા પછી વીમા કંપની પોતાને હસ્તક લઈ શકે છે. જોકે તે સાથે કેટલીક આનુષંગિક જવાબદારીઓ પણ આવે છે. એટલે એવા પ્રસંગે વીમા કંપની સંપત્તિ લઈ લેવાનો અધિકાર વાપરતી નથી. વળી, જ્યાં પૂર્ણ હાનિ ન હોય – આંશિક હાનિ થઈ હોય ત્યાં પણ આ અધિકાર પ્રાપ્ત થતો નથી. વીમાની રકમ અને સંપત્તિના મૂલ્ય વચ્ચે મેળ ન હોય, એ વધારે કે ઓછું હોય ત્યારે પણ કેટલાક નિયમો લાગે છે. તે જ પ્રમાણે, જો વીમાધારકે ક્ષતિપૂર્તિની જવાબદારીમાંથી અન્ય કોઈ પક્ષને કરાર દ્વારા મુક્તિ આપી હોય તો તે વિશે પૉલિસી લેતા પહેલાં વીમા કંપનીને તેની જાણ કરવી જોઈએ. પૉલિસીની અવધિ દરમિયાન જવાબદારીમાં વધઘટ થાય તો તેની પણ જાણ કરવી અનિવાર્ય હોય છે.
જીવનવીમો ક્ષતિપૂર્તિનો વીમો નહિ હોવાથી તેમાં તથા વ્યક્તિગત દુર્ઘટનાના વીમામાં આ અધિકાર વીમા કંપનીને પ્રાપ્ત થતો નથી.
વીમા સંબંધી સામાન્ય ધારામાં આ સ્પષ્ટતા છે. 1998માં એક વિવાદ સંબંધે નિર્ણય આપતાં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે પણ તેને પુષ્ટિ આપેલી છે; ઉદા., એક વ્યક્તિને માર્ગદુર્ઘટનામાં સામા પક્ષ પાસેથી ક્ષતિપૂર્તિમાં ધારો કે બે લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. આ પ્રસંગે તે વ્યક્તિના અંગત દુર્ઘટનાના વીમા હેઠળ મળવાપાત્ર પાંચ લાખ રૂપિયામાંથી વીમા કંપની પહેલાં વીમાધારકને ચૂકવાયેલા બે લાખ રૂપિયા કાપી લઈ શકે નહિ.
બંસીધર શુક્લ