સોમશર્મા (1) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ 1લા(ઈ. સ. 1022થી 1064)ના પુરોહિત. તેઓ સોમ અથવા સોમેશ્વર તરીકે પણ જાણીતા હતા. તેમના કુલમાં સોમેશ્વરદેવ સુપ્રસિદ્ધ સાહિત્યકાર થઈ ગયા. તેમણે ‘સુરથોત્સવ’ મહાકાવ્યના છેલ્લા સર્ગમાં પોતાના પૂર્વજોનો વૃત્તાંત આપ્યો છે. તે મુજબ વડનગરના વસિષ્ઠ ગોત્રના ગુલેચા કુલમાં સોલશર્મા નામે ઋગ્વેદી બ્રાહ્મણ થયો. સોલશર્માના કુલને ચૌલુક્ય (સોલંકી) રાજવંશ સાથે ત્રણ સદી જેટલા લાંબા સમયથી સતત સંબંધ હતો.
સોમશર્માએ દુર્લભરાજ(ઈ. સ. 1010–1022)ના સમયમાં સુવિહિત જૈન સાધુઓને અણહિલવાડમાં વસવાટ કરવા દેવા માટે રાજાને ભલામણ કરી હતી. દુર્લભરાજનો પુરોહિત મુંજ 1લો સોમશર્માનો પિતા હતો. સોમના પુત્ર આમશર્માએ ‘સમ્રાટ’ એવી યાજ્ઞિકી પદવી મેળવી હતી. તેમણે શિવાલયો તથા સરોવરો બંધાવ્યાં હતાં.
અરુણ વાઘેલા