શુલ્ટ્ઝ, થિયૉડોર વિલિયમ (જ. 30 એપ્રિલ 1902, અર્લિંગ્ટન પાસે, દક્ષિણ ડાકોટા, અમેરિકા; અ. 26 ફેબ્રુઆરી 1998, શિકાગો) : 1979 વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમણે 1927માં દક્ષિણ ડાકોટા સ્ટેટ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી તથા 1930માં વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા બાદ 1930-43ના ગાળામાં આયોવા સ્ટેટ કૉલેજમાં તથા 1943-72ના ગાળામાં શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. 1972માં ત્યાંથી નિવૃત્ત થયા.
1946-61 દરમિયાન તેમણે શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા તરીકે સેવાઓ આપી હતી. વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં અધ્યયન કરતા હતા ત્યારે તેઓ જૉન આર. કૉમન્સ જેવા બિનપરંપરાગત વિચારકોના પ્રભાવ હેઠળ આવી ગયેલા. આર્થિક વિકાસ અંગેની તેમની વિચારસરણીમાં તેમણે મુખ્યત્વે બે બાબતો પર ભાર મૂક્યો છે : (1) કોઈ પણ દેશનો ઔદ્યોગિક વિકાસ તે દેશના કૃષિવિકાસના પાયા પર જ સંભવી શકે છે. (2) આર્થિક વિકાસની પ્રક્રિયામાં ‘માનવમૂડી’ મહત્વનો ભાગ ભજવતી હોય છે અને ‘માનવ-મૂડી’નું સંવર્ધન શિક્ષણનો પ્રસાર અને પ્રચાર, દેશના બુદ્ધિકૌશલ્યની ગુણવત્તા, આર્થિક વિકાસની તીવ્ર ઝંખના (will) તથા ઊર્જા પર આધાર રાખે છે. વિકાસશીલ દેશોની ગરીબીની સમસ્યાના ઉકેલમાં માનવમૂડીના વિધેયાત્મક ફાળા પર તેમણે ભાર મૂક્યો હતો અને તેને આધારે તેમણે તેમના આર્થિક વિકાસ અંગેના સિદ્ધાંતો તારવ્યા હતા.
શુલ્ટ્ઝે લખેલા ગ્રંથોમાં ‘ઍગ્રિકલ્ચર ઇન ઍન અનસ્ટેબલ ઇકૉનૉમી’ (1945), ‘ધી ઇકૉનૉમિક ઑર્ગનાઇઝેશન ઑવ્ ઍગ્રિકલ્ચર’ (1953), ‘ધી ઇકૉનૉમિક વૅલ્યૂ ઑવ્ એજ્યુકેશન’ (1963), ‘ટ્રાન્સફૉર્મિંગ ટ્રૅડિશનલ ઍગ્રિકલ્ચર’ (1964), ‘ઇકૉનૉમિક ક્રાઇસિસ ઇન વર્લ્ડ ઍગ્રિકલ્ચર’ (1965), ‘ઇકૉનૉમિક ગ્રોથ ઍન્ડ ઍગ્રિકલ્ચર’ (1968), ‘ઇન્વેસ્ટમેન્ટ ઇન હ્યુમન કૅપિટલ’ (1971) તથા ‘ઇન્વેસ્ટિંગ ઇન પીપલ : ધ ઇકૉનૉમિક્સ ઑવ્ પૉપ્યુલેશન ક્વૉલિટી’ (1981) વિશેષ નોંધપાત્ર છે.
1979 વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા હતા અમેરિકન અર્થશાસ્ત્રી સર (વિલિયમ) આર્થર લેવિસ (1915-1991), જેઓ મૂળ બ્રિટિશ વેસ્ટ ઇન્ડિઝના વતની હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે