હક્સલી, જુલિયન (Sir Julien Huxley) (જ. જૂન 1887, લંડન; અ. 14 ફેબ્રુઆરી 1975, લંડન) : પ્રખર અંગ્રેજ જીવવિજ્ઞાની અને જાણીતા માનવશાસ્ત્રી. તેમણે પક્ષીવિદ્યા(ornithology)માં સંશોધનકાર્ય કર્યું હતું. પ્રાણીવિકાસનો પ્રાયોગિક વિશ્લેષણ દ્વારા અભ્યાસ કરી, શરીરનાં અંગોની વૃદ્ધિના દર અને વિકાસની પ્રક્રિયાનું ગણિતના પાયા ઉપર તેમણે અર્થઘટન કર્યું અને તે બંને વચ્ચેના સંબંધો સ્થાપિત કર્યા (1946). ગર્ભવિદ્યાના આધુનિક વિકાસક્ષેત્રમાં, વર્ગીકરણક્ષેત્રમાં, પ્રાણીવર્તનશાસ્ત્ર (science of animal behaviour) અને ઉત્ક્રાંતિવાદ જેવા વિષયોમાં મૂળભૂત સંશોધન કરી તેમણે પોતાની આગવી પ્રતિભા ઉપસાવી હતી.
સર જુલિયન હક્સલી વિશ્વવિખ્યાત જીવવિજ્ઞાની ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવન-ચરિત્ર-લેખક તેમજ ભાષાશાસ્ત્રી લિયૉનાર્ડ હક્સલીના સૌથી મોટા પુત્ર થાય. તેમના નાના ભાઈ આલ્ડસ લિયૉનાર્ડ હક્સલી (1894–1963) પણ પ્રખ્યાત ચિંતક અને લેખક હતા. આમ ઇંગ્લૅન્ડના આ હક્સલી કુટુંબનું વિજ્ઞાન, તત્વજ્ઞાન, માનવશાસ્ત્ર ને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં ખૂબ મહત્વનું પ્રદાન રહ્યું છે.
જુલિયન હક્સલીએ ઑક્સફર્ડ રીસ (Rice) યુનિવર્સિટીમાં, હોસ્ટન યુનિવર્સિટીમાં, કિંગ્ઝ કૉલેજમાં અને લંડન યુનિવર્સિટીમાં અધ્યાપનનું કાર્ય કર્યું હતું. 1927માં એક પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા પછી સંશોધન અને લખાણના કાર્યમાં પ્રવૃત્તિશીલ રહ્યા. તેમનાં ઉત્ક્રાંતિ વિશેનાં લખાણો ખૂબ ખ્યાતિ પામ્યાં. તેમણે માનવવિકાસના સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક તથા સાંસ્કૃતિક પાસાં વિશેની કેટલીક મહત્વની રજૂઆત કરી તેથી તેઓ એક માનવશાસ્ત્રી તરીકે પણ જાણીતા થયા. તેમણે માનવીને સંસ્કૃતિનો સર્જક છે તેમ સ્પષ્ટપણે દર્શાવ્યું. માનવ-ઉત્ક્રાંતિમાં ‘જૈવકીય બાબત કરતાં માનવ-મન વિકાસની સ્થિતિનું મહત્વ વધુ છે’ એવું તેઓ માનતા હતા. માનવવિકાસમાં ‘કુદરતી પસંદગી’ (natural selection) એ મહત્વનું પાસું છે; પરંતુ તેણે માનવ-ઉત્ક્રાંતિના ક્રમને નિયંત્રિત કર્યો છે તેમ તેઓ માનતા હતા. આમ તેમણે ‘જીવન ટકાવી’ રાખવા કરતાં પશુત્વમાંથી મનુષ્યત્વ તરફની ગતિના તબક્કાનું વિકાસપ્રક્રિયામાં માનસિક ગુણવત્તાના તત્વનું મહત્વ વધુ છે તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો.
જુલિયન હક્સલી
ઉત્ક્રાંતિની વિચારધારામાં સતત ચર્ચાતા એવા પ્રજાતિ (race) અંગેના વિચારની તેમણે ભારે ટીકા કરી છે. ‘race’ને બદલે ‘એથ્નિક જૂથ’ (ethnic group) શબ્દપ્રયોગ અપનાવવો જોઈએ એવું એમનું સૂચન હતું. આ ઉપરાંત હક્સલીએ વર્ષો સુધી વસ્તી-નિયંત્રણ વિશેની જોરદાર રજૂઆત કરી. તે સંદર્ભમાં ‘આયોજિત પિતૃત્વ’ અને ‘સુપ્રજનન’ (eugenics) વિશેની તેમણે ભારપૂર્વક હિમાયત કરી.
તેમનાં નોંધપાત્ર લખાણોમાં (i) ‘એસેઝ ઑવ્ બાયૉલૉજિસ્ટ’ (1923), (ii) ‘ધ સાયન્સ ઑવ્ લાઇફ’ (એચ. જી. અને જી. પી. વેલ્સની સાથે, 1929–30), (iii) ‘પ્રૉબ્લમ્સ ઑવ્ રિલેટિવ ગ્રોથ’ (1932), (iv) ‘એલિમેન્ટ્સ ઑવ્ એક્સપેરિમેન્ટલ એમ્બ્રિયૉલૉજી’ (જી. આર. દ’ બેરની સાથે, 1934), (v) ‘ધ યુનિકનેસ ઑવ્ મૅન’ (1942), (vi) ‘ઇવૉલ્યૂશન : ધ મૉડર્ન સિન્થેસિસ’ (1942), (vii) ‘મૅન ઇન ધ મોડર્ન વર્લ્ડ’ (1947), (viii) ‘ધ હ્યુમેનિસ્ટ ફ્રેમ’ (સંપાદિત – 1961) અને (ix) ‘એસેઝ ઑવ્ અ હ્યુમેનિસ્ટ’(એચ. બી. કેટલ વેલની સાથે, 1964)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે કાવ્યો પણ લખ્યાં છે.
‘આયોજિત પિતૃત્વ’ અને ‘સુપ્રજનન’ અંગેનાં લખાણોને લઈને તેમને લાસ્કર (Lasker) ઍવૉર્ડ 1950માં આપવામાં આવ્યો હતો. તેઓ યુજેનિક્સ સોસાયટીના પ્રમુખ પણ થયા હતા. હક્સલી પ્રખર જીવશાસ્ત્રી હોવા ઉપરાંત માનવ-મનના વિકાસની બહુ મહત્વની રજૂઆત કરનારા એક માનવશાસ્ત્રી પણ હતા. યુનેસ્કોની સ્થાપનામાં તેમણે મદદ કરી હતી અને 1946માં તે તેના ડિરેક્ટર જનરલ તરીકે પણ ચૂંટાયા હતા. 1958માં તેમને ‘સર’નો ખિતાબ મળ્યો હતો.
અરુણ ધોળકિયા
અરવિંદ ભટ્ટ