સેઝાં, પૉલ – [. 19 જાન્યુઆરી 1839, આઇએંપ્રોવાન્સ (Aix-en-Provence), ફ્રાન્સ; . 22 ઑક્ટોબર 1906, આઇએંપ્રોવાન્સ, ફ્રાન્સ] : સમગ્ર આધુનિક ચિત્રકલા અને શિલ્પકલાને દિશાસૂચન કરનાર પ્રભાવવાદી-ઘનવાદી ફ્રેન્ચ ચિત્રકાર. વીસમી સદીની કલાના તેઓ પિતામહ ગણાય છે. એમણે મુખ્યત્વે ચાર પ્રકારે ચિત્રસર્જન કર્યું છે : 1. નિસર્ગચિત્રો (landscapes); 2. નિસર્ગમાં વિહરતાં નગ્ન સ્ત્રી-પુરુષોનાં જૂથોનાં ચિત્રો; 3. વ્યક્તિચિત્રો (portraits) અને 4. પદાર્થચિત્રો (still lives).

એમનાં ચિત્રોના રંગો તીવ્ર હોવા છતાં આંખોને ખટકતા નથી, એ તેમની આગવી વિશેષતા છે.

પૉલ સેઝાંનું આત્મચિત્ર

એક ખાનદાની ધનાઢ્ય પરિવારમાં સેઝાંનો જન્મ થયેલો. પિતા શ્રીમંત વેપારી અને બૅંકર હતા. પિતાના બૅન્કિંગના વ્યવસાયમાં જોડાવા માટે સેઝાં એઈ ખાતેની બૂર્બોં (Bourbon) કૉલેજમાં શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી ત્યાંની જ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરવા માટે દાખલ થયા; પરંતુ કાયદા અને વેપારમાં તેમનું ચિત્ત ચોંટ્યું જ નહિ. આખરે કંટાળીને બે વરસની ગડમથલ પછી પોતે ચિત્રકલાનો અભ્યાસ કરે એ માટે તેઓ પિતાને રાજી કરી શક્યા. 1861માં બાવીસ વરસની ઉંમરે તેઓ પૅરિસ ખાતેના એતેલિયે સૂસિ (Atelier Suisse) સ્ટુડિયોમાં કલાના અભ્યાસ માટે દાખલ થયા. અહીંના વાતાવરણ અને માહોલમાં સેઝાં ગોઠવાઈ શક્યા નહિ; પરંતુ બાળપણના લંગોટિયા ભાઈબંધ અને પ્રસિદ્ધ ફ્રેન્ચ લેખક એમિલ ઝોલાના નૈતિક પીઠબળ અને હૂંફ વડે તેઓ ત્યાં માત્ર પાંચ મહિના ટકી શક્યા. ઘેર પાછા ફરી પિતાના બૅન્કિંગના વ્યવસાયમાં જોડાવાનો તેમણે નિર્ધાર કર્યો અને તેમાં એક વરસ બગાડ્યું. વળી પાછો ચિત્રકાર બનવાનો મક્કમ સંકલ્પ કર્યો અને સેઝાં પૅરિસ આવ્યા. પૅરિસમાં આ સમયે કલાકારોનો સંઘર્ષ ચાલી રહ્યો હતો. એક પક્ષે નવપ્રશિષ્ટ ચિત્રકારો જાક લૂઈ દાવિદે (Jacque Louis David) ચીંધ્યા માર્ગે પ્રાચીન ગ્રેકોરોમન વિષયોને પીંછીના અત્યંત સુંવાળા લસરકા વડે ચિત્રિત કરી રહ્યા હતા તો સામે પક્ષે રંગદર્શી ચિત્રકાર યુજિન દેલાક્રવા (Eugene Delacroix) અને વાસ્તવદર્શી ચિત્રકાર ગુસ્તાવ કૂર્બે(Gustave Courbe)થી પ્રભાવિત ચિત્રકારો માને, પિસારો, મોને, રેન્વા દેગા અને અન્ય ભારેખમ વિષયોને ફગાવીને દૃશ્યમાન જગતના વાતાવરણનું પ્રભાવવાદી ઢબે આલેખન કરી રહ્યા હતા. સેઝાં આ જૂથ તરફ આકર્ષાયા. સેઝાંની માફક એ બધા પણ એ વખતે 20થી 30 વરસની ઉંમરના હતા. આ પ્રભાવવાદી યુવા ચિત્રકારોના પ્રભાવ હેઠળ સેઝાંએ ઘેરા રંગો અને પ્રકાશછાયાની તીવ્ર સહોપસ્થિતિનાં આલેખનોનો ત્યાગ કરી હળવા-આછા રંગો અપનાવ્યા. હવે તેમણે પ્રભાવવાદી ઢબે નિસર્ગચિત્રો, પદાર્થચિત્રો અને વ્યક્તિચિત્રો આલેખ્યાં. આ ઉપરાંત દેલાક્રવાની માફક હવામાં ઊડતા હોય તેવા પીંછીના મુક્ત લસરકા વડે નિસર્ગની પશ્ચાદભૂમાં નગ્ન સ્ત્રી-પુરુષોને આલેખવાં શરૂ કર્યાં.

1870માં ફ્રાન્કો-જર્મન યુદ્ધ ફાટી નીકળતાં સેઝાં પ્રોવાન્સ પાછા ફર્યા. સાથે એમની પ્રેમિકા મેરી-હોર્તેન્સ ફિકે(Marie-Hortense Fiquef)ને પણ લેતા ગયા. 1869માં એ બંને પ્રેમમાં પડેલાં અને હંમેશાં સહજીવન જીવ્યાં; પણ બંનેએ પરસ્પર લગ્ન સોળ વર્ષે પિતાના મૃત્યુ પછી કર્યાં. 1871માં ફિકે સાથે સેઝાં દક્ષિણ ફ્રાન્સમાં ઍટલૅન્ટિક સમુદ્ર નજીક ઈસ્તાક (Estaque) ખાતે જઈ વસ્યા. અહીં ચોમેર રમણીય વનરાજિ પથરાઈ હતી, તેથી નિસર્ગચિત્રો સર્જવા માટે સેઝાંને યોગ્ય પ્રેરણા-વિષય મળી રહ્યા. 1873માં સેઝાંને પ્રસિદ્ધ પ્રભાવવાદી ચિત્રકાર કૅમિલે પિસારો સાથે મિત્રતા થઈ. પિસારો સાથે તે ઓઈસે નદીની ખીણમાં પૉન્તૉઈસે (Pontoise) ખાતે જઈ રહ્યા. પિસારો પાસેથી સેઝાં પ્રભાવવાદી રંગલેખનની પદ્ધતિઓ શીખ્યા. બંને જણાં ત્રણેક વરસો સુધી કૅન્વાસ લઈ નિસર્ગમાં નીકળી પડતા અને ખુલ્લામાં ચિત્રકામ કરતા; પરંતુ ધીમે ધીમે સેઝાંનો રસ પ્રભાવવાદમાંથી ઊડી ગયો. માત્ર વાતાવરણ અને પ્રકાશની નિસર્ગ પર થતી અસરો, જે પ્રભાવવાદનો મુખ્ય વિષય હતી તેમાં સેઝાંને મર્યાદા જણાઈ. સેઝાંને સ્વયં અનુભૂતિ કે પ્રેરણા થઈ કે નિસર્ગના મૂળભૂત ઘટકોને તેમના મૂળભૂત વજૂદ સાથે વજનદાર રીતે નિરૂપવા તે જ ચિત્રકલાનો મકસદ હોઈ શકે. પરિણામે 1876થી સેઝાંએ પ્રભાવવાદી પદ્ધતિએ ચિત્રણા કરવી બંધ કરી. તેનાં હવે પછીનાં ચિત્રોમાં નિસર્ગમાં રહેલા પદાર્થોના મૂળભૂત ઘટકોને ઉજાગર કરવાનું વલણ પ્રગટ્યું, જે ઘનવાદનું આરંભબિંદુ ગણાયું.

પ્રભાવવાદીઓથી છૂટા પડતાં અગાઉ સેઝાંએ પ્રભાવવાદીઓના પહેલા પ્રદર્શનમાં પૅરિસ ખાતે 1874માં તેમજ પ્રભાવવાદીઓના બીજા પ્રદર્શનમાં પૅરિસ ખાતે 1877માં પોતાનાં થોડાં ચિત્રો પ્રદર્શિત કરેલાં. પ્રભાવવાદીઓથી છૂટા પડવા છતાં સેઝાંએ પિસારો, મોને અને રેન્વા સાથે મિત્રતા ચાલુ રાખી. એ બધા જ માટે સેઝાં છેક સુધી અપાર આદર ધરાવતા રહ્યા. પ્રભાવવાદીઓનાં ચિત્રો વેચાવાં શરૂ થયાં, પણ સેઝાંનાં ચિત્રો વિક્તોર કોકે (Victor Cocquet) નામના એક માણસ સિવાય કોઈ ખરીદતું નહિ. આ પરિસ્થિતિમાં પિતા સામે હાથ ફેલાવવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો અને સેઝાંએ બદલામાં રાક્ષસી સ્વભાવના ક્રોધી પિતાનો ગુસ્સો ખમી ખાવા સિવાય કોઈ છૂટકો નહોતો.

જનતાનાં પોતાનાં ચિત્રો પ્રત્યેના ઠંડા પ્રતિભાવથી દુ:ખી થઈ સેઝાંએ પૅરિસની મુલાકાતો લેવી બંધ કરી અને ત્યાંના ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકાર મિત્રોથી તેઓ અળગા થઈ ગયા. સાહિત્યકાર એમિલ ઝોલા સાથેની લાંબી મૈત્રી પણ તેમણે તોડી નાખી. ઝોલાના લોકભોગ્ય સાહિત્ય સામે સેઝાંનો વિરોધ હતો, વધારામાં ઝોલાની એક કલ્પનોત્થ ગદ્યકૃતિમાં એક નિષ્ફળ ચિત્રકારના પાત્રમાં પોતાનું પ્રતિબિંબ દેખાતાં સેઝાં ખિન્ન થયેલા.

1978થી ભવ્ય નિસર્ગચિત્રો આલેખવાનું સેઝાંએ શરૂ કર્યું. આ શ્રેણીમાંનું પહેલું ચિત્ર હતું લે’સ્તેક (L’Estaque). રંગોના પારદર્શક લસરકાઓ વડે શાંત નિસર્ગને તેમાં વાસ્તવિકતા કરતાં પણ વધુ ઊંડાણપૂર્વક આલેખવામાં આવેલ છે. વાદળો, વૃક્ષો, પર્વતો, ખડકો, ભેખડો જેવી નૈસર્ગિક આકૃતિઓ આ ચિત્રોમાં દડા, નળાકાર, શંકુ, પિરામિડ અને ઘન જેવા ભૌમિતિક આકારોમાં આલેખાઈ છે. પ્રભાવવાદી ચિત્રકારોથી વિરુદ્ધ સેઝાંને માત્ર પ્રકાશ-છાયાની રમતથી સંતોષ નહોતો. તે તો સમગ્ર પ્રકૃતિ પાછળ ગોપિત રહેલ રચનાત્મક ડિઝાઇનને પકડવા મથી રહ્યા હતા અને તેથી જ તેમણે મૂળભૂત ભૌમિતિક આકારોને વિદ્યમાન/સ્પર્શજન્ય વિશ્વના ઘટકોના પાયા તરીકે આ ચિત્રોમાં આલેખ્યા. નિસર્ગચિત્રોની આ શ્રેણીમાં આ પ્રકારનો વિશ્લેષણાત્મક અભિગમ ઘણો સ્પષ્ટ બને છે. તેમાં પર્વત મોં સેન્ટ-વિક્તોર (Mont Saint-Victore) ચિત્રો પણ છે. આ જ અભિગમ વડે સેઝાંએ વ્યક્તિચિત્રોની શ્રેણી આલેખી. તેમાં પત્ની, પુત્ર, મિત્રો, માળી, નોકર, રસોઇયો આદિને આલેખ્યાં; પણ આ ચિત્રોમાં જે તે મૉડલના વ્યક્તિત્વની લાક્ષણિકતાને ઉજાગર કરવાને બદલે સેઝાંએ મૉડલના ચહેરા અને શરીરનું ભૌમિતિક વિશ્લેષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વ્યક્તિચિત્રોમાં ‘વુમન વિથ એ કૉફી-પૉટ’ ઉપચિત્રશ્રેણીમાં કૉફીના કુંજા સાથેની મહિલાનાં પાંચ ચિત્રો, પત્તા રમનારાં પુરુષોની ઉપશ્રેણી ‘ધ કાર્ડ પ્લેયર્સ’, ચેસ રમતા પુરુષોની ઉપશ્રેણી ‘ધ ચેસ પ્લેયર્સ’ તથા પોતાની પત્નીને આલેખતું ‘મેડમ સેઝાં ઇન અ યલો આર્મચૅર’ શ્રેષ્ઠ ગણાયાં છે. ભૌમિતિક વિશ્લેષણના આ જ અભિગમ વડે સેઝાંએ 200થી પણ વધુ પદાર્થચિત્રો (still lives) આલેખ્યાં. તેમાં સફરજન, રામફળ (pair), નારંગી, ટેબલક્લૉથ, પાણીના કુંજા, દારૂની બાટલીઓ અને માનવખોપરીઓની વિવિધ ગોઠવણીઓથી અદભુત સંતુલનો સર્જ્યાં.

1886માં પિતાનું મૃત્યુ થતાં સેઝાં અઢળક સંપત્તિના માલિક બન્યા અને તેમની નાણાકીય ને આર્થિક મુશ્કેલીઓનો અંત આવ્યો. હવે જ તેમણે અઢાર વરસ જૂની પ્રેમિકા મેરી-હૉર્તોન્સ સાથે લગ્ન કરીને પુત્રને કાયદેસરતા બક્ષી. હવે તેમણે એઈ, પૅરિસ, ફૉન્તેનેબ્લો (Fontainebleau) તથા સ્વિટ્ઝર્લૅન્ડમાં જિવર્ની (Giverny) અને જુરા(Jura)ની વખતોવખત મુલાકાત લેવી શરૂ કરી. 1894માં શિલ્પી ઑગસ્તે રોદાં (Auguste Rodin) સાથે તેમની મુલાકાત થઈ.

1895માં કલાવેપારી(art-dealer)એ સેઝાંના પ્રથમ વૈયક્તિક પ્રદર્શનનું આયોજન કર્યું, જેમાં સેઝાંનાં સૌથી વધુ કૅન્વાસ પ્રદર્શિત થયાં. દુર્ભાગ્યે, જનતાએ તેમાં કોઈ જ રુચિ દાખવી નહિ; માત્ર પ્રભાવવાદી ચિત્રકારો, ઊગતા બીજા કલાકારો અને ગણ્યાગાંઠ્યા કલાચાહકોએ આ પ્રદર્શનને ઉત્સાહપૂર્વક વધાવ્યું.

1890થી 1905 દરમિયાન સેઝાંએ મોં સેન્ટ-વિક્તોર પર્વતને આલેખતાં નવાં દસ ચિત્રો ચીતર્યાં. લાલ બંડી પહેરેલા છોકરાને આલેખતાં ત્રણ ‘બૉય ઇન અ રેડ વેઇસ્ટ-કોટ’ ચિત્રો ચીતર્યાં. ફ્રેન્ચ બરોક-ચિત્રકાર પુસોં(Poussin)માંથી પ્રેરણા પામી નિસર્ગમાં વિહાર કરતાં નગ્ન સ્ત્રી-પુરુષોનાં જૂથોનાં પ્રશિષ્ટ વિષયને આલેખતાં બેતાલીસ ચિત્રોની શ્રેણી પણ સર્જી. સેઝાંના અતડા અને આળા સ્વભાવને કારણે તેમને સહેલાઈથી મૉડલ મળતાં ન હતાં અને તેથી કુટુંબીજનો અને નોકરો વડે ચલાવવું પડતું હતું. ત્યાં વળી ખુલ્લામાં કુદરતમાં બધાં કપડાં ઉતારીને જરૂરી મુદ્રા (pose) આપવા માટે કોણ તૈયાર થાય ? આથી નગ્ન (nude) ફોટોગ્રાફો અને કલ્પનાથી સેઝાંએ કામ ચલાવ્યું. 1897માં માતાના મૃત્યુથી સેઝાં અવસાદગ્રસ્ત થઈ ગયા. 1899માં નકારી કાઢવામાં આવેલાં ચિત્રો માટેની ગૅલેરી(પૅરિસ ખાતેની)માં ‘Salon des Independant’માં તથા 1900માં પૅરિસ ખાતે એક્સ્પોઝિશન યુનિવર્સલમાં સેઝાંએ વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં અને તેમની એક દ્રષ્ટા તરીકે મોટી નામના થઈ. હવે ધીરે ધીરે તેમનાં ચિત્રો વેચાવાં શરૂ થયાં; છતાં એમની એકલવાયી પ્રકૃતિ – અતડો અને આળો સ્વભાવ તો યથાવત્ જ રહ્યો.

જીવનનાં છેલ્લાં વરસોમાં સેઝાં મધુપ્રમેહથી પીડાતા હતા. 1906માં એક ખેતરમાં બેસી નિસર્ગચિત્ર આલેખી રહ્યા હતા ત્યારે ઠંડી લાગવાથી ન્યુમોનિયા લાગુ પડ્યો અને તેઓ મૃત્યુ પામ્યા.

ઐતિહાસિક, ધાર્મિક તથા પૌરાણિક પ્રસંગચિત્રો આલેખનાર રંગદર્શી ચિત્રકારોને ધિક્કારનાર સેઝાંના હાથમાં ચિત્રકલા એ એક કથનાત્મક માધ્યમ નહિ પણ એક વિશ્લેષણાત્મક માધ્યમ બને છે. પ્રકૃતિમાં ગતિમાન નગ્ન સ્ત્રી-પુરુષોનાં તેમનાં આલેખનોની ભવ્યતામાં ઘણા રસદર્શકોને ગૉથિક કૅથીડ્રલોના સ્થાપત્યની ઝાંખી થાય છે. સેઝાંના મૃત્યુ પછી તેમના સર્જનમાંથી પ્રેરણાપાન કરી પાબ્લો પિકાસો અને જુવાન ગ્રિસે ઘનવાદી (cubist) કલાની પ્રતિષ્ઠા કરી. આ રીતે આધુનિક કલાના આરંભકર્તા કે પ્રેરણાદાતા દ્રષ્ટા-ચિત્રકાર તરીકે સેઝાંની મોટી પ્રતિષ્ઠા છે. સેઝાંનાં ચિત્રોનો સૌથી મોટો સંગ્રહ રશિયાના સેંટ પીટર્સબર્ગ શહેરમાં હર્મિતાજ મ્યુઝિયમમાં છે.

અમિતાભ મડિયા

કનુ નાયક