સૂક્ષ્મસ્તર-રચના (Lamination)
January, 2008
સૂક્ષ્મસ્તર–રચના (Lamination) : જળકૃત ખડકસ્તરમાં જોવા મળતી તદ્દન પાતળાં પડોમાં ગોઠવાયેલી સંરચના. વિશેષે કરીને તે શેલ જેવા સ્તરોમાં જોવા મળતી હોય છે. ખડકસ્તરના બંધારણમાં રહેલાં સમાંગ કણકદવાળાં ખનિજ ઘટકો વારાફરતી પડ-સ્વરૂપે વ્યવસ્થિતપણે ગોઠવણી પામેલાં હોય ત્યારે આ પ્રકારની સૂક્ષ્મસ્તર-રચના તૈયાર થાય છે. તેને પડરચના પણ કહે છે. આવાં પડની જાડાઈ 1 મિમી.થી પણ ઓછી હોય છે. આ પ્રકારની પડગોઠવણીને કારણે પ્રત્યેક પડને ભૌતિક રીતે છૂટા પાડવાનું સરળ બની રહે છે. આવી કાગળવત્ પાતળી પડરચના શેલખડકની લાક્ષણિકતા ગણાય છે, તેમ છતાં દરેક શેલખડકમાં તે હોવી જ જોઈએ એ જરૂરનું નથી. તે ચપટાં મૃદખનિજો કે પતરીમય અબરખ જેવાં ખનિજો એક તલસપાટીમાં ગોઠવાવાથી ઉદભવે છે. સૂક્ષ્મ સળંગ પડરચના પ્રવાહ પ્રસ્તર કે તરંગચિહન રહિત હોય તો તે ઊંડા, શાંત, સ્થિર જળમાં થયેલી નિક્ષેપ જમાવટનું સૂચન કરે છે અને મૃણ્મય પ્રકારનો નિક્ષેપ હોવાનો નિર્દેશ કરે છે. પવનથી ઊડીને આવેલી સૂક્ષ્મ રજ સમુદ્રજળમાં પડ્યા પછી ધીમે ધીમે તળિયે બેસતી જઈને જમાવટ પામ્યાની ઉત્પત્તિસ્થિતિનો ખ્યાલ આપે છે. સૉલ્ટ રેઇન્જની કૅમ્બ્રિયન રચનાના ખડકસમૂહમાંના મૅગ્નેશિયન રેતીખડકોમાંના થોડાક સ્તરો (25 મિમી.ની જાડાઈમાં 100 જેટલાં પડ ગણી શકાય એવા) આ પ્રકારની અતિસૂક્ષ્મ સ્તરરચનાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
શેલમાં સૂક્ષ્મસ્તર-રચના (પડરચના)
ક્યારેક કેટલાક અગ્નિકૃત ખડકોમાં સ્પષ્ટ રીતે અલગ પડતાં હોય એવાં લાક્ષણિક પડના પટ વિકસતા હોય છે, તો ક્યારેક આવાં પડનાં એક પછી એક વ્યવસ્થિત ગોઠવાયેલાં આવર્તનો પણ મળતાં હોય છે. પ્રત્યેક પડ સમાંગ બંધારણવાળું હોય છે; ક્યારેક તો તેમાં પ્રવાહરચના કે પત્રબંધી જેવી રચના પણ દેખાતી હોય છે તો વળી ક્યારેક મૅગ્માજન્ય ગુરુત્વ-સ્વભેદનને કારણે ખનિજકણો પટ્ટાદાર રચના બનાવે છે. આ પ્રકારની રચના છદ્મસ્તરરચના (pseudostratification) કહેવાય છે; દા.ત., ઓરિસાનો ક્રોમાઇટધારક ડ્યુનાઇટ, દક્ષિણ આફ્રિકાનું બુશવેલ્ડ સંકુલ, પૂર્વ ગ્રીનલૅન્ડનું સ્કરગાર્ડ સંકુલ તથા યુ.એસ. મૉન્ટાનાનું સ્ટીવૉટર સંકુલ.
ગિરીશભાઈ પંડ્યા