સિજિલેરિયા : ત્રિઅંગી વનસ્પતિઓના અશ્મીભૂત ગોત્ર લેપિડોડેન્ડ્રેલ્સમાં આવેલા સિજિલેરિયેસી કુળની એક પ્રજાતિ. સિજિલેરિયેસી કુળ અંગાર ભૂસ્તરીય યુગ(Carboniferous)થી પર્મિયન (Permian) ભૂસ્તરીય યુગ સુધી વિસ્તરેલું હતું. તે વૃક્ષસ્વરૂપ ધરાવતું હતું. તેનું થડ સીધું, નળાકાર અને અશાખિત હતું અને અગ્ર-ભાગે પર્ણો ઘુમ્મટાકારે વિસ્તરેલાં હતાં. તેના શંકુઓમાં ખૂબ વિભિન્નતાઓ હોવાથી સિજિલેરિયાની 100 કરતાં વધારે જાતિઓ નોંધાઈ છે. કેટલીક જાતિઓનાં થડ 22 મી. કરતાં ઊંચાં અને 2 મી.ના વ્યાસવાળાં હતાં. ઉપપ્રજાતિ યુસિજિલેરિયામાં થડની સપાટી ખરબચડી અને થડ ઊભી ખાંચોયુક્ત હતું. પર્ણતલ-ગાદી (leafbase-cushion)ની ગોઠવણી ઊભી હરોળોમાં થયેલી હતી. સિજિલેરિયોફાઇલમનાં ગુચ્છિત પર્ણો પ્રકાંડના અગ્ર ભાગે વર્તુળાકારે ગોઠવાયેલાં હતાં. તેમની લંબાઈ એક મીટર કરતાં પણ વધારે હતી. કેટલીક જાતિઓમાં એકને બદલે બે સમાંતર શિરાઓ હતી. મૂળતંત્ર સ્ટિગ્મેરિયન (stigmarian) પ્રકારનું હતું. પ્રકાંડની આંતરિક રચના લેપિડોડેન્ડ્રૉન સાથે સામ્ય ધરાવતી હતી. પ્રકાંડ મજ્જિત મધ્યરંભી (siphonostelic), બહિરારંભી (exarch) અને બહુસૂત્રી (polyarch) હતું. દ્વિતીય અન્નવાહિની (secondary phloem) કરતાં દ્વિતીય જલવાહિની(secondary xylem)નું પ્રમાણ વધારે હતું.
સિજિલેરિયા બે ઉપપ્રજાતિઓ – યુસિજિલેરિયા અને સબસિજિલેરિયા ધરાવે છે. યુસિજિલેરિયામાં પ્રકાંડ ખાંચોવાળું હોય છે અને સબસિજિલેરિયામાં પ્રકાંડ ખાંચો વિનાનું હોય છે. સિજિલેરિયા રેનીફૉર્મિસ જાણીતી અશ્મીભૂત વનસ્પતિ છે. તેનું પ્રકાંડ સ્તંભાકાર, શાખા વગરનું અને તલસ્થ ભાગેથી 1.8 મી. જાડું અને અગ્રસ્થ ભાગે 0.3 મી. જાડું હોય છે. તેની ઊંચાઈ 5.4 મી. જેટલી હોય છે. પ્રકાંડની સપાટી ખરબચડી હોય છે; કારણ કે ચિરલગ્ન પર્ણડાઘ ઊભી હરોળમાં પ્રકાંડ ખાંચ વચ્ચે જોવા મળે છે. ગાદી જેવો ભાગ સ્પષ્ટ રીતે દેખાતો નથી. આ પર્ણડાઘ લેપિડોડેન્ડ્રૉનના પર્ણડાઘને મળતા આવે છે. સિજિલેરિયોફાઇલમનાં પર્ણો લાંબાં હોય છે અને ઘાસના પર્ણને મળતાં આવે છે. પર્ણકિનારીરી અંદરની તરફ વળેલી હોય છે. વાયુરંધ્રો અધ: અધિસ્તર તરફ પર્ણની નીચેની બાજુ અને ચાસની અંદર જોવા મળે છે. ચાસની ઉપરનો ભાગ રોમિલ હોવાથી બાષ્પોત્સર્જનની ક્રિયાનો વેગ ઘટે છે. પર્ણના મધ્યભાગમાં પાઇનસના પર્ણની જેમ બે વાહીપુલો હોય છે.
આકૃતિ 1 : (અ) Bothrodendron minutifolium, (આ) Sigillaria, (ઇ) સિજિલેરિયાની ઊભી ગોઠવાયેલી પર્ણતલ ગાદીઓ
સિજિલેરિયાના પ્રકાંડની આંતરિક રચનામાં (1) બાહ્યવલ્ક (periderm); (2) બાહ્યક (cortex); (3) દ્વિતીય જલવાહિની; (4) પ્રાથમિક જલવાહિની (primary xylem) અને ગર અથવા મજ્જા(pith)નો સમાવેશ થાય છે. પ્રકાંડમાં દ્વિતીયક વૃદ્ધિ વધુ પ્રમાણમાં થયેલી હોવાથી બાહ્યવલ્ક ખંડિત સ્વરૂપે જોવા મળે છે. બાહ્યવલ્ક્ની નીચે મૃદુતક પેશીનું બનેલું બાહ્યક (cortex) હોય છે. ક્યારેક તે બાહ્ય-બાહ્યક, મધ્ય-બાહ્યક અને અંત:-બાહ્યક એમ ત્રણ ઉપભાગોમાં વિકસિત થયેલું હોય છે. બાહ્યકની રચના લેપિડોડેન્ડ્રૉનના પ્રકાંડને મળતી આવે છે. દ્વિતીય જલવાહિની બાહ્યકની નીચે ગોઠવાયેલી હોય છે; તેનો વિકાસ બહિરારંભ હોય છે. એટલે કે આદિદારુ (protoxylem) બાહ્ય-બાહ્યક તરફ ગોઠવાયેલી હોય છે. દ્વિતીય જલવાહિનીમાં સોપાનવત્ સ્થૂલન જોવા મળે છે. તેની નીચે પ્રાથમિક જલવાહિની આવેલી હોય છે. પ્રકાંડના મધ્યમાં ગરને બદલે આદિમધ્યરંભ (protostele) આવેલો હોય છે; જે બહિરારંભી અને બહુસૂત્રી હોય છે. મધ્યરંભનો ભાગ બાહ્યકના પ્રમાણમાં સાંકડો હોય છે. અનુદારુ (metaxylem) કેન્દ્રમાં અને તેની ફરતે આદિદારુ બહુસૂત્રી સ્થિતિમાં ગોઠવાયેલી હોય છે. તેની ફરતે એધાવલય (cambium-ring) અને દ્વિતીય જલવાહિનીનું સાંકડું વર્તુળ આવેલાં હોય છે.
સિજિલેરિયા વિષમબીજાણુક હોવાથી બે પ્રકારના અશ્મીભૂત શંકુઓ પ્રાપ્ત થયા છે. બંનેની લંબાઈ 20 સેમી. જેટલી હતી. સિજિલેરિયૉસ્ટ્રોબસનો શંકુ લેપિડોસ્ટ્રોબસને મળતો આવે છે, જ્યારે મેઝોકાર્પોન વિશિષ્ટ રચના ધરાવે છે. સિજિલેરિયૉસ્ટ્રોબસ સંપીડન (compression) અને બીબા (cast) તરીકે મળી આવે છે; જેમાં મધ્ય ભાગે એક મધ્ય અક્ષ (central axis) આવેલો હોય છે. તેની ઉપર ચક્રાકારે અથવા સર્પાકારે બીજાણુપર્ણો ગોઠવાયેલાં હોય છે. બીજાણુપર્ણની પૃષ્ઠસપાટી ઉપર બીજાણુધાની આવેલી હોય છે. લઘુબીજાણુધાની લઘુબીજાણુ જ્યારે મહાબીજાણુધાની મહા-બીજાણુઓ ઉત્પન્ન કરે છે. બીજાણુધાનીની ઉપર સોયાકાર નિપત્ર આવેલું હોય છે.
આકૃતિ 2 : મેઝોકાર્પોન : (અ) મહાબીજાણુપર્ણ, (આ) મહાબીજાણુપર્ણનો ઊભો છેદ
મેઝોકાર્પોન : શંકુની ફળાઉ રચનામાં મધ્ય અક્ષ ઉપર તલસ્થ ભાગે મહાબીજાણુપર્ણો અને ઉપરના ભાગે લઘુબીજાણુપર્ણો આવેલાં હોય છે. બાહ્યરચનાની દૃષ્ટિએ આ બંને બીજાણુધાની સરખી લાગે છે; પરંતુ મહાબીજાણુધાનીમાં ચાર અથવા આઠ મહાબીજાણુઓ (2 મિમી.નો વ્યાસ) આવેલા હોય છે. મહાબીજાણુનો આકાર અર્ધચન્દ્રમા કે રકાબી જેવો હોય છે. તેઓ બે સ્તરમાં પેશીમાં ખંચિત થયેલાં હોય છે. મહાબીજાણુમાં ક્યારેક માદાજન્યુજનકનો વિકાસ થયેલો જોવા મળે છે; જેમાં એક સ્ત્રીધાની હોય છે. મેઝોકાર્પોનને આભાસી બીજધારી (pseudospermatophyte) ગણવામાં આવે છે; કારણ કે મહાબીજાણુને ફરતે તેના વિકાસના તમામ તબક્કે પેશીનું આવરણ આવેલું હોય છે. આ પેશી પ્રદેહ(nucellus)ને સમકક્ષ હોવા છતાં આ સ્થિતિ બીજના સ્વરૂપ કરતાં ઘણી દૂરની છે.
જૈમિન વિ. જોશી