સુસ્ટ્રિસ પરિવાર

January, 2008

સુસ્ટ્રિસ પરિવાર (Sustris family) (સુસ્ટ્રિસ લૅમ્બર્ટ : જ. આશરે 1510થી 1515, ઍમસ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ; અ. 1560 પછી, જર્મની. સુસ્ટ્રિસ ફેડેરિકો : જ. આશરે 1540, ફ્લોરેન્સ, ઇટાલી; અ. 1599, જર્મની) : ડચ બરોક-ચિત્રકારો. પિતા લૅમ્બર્ટે ઍમસ્ટરડૅમમાં તાલીમ લઈ વેનિસ જઈ ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર તિશ્યોંના સ્ટુડિયોમાં મદદનીશ તરીકે કામ કર્યું. એ પછી તેમણે પાદુઆ જઈ સ્વતંત્ર ચિત્રકાર તરીકે કારકિર્દી ઘડી અને નિસર્ગમાં વિહાર કરતા માણસોનાં ચિત્રો આલેખવાં શરૂ કર્યાં. તેમનું શ્રેષ્ઠ ગણાયેલું ચિત્ર છે ‘વીમેન ઇન અ રોમન બાથ’.

પુત્ર ફેડેરિકોએ રેનેસાંસ-કલાઇતિહાસકાર જ્યૉર્જિયો વસારીની રાહબરી હેઠળ માઇકેલેન્જેલોની કબર પર શિલ્પો કંડાર્યાં. એ પછી એમણે ઓગ્સ્બર્ગમાં લૅન્ડ્શૂટમાં અને મ્યૂનિકમાં વિવિધ આશ્રયદાતાઓ માટે પૌરાણિક ચિત્રો આલેખ્યાં. મ્યૂનિકમાં પિતા અને પુત્ર બંનેએ ભેગાં મળીને ઓવિડના મેટામૉર્ફૉસિમાંથી ઘણાં દૃશ્યો આલેખ્યાં.

અમિતાભ મડિયા