સુરિનૅમ : દક્ષિણ અમેરિકામાં ઉત્તર તરફ આટલાંટિકના કિનારે આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 1° 50´થી 6° 00´ ઉ. અ. તથા 54° 00´થી 58° 10´ પ. રે. વચ્ચેનો 1,63,820 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આટલાંટિક મહાસાગર, પૂર્વમાં ફ્રેંચ ગિયાના (Guiana), દક્ષિણે બ્રાઝિલ તથા પશ્ચિમે ગુયાના(Guyana)ની સીમાઓ આવેલી છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : દેશની ઉત્તરે આટલાંટિક મહાસાગર કિનારા નજીક નીચાં મેદાનો આવેલાં છે. અહીંથી જેમ જેમ દક્ષિણના અંદરના ભાગમાં જઈએ તેમ તેમ ભૂપૃષ્ઠ ક્રમશ: ઊંચાઈવાળું અસમતળ બનતું જાય છે. દેશના દક્ષિણ ભાગમાં ઘનિષ્ઠ, સ્ફટિકમય ખડકો ધરાવતો ગુયાનાનો ઉચ્ચપ્રદેશ વિસ્તરેલો છે. જુલિયાના ટૉપ નામનું તેનું ઊંચું શિખર 1230 મીટરની ઊંચાઈ ધરાવે છે.
અહીંના પહાડીક્ષેત્રમાંથી સુરિનૅમ, મારોવાયને, કૉરન્ટાઇન, કોપેનૅમ, સારામાક્કા જેવી નદીઓ નીકળે છે, તે ઉત્તર તરફ વહીને આટલાંટિક્ધો મળે છે. કેટલીક નદીઓએ તેમના પ્રવાહપથમાં વિશાળ જળાશયો પણ બનાવ્યાં છે.
આબોહવા : સુરિનૅમ વિષુવવૃત્તીય ગરમ ભેજવાળી આબોહવા ધરાવે છે. સરેરાશ વાર્ષિક તાપમાન 27° સે. જેટલું રહે છે. આ દેશ વ્યાપારી પવનો તથા ઉષ્ણતાનયનના પ્રવાહો દ્વારા કિનારાના વિસ્તારમાં આશરે 2,000 મિમી. તથા અંદરનાં પહાડી ક્ષેત્રોમાં 3,200 મિમી. જેટલો વરસાદ મેળવે છે. અહીં સૂર્ય બે વાર માથે આવતાં બે વર્ષાઋતુઓ તેમજ બે શુષ્ક ઋતુઓ અનુભવાય છે.
સુરિનૅમ
આટલાંટિક મહાસાગરનો કાંઠો પંક-આચ્છાદિત રહે છે. ત્યાં ઘાસમિશ્રિત વાયુશિક્ (મૅન્ગ્રોવ) વનસ્પતિનાં જંગલો જોવા મળે છે. કિનારાનાં મેદાનોમાં ઉષ્ણકટિબંધીય સવાના ઘાસનાં બીડ આવેલાં છે. અહીંથી દક્ષિણનાં પહાડી ક્ષેત્રો તરફ જતાં વૃક્ષોનું પ્રમાણ વધતું જાય છે. ગુયાના ઉચ્ચપ્રદેશના પહાડી ઢોળાવો ગીચ વર્ષાજંગલોથી છવાયેલા છે. જંગલોમાં ખાસ કરીને કઠણ લાકડું આપતાં ઊંચાં વૃક્ષો વિશેષ છે. અહીંનાં વૃક્ષો, વેલાઓ, ઝાડીઝાંખરાં વિવિધ વન્યજીવોનું આશ્રયસ્થાન બની રહેલાં છે.
ખેતી-પશુપાલન : કૃષિપાકોના ઉછેર પર જમીનો અને આબોહવાની વિશેષ અસર વરતાય છે. વધુ વરસાદ અને ગરમ આબોહવા ધરાવતાં કિનારાનાં મેદાનોમાં ડાંગરનો પાક લેવાય છે. અહીંના નિવાસી ભારતીયો ડાંગરની ખેતી કરે છે. આ ઉપરાંત શેરડી, કેળાં, ખાટાં રસાળ ફળો, નારિયેળી, કોકો, કૉફી વગેરે બાગાયતી પાકો પણ લેવાય છે.
સવાના ઘાસનાં બીડોમાં આવેલા પશુવાડાઓમાં પશુસંવર્ધનપ્રવૃત્તિ થાય છે. વળી અલ્પ પ્રમાણમાં ઘેટાં, બકરાં, ડુક્કર અને મરઘાંઉછેર પણ કરવામાં આવે છે.
ખનિજ-સંપત્તિ : દેશનો દક્ષિણ ભાગ – ગુયાનાનો ઉચ્ચપ્રદેશ – પ્રાચીન વયના સખત સ્ફટિકમય ખડકો ધરાવે છે. તે વિવિધ પ્રકારનાં ખનિજો ધરાવે છે. મારોવાયને તથા તાપાનહોની નદીઓના કાંપમાંથી ભૌતિક સંકેન્દ્રણજન્ય સુવર્ણકણો (stream placer gold) મેળવાય છે. આ દેશ બૉક્સાઇટની સમૃદ્ધ અનામતો ધરાવે છે. એ દેશના અર્થતંત્રમાં બૉક્સાઇટનો ફાળો ઘણો મોટો છે. અહીંના સ્ફટિકમય ફેલ્સ્પારયુક્ત ખડકોમાંથી ખવાણ થતાં અવશિષ્ટ સંકેન્દ્રણરૂપે બૉક્સાઇટ તૈયાર થયેલું છે. કોટ્ટિકા નદી પરના મોએન્ગા ખાતે તેમજ સુરિનૅમ નદી પરના પારાનૅમ ખાતે બૉક્સાઇટનાં ક્ષેત્રો પથરાયેલાં છે. આ દેશ વિશ્વના લગભગ 5 % જેટલા બૉક્સાઇટનું ઉત્પાદન કરે છે. નજીકનાં સુરિનૅમ નદી પરનાં જળવિદ્યુતમથકોમાંથી સસ્તી વિદ્યુત ઉપલબ્ધ થાય છે. તેથી આ દેશમાં ઍલ્યુમિનિયમ ઉદ્યોગનું ભાવિ ઘણું ઉજ્જ્વળ છે. પારાનૅમમાં ઍલ્યુમિનિયમનું કારખાનું પણ કામ કરતું થયું છે.
ઉદ્યોગો : આ દેશમાં લાકડાંને લગતા ઉદ્યોગો ઉપરાંત મત્સ્ય, કૃષિ તથા પશુપેદાશો પર આધારિત ખાદ્યપ્રક્રમણ ઉદ્યોગોનું પ્રમાણ વિશેષ છે. દેશની મોટાભાગની ઔદ્યોગિક પ્રવૃત્તિ પાટનગર પારામારિબોમાં કેન્દ્રિત થયેલી છે; જેમાં પ્લાયવૂડ, ખાંડ, બિયર, આલ્કોહૉલ, સિગારેટ, સિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
વેપાર : દેશનું અર્થતંત્ર તેના આયાત-નિકાસ પર આધારિત છે. બૉક્સાઇટ, ઍલ્યુમિના અને ઍલ્યુમિનિયમ ધાતુનો નિકાસફાળો 80 % જેટલો છે. બાકીની મહત્વની નિકાસી ચીજોમાં ચોખા, ખાટાં રસદાર ફળો (મુખ્યત્વે નારંગી), લાકડું અને વન્ય પેદાશોનો સમાવેશ થાય છે.
પરિવહન : દેશનો મોટોભાગ પહાડી અને જંગલ-આચ્છાદિત હોવાથી માત્ર કિનારાનાં મેદાનોમાં જ થોડા પ્રમાણમાં ભૂમિમાર્ગોનો વિકાસ થયો છે. અહીં આશરે 89.19 કિમી.ના સડકમાર્ગો તેમજ 87 કિમી. લંબાઈનો એક રેલમાર્ગ આવેલો છે. નદીઓ જળમાર્ગો તરીકે ખૂબ ઉપયોગી નીવડે છે. જળમાર્ગોની લંબાઈ 1,500 કિમી. જેટલી છે. પાટનગર પારામારિબો સહિત આ દેશમાં ત્રણ હવાઈ મથકો આવેલાં છે, તે દેશના આંતરિક ભાગોમાં પણ હવાઈ સેવા પૂરી પાડે છે.
વસ્તી : 2000 મુજબ સુરિનૅમની વસ્તી આશરે 4,15,000 જેટલી છે. તે પૈકી મોટાભાગની વસ્તી કિનારા પરનાં બંદરો તથા શહેરોમાં કેન્દ્રિત થયેલી છે. પાટનગર પારામારિબો દેશની આશરે 40 % વસ્તી ધરાવે છે. વસ્તીનું પચરંગીપણું આ દેશની વિશિષ્ટતા છે. અહીં 37 % ભારતીયો, 15 % જાવાનીઝ, 30.8 % ક્રેયોલ, 10 % બુશનિગ્રો, 2.7 % અમેરિન્ડિયન, 1.7 % ચીની અને 1 % યુરોપિયનો છે. આમાંથી સાંસ્કૃતિક વિભિન્નતાઓ સર્જાઈ છે. પરિણામે રાજકીય તેમજ જાતિવિષયક સમસ્યાઓ ઊભી થઈ છે. દેશની સત્તાવાર ભાષા ડચ છે, પરંતુ અંગ્રેજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. હિન્દી, સુરિનામીઝ, જાવાનીઝ ભાષાઓ પણ બોલાય છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 93 % જેટલું છે.
સુરિનૅમ નદીથી આશરે 27 કિમી. ઉપરવાસમાં આવેલું, ડચ માહોલ ધરાવતું, આયોજનબદ્ધ બાંધકામવાળું, પાટનગર પારામારિબો, દેશનું મુખ્ય બંદર તેમજ શહેર છે. તેમાં સારા, વિશાળ સડકમાર્ગો છે. હવાઈ માર્ગે તે દેશ અને દુનિયાના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત નિકેરી નદીના મુખ પર આવેલું ન્યૂ નિકેરી શહેર પણ બંદર છે.
ઇતિહાસ : ‘ગિયાના’નો અર્થ ‘જળઆવૃત્ત ભૂમિ’ થાય છે. તેના ઉત્તર કાંઠે ઘૂઘવતાં જળ ઉપરાંત સમગ્ર પ્રદેશ પર બારેમાસ પડતા ભારે વરસાદથી તથા નદીનાળાંથી અહીંની ભૂમિ જળબંબાકાર બની જાય છે, જે તેના ‘ગિયાના’ નામને સાર્થક કરે છે. ગિયાનામાં સર્વપ્રથમ વસાહત સ્થાપવાનો યશ ડચ લોકોને ફાળે જાય છે. 1596માં તેમણે એસેક્વિબો નદીકાંઠે થાણું સ્થાપેલું. તે પછી આ જ વિસ્તારમાં બ્રિટને પણ વસાહત સ્થાપી. તે પછીથી ફ્રેન્ચોએ કાયેન્ન (Cayenne) પર કબજો મેળવ્યો. આમ ‘ડચ ગિયાના’ની પશ્ચિમે ‘બ્રિટિશ ગિયાના’ અને પૂર્વમાં ‘ફ્રેન્ચ ગિયાના’ જેવાં સંસ્થાનો સ્થાપિત થઈ ગયાં હતાં, પણ ત્રણેય વચ્ચે સીમા-સ્પષ્ટતા ન હતી.
ત્રણેય સંસ્થાનોમાં શેરડીની બાગાયતોમાં નિગ્રો ગુલામો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી. ગુલામી પ્રથા નાબૂદ થતાં ગુલામોને સ્થાને અહીં ભારતીયો, ચીનાઓ, ઇન્ડોનેશિયનો તથા અન્ય એશિયાઈ દેશોના લોકોની ભરતી કરવામાં આવેલી. આ રીતે આ દેશમાં અનેક દેશનાં તેમજ અનેક જાતિના લોકો એકસાથે વસવાટ કરતા થયા. તેમાંથી રાજકીય અને જાતિવિષયક સમસ્યાઓનો ઉદભવ થયો.
1954માં નેધરલૅન્ડ્ઝની ડચ સરકારે ‘ડચ ગિયાના’ને નેધરલૅન્ડ્ઝ સાથેનું જોડાણ ધરાવતા ‘સ્વાયત્ત પ્રદેશ’નો દરજ્જો આપ્યો. ઈ. સ. 1975માં ‘ડચ ગિયાના’એ સ્વતંત્રતા મેળવી, જે ‘સુરિનૅમ’ દેશ તરીકે ઓળખાયો. આજે તે સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્યપદ પણ ધરાવે છે.
1982માં અહીં લશ્કરી કાઉન્સિલ કાર્યરત બની અને 1987માં પ્રજાકીય કાયદો ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવતાં રાજકીય સમસ્યા શરૂ થઈ હતી, જેની અસર દેશના અર્થતંત્ર પર પણ પડેલી. પરિણામે તે વર્ષના નવેમ્બરમાં ચૂંટણી યોજાઈ હતી અને લોકતંત્ર અસ્તિત્વમાં આવેલું; પરંતુ 1990ના ડિસેમ્બરમાં લશ્કરે સત્તા હાંસલ કરેલી. ત્યારબાદ 1992 અને 1996માં ચૂંટણી થતાં પરિસ્થિતિમાં સુધારો થયો હતો.
બિજલ શં. પરમાર